વડોદરામાં સસ્તા અનાજના પુરવઠાના વિતરણ વખતે ચેપ લાગ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારને પુરવઠા નિગમે 25 લાખની સહાય કરી
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ચલાવતા અરવિંદભાઇ પટણીના પુત્રને ભાર્ગવ પટણી સસ્તા અનાજના પુરવઠાના વિતરણ વખતે કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને ત્યારબાદ 27 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મૃતકના પરિવારને રાજ્ય સરકારના પુરવઠા નિગમે 25 લાખની સહાય કરી છે.
રાજ્ય સરકારે કરેલી મૃત્યુ સહાય ચૂકવવાની જોગવાઈ હેઠળ મરણોત્તર સહાય કરાઇ
ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા વાજબી ભાવની દુકાનમાં કોરોના લોકડાઉન દરમિયાન તોલાટ તરીકેની કામગીરી કરતાં સમયે લાગેલા કોરોના વાઈરસના ચેપને પગલે મૃત્યુ પામેલા ભાર્ગવ અરવિંદભાઈ પટણીના પરિવારને કોરોના વોરિયર તરીકે રાજ્ય સરકારે કરેલી મૃત્યુ સહાય ચૂકવવાની જોગવાઈ હેઠળ રૂ.25 લાખની મરણોત્તર સહાયની ચુકવણી કરી છે. વડોદરાજિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સ્વ. ભાર્ગવ પટણીના પરિવારને સહાય ચૂકવવાની ભલામણ કરી હતી.
મૃતકના પિતા અરવિંદભાઇ પટણીના બેંક ખાતામાં RTGS કરીને મૃત્યુ સહાય જમા કરાવી
રાજ્ય સરકારે કોરોના સંકટને અનુલક્ષીને વાજબી ભાવની દુકાનોમાં સરકાર વતી કાર્ડધારકોને આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાનું વિતરણ કરવાની કામગીરી દરમિયાન જો દુકાનદાર, તેમના તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને સહાયક પૈકી કોઈને પણ નોવેલ કોરોના વાઈરસ(કોવીડ-19) નો ચેપ લાગે અને તેના લીધે અસરગ્રસ્તનું મૃત્યુ થાય તો મૃતકના પરિવારને રૂ. 25 લાખની મૃત્યુ સહાય ચૂકવવાની જોગવાઈ કરી હતી. તે પ્રમાણે વડોદરા જિલ્લા કલેક્ટરે ભલામણ સ્વીકારીને રાજ્ય પુરવઠા નિગમે ભાર્ગવ પટણીના પિતા અરવિંદભાઈ ફકીરભાઈ પટણીના SBIના ખાતામાં RTGSના માધ્યમથી મૃત્યુ સહાયની રૂ.25 લાખની રકમ જમા કરાવી છે.

