વાપીમાં સાવકી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો, 8 વર્ષની દીકરીનું માથું ફોડીને કરી ક્રૂર હત્યા

વાપી ખોડીયાર નગરમાં રહેતી સાવકી માતા 8 વર્ષીય બાળકીને સ્કૂલ લેશન ન કરતા ઢોર માર મારી તેનું માથું દીવાલમાં અથડાવી અથડાવીને લોહી લુહાણ હાલતમાં છોડી પોતાના અઢી વર્ષીય પુત્ર સાથે બેડરૂમમાં જઇને સુઇ ગઇ હતી. સાંજે બાળકીમાં હલનચલન ન દેખાતા નાટકીય રીતે હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડુંગરા પોલીસે આ કેસમાં આરોપી સાવકી માતાની ધરપકડ કરી છે.

લેશન નહીં કરતા ઢોર માર મારવાનું શરૂ કર્યું

વાપી છીરી ખોડીયાર નગર ખાતે ચીરાગ રો-હાઉસ નં.2-22માં ભાડેથી રહેતા અને નવી મુંબઇમાં નોકરી કરતા નિલેશ ઉર્ફે મનોજ નિવૃત્તી નેહતે પત્ની કવિતા, તેના અઢી વર્ષીય પુત્ર પાર્થ તથા પહેલી પત્ની પ્રેરણાની 8 વર્ષીય બાળકી સોનાક્ષી સાથે રહે છે. મંગળવારે નિલેશ રાબેતા મુજબ સવારે નોકરી માટે નીકળી ગયો હતો. બપોરના 12.30 કલાકે 8 વર્ષીય સોનાક્ષી કેલકર મરાઠી વઝે સ્કૂલથી ઘરે આવી હતી. સાવકી માતા કવિતાએ 1 વાગે તેને લેશન કરવા કહેવા બાદ બાળકીએ લેશન નહીં કરતા ઢોર માર મારવાનું શરૂ કરી માથું અને મોઢું દીવાલ સાથે જોરથી અથડાવી લોહીલુહાણ હાલતમાં હોલમાં જ છોડી પોતાના પુત્ર પાર્થ સાથે બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી.

સાવકી માતાની ધરપકડ

સાંજે સોનાક્ષી હોલમાં જ સૂતેલી હાલતમાં દેખાતા કવિતાએ પતિને ફોન કરી કહ્યું હતું કે, સોનાક્ષી આંખ ખોલતી નથી. ત્યારબાદ નાટકીય રીતે પાડોશીઓને બોલાવી તેને હરિયા હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા ડુંગરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછમાં માતા પોલીસ સમક્ષ કંઇ પણ બોલવા તૈયાર ન હતી. જોકે, પતિ અને સાસુ-સસરાએ દબાણ લાવી પૂછપરછ કરતા માતાએ જ બાળકીને પતાવી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી કવિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાડોશીઓને પણ અંધારામાં રાખી હોસ્પિટલમાં લઈ ગઈ હતી

આરોપી કવિતાએ પરિજનોને જણાવેલ કે, મંગળવારે બપોરે બાળકી સોનાક્ષી સ્કૂલમાંથી આવ્યા પછી એક વાગે તેને લેશન કરવા માટે કહેવા છતાં તે લેશન કરતી ન હોય આવેશમાં આવી પ્રથમ તેણીનું મોઢુ દીવાલ સાથે જોરથી અથડાવેલ તે પછી તેણીનું માથુ પકડી જોરથી દીવાલમાં અથડાવતા લોહી નીકળ્યા બાદ તેને પેસાબ થઇ ગયેલ. ત્યારબાદ ફરીથી માતાએ તેને છાતીમાં તેમજ શરીરે ઢીકામુક્કીનો માર મારેલો અને તેના કપડા બદલાવી કપડા બાથરૂમમાં મુકી બાળકીને હોલમાં જ છોડી છોકરો પાર્થ રડતો હોય તેને લઇ બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી. સાંજે સોનાક્ષી હોલમાં જ સુતેલી હાલતમાં દેખાતા તેને જગાડવા જતા કોઇ જવાબ ન મળવાથી નાટકીય રીતે પાડોશીઓ સાથે હરિયા હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ક્રુર માતાને કોઇ પસ્તાવો નથી

હત્યાનો ભેદ ઉકેલાતા ડુંગરા પોલીસે ગુરૂવારે સવારે કુમાતા કવિતાની ધરપકડ કરી હતી. જેને લઇ મીડિયા કર્મીઓ તેના ફોટો પાડવા પોલીસ મથકે પહોંચ્યા હતા. તે સમયે આરોપી માતા તમામને ગુસ્સામાં જોઇ રહી હતી. ચહેરાને જોઇ બાળકીને પતાવ્યા બાદ પણ તેને કોઇ પછતાવો ન હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું.

બાળકીએ પિતાને ફરિયાદ કરી હતી

સાવકી માતા અગાઉથી જ હોમવર્ક, ઘરકામ જેવા નજીવી બાબતે અવારનવાર બાળકીને માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી. રાત્રે નોકરી પરથી આવતા પિતાને બાળકીએ અગાઉ ઘણીવાર આ અંગે ફરિયાદ કરી હતી. જોકે પિતાએ આ વાતને અનદેખી કરી દેતા ગંભીર પરિણામ આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો