દિવાળીએ રાત્રે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે, સંપૂર્ણ પ્રતિબંધ નહીંઃ સુપ્રીમ કોર્ટ

દેશમાં ફટાકડાંઓના વેચાણ અને ફટાકડાં સળગાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં ઓછા એમિશનવાળા અને જેની પાસે લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત ઓનલાઈન ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઓનલાઈન ફટાકડાં વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. કોર્ટના જણાવ્યા પ્રમાણે રજૂ કરેલા નિયમોનું પાલન કરાવવાની દરેક વિસ્તારના SHOની જબાવદારી રહેશે. જો નિયમોનું પાલન કરાવવામાં નહીં આવે તો SHOને અંગત રીતે કોર્ટની અવગણનાના દોષિત માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય. કોર્ટે કહ્યું છે કે સુરક્ષિત હોય એવા ફટાકડાનું નિર્માણ અને વેચાણ ચાલુ રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ મૂકી છે. સાથે કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમ ફક્ત દિવાળી માટે જ નહીં પરંતુ બધા તહેવારોને લાગૂ પડશે.

ફટાકડાં ફોડવાનો સમય પણ સુપ્રીમે નક્કી કર્યો

સુપ્રીમ કોર્ટે ફટાકડાં ફોડવા માટે સમયના નિયમો પણ જાહેર કરી દીધાં છે. આ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિવાળી પર રાતે 8થી 10 વાગ્યા સુધી, ક્રિસમસ અને ન્યૂ યરમાં રાતે 11.45 વાગ્યાથી 12.15 સુધી જ ફટાકડાં ફોડી શકાશે.

28 ઓગસ્ટે જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની દલીલ પૂરી થયા પછી નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ફટકડાંઓના વેચાણ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ફટાકડાંના ઉત્પાદન વિશે નિયમો બનાવવા તે વધારે સારો વિકલ્પ છે. એલ્યુમિનિયમ અને બેરિયમ જેવી સામગ્રીનો ઉપયોગ રોકવો યોગ્ય રહેશે.

આ ઉપરાંત કોઈ પણ ધાર્મિક તહેવાર કે લગ્નોમાં પ્રતિબંધિત કેમિકલવાળા ફટાકડાનો ઉપયોગ નહીં કરી શકાય. આ ઉપરાંત નક્કી કરેલા ડેસિબલ સુધી અવાજ કરતા ફટાકડા જ ફોડી શકાશે. એટલે કે ભારે અવાજવાળા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.

સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે, પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચાર કરતા પહેલા ફટાકડા ઉત્પાદકોની આજીવિકાનો મૌલિક અધિકાર અને દેશના 1.3 અબજ લોકોના સ્વાસ્થ્યના અધિકાર સહિત વિવિધ મુદ્દાઓને ધ્યામાં રાખવાં પડશે.

ગયા વર્ષે દિલ્હીના વેપારીઓને થયું હતું લાખોનું નુકસાન

તમિલનાડુ સરકાર, ફટાકડાંનાં ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક રિસર્ચ વગર કોર્ટે ગયા વર્ષે દિલ્હીમાં ફટાકડાંઓના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. પ્રદૂષણ માટે ફટાકડાંથી વધારે અન્ય પણ ઘણી વસ્તુઓ જવાબદાર છે.

આ કેસમાં ગઈ સુનાવણીમાં જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિલ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે, શું આપણે સમગ્ર દ્રષ્ટીકોણ અપનાવીને પ્રદૂષણમાં યોગદાન કરનારી દરેક વસ્તુઓ પર પ્રતિબંદ લગાવવો જોઈએ કે અસ્થાયી દ્રષ્ટીકોણ અપનાવીને માત્ર ફટાકડાંઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ? સુપ્રીમ કોર્ટે આ વિશે પણ ધ્યાન આપ્યું છે કે, વાયુ પ્રદૂષણના બાળકો માટે ખૂબ જોખમી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો