સુરતમાં 105 વર્ષના વયોવૃદ્ધ માજીની હિંમત સામે કોરોના હાર્યો, ડૉક્ટર્સને કહેતા- દિકરા, કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.

સુરતના 105 વર્ષના વયોવૃદ્ધ માજીની હિંમત સામે કોરોના હાર્યો છે. તેમની ઉંમર અને ઉપરથી કોરોના જેવો ગંભીર ચેપી રોગ જોતા માજી સ્વસ્થ થશે કે કેમ એ વિષે તેઓ શંકાશીલ હતા. પરંતુ આખરે ઉજીબા શબ્દશ: સાચા ઠર્યા જ્યારે માત્ર નવ દિવસની સારવાર મેળવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મક્કમ મનોબળના ઉજીબા સામે કોરોનાએ શરણાગતિ સ્વીકારી હતી. માજી સ્વસ્થ થતાં પરિવારને અનહદ આનંદ છે. દાદીમાએ મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી છે. 105 વર્ષે પણ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ છે.

મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતાં ઉજીબેન ગોંડલીયા 19 સભ્યોના સંયુક્ત પરિવાર સાથે રહે છે. ગામડાના મહેનતકશ જીવન, સ્વચ્છ વાતાવરણ, શુદ્ધ અને સાત્વિક આહારના કારણે કોરોના સામે ઝીંક ઝીલી ખુબ ઓછા દિવસોમાં વિજયી થયાં છે. કોરોનાને મ્હાત આપનાર દાદીમાં બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, અનેક હોનારતો, ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે ઉજીબાના 55 વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ગોંડલીયા ‘હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ’ના ડિરેક્ટર અને સચિન પાટીદાર સમાજના પ્રમુખ છે. તેઓ જણાવે છે કે, મારી માતા ઉજીબાએ ખેતીમાં તનતોડ મહેનત કરી છે. માતા ગામડે ખેતરમાં જાતે હળ અને સાંતી ચલાવતા, પાણી વાળતા અને બળદગાડું પણ ચલાવતા. કડકડતી ઠંડી કે ઉનાળાનો બળબળતો તાપ હોય તો પણ મહેનત કરવામાં ક્યારેય પાછી પાની કરે નહીં.

આજે પણ કોઈને ચીંધવા કરતાં પોતાનું તમામ કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. આ ઉંમરે તેમની શ્રવણશક્તિ અકબંધ છે. ગ્રામ્યજીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે તેમને ભાગ્યે જ દવાખાને લઈ જવા પડ્યા છે ગોવિંદભાઈ કહે છે કે, ઉજીબાના સગા ભાઈઓ એટલે કે મારા બે મામાઓ પૈકી એક 108 વર્ષ અને એક 103 વર્ષ જીવ્યા છે. જ્યારે એક માસી 101 વર્ષ જીવ્યા છે. અમારા વડીલો ગામડાની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી દીર્ઘાયુ છે. વૃદ્ધાવસ્થાને કારણે વડીલોની સર્જરી-ઓપરેશન સફળ નથી થતાં, પરંતુ 97 વર્ષની ઉંમરે પડી જવાથી માતાનો થાપાનો ગોળો ફાટી ગયો, જેનું ઓપરેશન કરીને સ્ટીલનો ગોળો નંખાવ્યો હતો. અમારા સંયુક્ત પરિવારમાં માતાની છત્રછાયા જળવાઈ રહી છે એનો સવિશેષ આનંદ છે.

સમર્પણ હોસ્પિટલમાં માજીની સારવાર કરનાર ડો.અનિલ કોટડિયાએ જણાવ્યું હતું કે 11મી ના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતાં ઉજીબાને દાખલ કરાયા હતાં. તાવ, શરદી, નબળાઈ જેવા લક્ષણો હતાં, જેથી યોગ્ય સારવાર શરૂ કરી અને 14મી એપ્રિલથી જ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પણ અમે ચેકઅપ અને દવા આપવા જતાં ત્યારે હંમેશા હસતા મુખે કહેતા કે ‘દિકરા,કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., આ કોરોના-ફોરોનાથી મને કશું થવાનું નથી.’ દાદીના મોં પર હમેશાં હાસ્ય રહેતુ. અને સ્ટાફ સાથે હસતા મુખે વાતચીત કરતાં. તેમની રિકવરી જોઇને હું ચોક્કસપણે કહું છું કે, કોરોના કરતાં તેનો ડર ગંભીર છે. તણાવમુક્ત રહી સારવાર લેવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. 105 વર્ષના દાદીમાં કોરોનાને હરાવી શકતાં હોય તો આપણે કેમ ન હરાવી શકીએ.? ઉજીબાએ શીખવ્યું છે કે મક્કમ મનોબળ હોય તો કોરોનાને પણ હાર માનવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો