સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનશે દેશનું સૌથી મોટું પર્યટન સ્થળ

દેશના પર્યટનનું મહત્ત્વનું કેન્દ્ર ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે. વડોદરાથી 90 કિમીના અંતરે કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના અગ્રણી પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહી છે. દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ 182 મીટર ઊંચી પ્રતિમા 20 ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. અને 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક ભવ્ય સમારોહમાં તેનું અનાવરણ કરશે. સરકારની યોજના છે કે દેશ-વિદેશના ટૂરિસ્ટો આ સ્થળે આવે ત્યારે તેઓ થોડા કલાકો પૂરતા નહીં પણ 2-3 દિવસ સુધી આ સ્થળે રોકાય.

પ્રતિમાના 5 કિમી વિસ્તાર પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે

આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. દિવ્ય ભાસ્કર પાસે આ સ્થળને ડેવલપ કરવા માટેના સરકારનો સમગ્ર પ્લાન છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સુરક્ષા માટે પણ વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. તેની સુરક્ષા મેટ્રો અને એરપોર્ટની તર્જ પર કરવામાં આવશે. પ્રતિમાના 5 કિમી વિસ્તાર પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. લોકાર્પણ સમારોહ દરમ્યાન તત્કાલીન રાજા-રજવાડાઓનું પણ સન્માન કરવામાં આવે એવી શક્યતા છે.

મંત્રી ગણપત વસાવાના જણાવ્યા અનુસાર ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક સરપંચ પાસે રાજીનામું લેવું હોય તો પણ આનાકાની થાય છે, તેને સમજાવવો પડે છે. અહીં તો સમગ્ર રાજ્ય સોંપી દેવાની વાત છે. સરદાર સાહેબના યોગદાન વિશે બોલવું સરળ લાગે છે કે તેમણે રજવાડાઓને એક કર્યા પણ આપણે લોકો પણ અનુભવ કરીએ છીએ કે સરપંચનું રાજીનામું લેવું હોય તો પણ તેને કેટલો મનાવવો પડે છે. સરદાર સાહેબના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. આ જ ક્રમમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં તત્કાલિન રાજા-રજવાડાઓને યાદ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

– લોકાર્પણ 31 ઓક્ટોબરે અને પ્લાન 5 વર્ષમાં પૂર્ણ થશે

– કચ્છના રણની જેમ સ્થાયી ટેન્ટ સિટી બનશે, લેસર શૉમાં સરદારની જીવનગાથા દર્શાવાશે

– 100 ગાઇડને ટ્રેનિંગ અપાઈ રહી છે. પ્રવાસીઓ માટે ફૂડ પાર્ક, વૉટર પાર્ક, બોટિંગ પણ થશે

– મેટ્રો-એરપોર્ટ જેવી સુરક્ષા હશે, 4 કિ.મી. દૂર પાર્કિંગ બાદ બેટરીથી ચાલતા વાહનો દોડાવાશે

– લોકાર્પણ અગાઉ સમગ્ર રાજ્યને જોડતી એકતા રથયાત્રા યોજાશે

યુનિટીનું થીમ સોંગ તૈયાર…

હવે સરદાર પટેલની પ્રતિમાનું એક થીમ સોંગ પણ હશે. રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે એક થીમ સોંગ તૈયાર કર્યું છે જે 31 ઓક્ટોબરે યુનિટીના લોકાર્પણ પ્રસંગે વગાડાશે. આ થીમ સોંગના શબ્દો છે… ‘ભારતના ભાગ્ય વિધાતા, ભારતના જન નેતા સરદાર… હા… સરદાર’ શિવરામ પરમારે જ 2014ની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચારનું સંગીત તૈયાર કર્યું હતું.

ટેન્ટ સિટી – કુલ 250 રૂમ હશે, 500 જણ રોકાઈ શકશે
સાધુ બેટમાં કાયમી ટેન્ટ સિટી બનશે. શરૂમાં 250 ટેન્ટ રૂમ હશે. જેમાં 75 લક્ઝરી, 74 ડિલક્સ અને 100 સ્ટાન્ડર્ડ સ્તરના રૂમ હશે. લક્ઝરીમાં 2 દિવસ-1 રાતનું ભાડું 8-9 હજાર, ડિલક્સ અને સ્ટાન્ડર્ડનું ભાડું 6500થી 8 હજાર હશે. કુલ 500 લોકો રોકાઈ શકશે.

ગેસ્ટ હાઉસ – દૂતાવાસ ઢબે બધા રાજ્યના ગેસ્ટ હાઉસ
પ્રતિમાથી થોડા અંતરે દિલ્હીમાં તમામ દેશના દૂતાવાસની ઢબે દરેક રાજ્યોના ગેસ્ટ હાઉસ બનશે. મુખ્ય સચિવ જે.એન.સિંહે કહ્યું હતું કે, આ માટે જમીન સંપાદિત થઈ ગઈ છે. ટૂંકમાં કામ શરૂ થશે. આશય એ છે કે રાજ્યોના ટૂરિસ્ટોને રોકાવા માટે તમામ વિકલ્પ મળી રહે.

ટાઇગર પાર્ક – ગીરના સિંહની જેમ વાઘ ફરતા જોવા મળશે
રાજ્યમાં એશિયાટિક લાયન છે પણ વાઘ નથી. ગુજરાતનું વાતાવરણ વાઘ માટે અનુકૂળ નથી છતાં સરકાર અહીં વાઘને વસાવવાની તૈયારી કરી રહી છે. વન વિભાગે તિલકવાડામાં 45 હેક્ટર જમીન આ માટે નક્કી કરી છે. કેન્દ્રની મંજૂરી પણ મળી ગઈ છે. શરૂઆતમાં બેથી ચાર વાઘ રખાશે.

ફ્લાવર વેલી – 17 કિલોમીટરના વિશાળ ભાગમાં ફૂલોનો બગીચો
પર્યટન મંત્રી ગણપત વસાવાના જણાવ્યાનુસાર નર્મદાના તટે 17 કિમીમાં 230 હેક્ટર વિસ્તારમાં ફ્લાવર વેલી વિકસાવાશે. જ્યાં દેશ-વિદેશના ફૂલો હશે.

ફૂડ કોર્ટ – લેસર શૉ, મ્યુઝિયમ અને રિસર્ચ સેન્ટર પણ રહેશે
પ્રતિમા પર લેસર શૉ દ્વારા સરદારની જીવન ગાથા દર્શાવાશે. સરદાર મ્યુઝિયમ હશે જેમાં સરદારને લગતા 40 હજાર દસ્તાવેજો, 2 હજાર ફોટો તથા રિસર્ચ સેન્ટર પણ હશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો