અમદાવાદમાં ઘરે-ઘરે જઈને રસોઈ બનાવતા મા-બાપના દીકરાએ JEEમાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ ઉક્તિને સાર્થક કરી છે એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાએ. રાત-દિવસ મહેનત કરીને પેટે પાટા બાંધીને મા-બાપે દીકરાને ભણાવ્યો. દીકરાએ માતા-પિતાની મહેનત એળે ના જવા દીધી અને JEE (મેઈન)ની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી. ઘરે-ઘરે જઈને રસોઈ બનાવીને પેટિયું રળતા દંપતીના દીકરાએ JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)માં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા છે. દેશભરની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા આપવામાં આવે છે.

અમિતલાલ લબાનાના દીકરા અરુણ લબાનાએ જેઈઈ (મેઈન)ની પરીક્ષામાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા છે. અરુણના પિતા અમિતલાલ પાંચ ઘરે જઈને રસોઈ બનાવવાનું કામ કરે છે. જ્યારે તેની મમ્મી કવિતા એક બંગલામાં ઘરકામ ઉપરાંત રસોઈ કરે છે ત્યારે જઈને બે છેડા ભેગા થાય છે. અરુણના માતા-પિતા ભેગા મળીને મહિને 25,000 રૂપિયા કમાય છે. ત્યારે JEEમાં ડંકો વગાડ્યા બાદ હવે અરુણની ઈચ્છા ભારતની ટોચની સાત IIT (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માંથી એકમાં એડમિશન મેળવવાનું છે. જો કે, એ પહેલા તે JEE (મેઈન)ની બીજીવાર પરીક્ષા આપવા માગે છે જેથી હજી વધુ સારો સ્કોર કરી શકાય.

લબાના પરિવાર મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો છે. તેઓ થલતેજના એક બંગલાના આઉટહાઉસના એક નાનકડા રૂમમાં રહે છે. અરુણે કહ્યું, “ટોચની IITમાંથી કોઈ એકમાં એડમિશન મેળવીને હું કમ્પ્યૂટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માગુ છું. મારા શિક્ષણ માટે માતા-પિતાએ રાતદિવસ જોયા વિના મહેનત કરી છે. મારું સપનું છે કે ટોપ એન્જિનિયર બનીને મારા માતા-પિતાને આરામદાયક જીવન આપવાનું છે.”

અરુણ ભણવામાં ખૂબ હોંશિયર છે. ધોરણ 10ની પરીક્ષામાં તેણે 90 ટકા અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 80 ટકા મેળવ્યા હતા. શરૂઆતથી જ ભણવામાં હોંશિયાર અરુણને માતા-પિતા બરાબર પારખ્યો હતો અને એટલે જ તેને ભણાવવા તનતોડ મહેનત કરી. અરુણે કહ્યું, “અમારા ઘરમાં એક પલંગ છે અને તે જ મારું અને મારા ભાઈનું સ્ટડી ટેબલ છે. પલંગ પર જ વાંચીને મેં મોટાભાગની તૈયારી કરી છે.”

અરુણના પિતા અમિતલાલે કહ્યું, “અમે અમારા દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે હજી વધારે મહેનત કરીશું. જ્યાં સુધી તે પોતાના લક્ષ્ય સુધી ના પહોંચે ત્યાં સુધી અમે તેના માટે પરિશ્રમ કરતા રહીશું. બાળક વિપરિત પરિસ્થિતિમાં પણ ઉદ્યમ કરીને ઝળહળતી સફળતા મેળવે તેનાથી વધુ ખુશીની વાત મા-બાપ માટે બીજી કઈ હોઈ શકે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો