વીજ કંપનીએ લાઇન નાખવાના લાખો રૂપિયા કહેતા ખેડુતે આખું ‘ડેરી ફાર્મ’સોલાર વીજળીથી ધમધમતું કર્યું

માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલ ડેરી ફાર્મ 100 ટકા સોલારથી ઉત્પન્ન થતી વિજળીથી ચાલતું ફાર્મ બન્યું છે. જેમાં અત્યાધુનિક મશીનરીથી પાણીની મોટર અને ચારો કાપવાની કટર પણ સોલારથી ઉત્પન્ન થતી વીજળીથી ચાલે છે. વેલાછા ખાતે રહેતા અને પરંપરાગત ખેતી કરી ગુજરાન ચાલવતા રાજેન્દ્રસિંહ ચૌહાણ 2014માં પશુપાલન વ્યવસાયમાં ઝંપલાવવાનો વિચાર આવ્યો હતો. જ્યારે સામાન્ય પશુપાલન વ્યવસાયની પરંપરાગત ઢબ છોડી ડેનમાર્કમાં જે રીતે અત્યાધુનિક પશુપાલનનો વ્યવસાય થાય છે તે જગ્યાએ હાઈજેનિક જીવાણું મૂક્ત અને હાથના સ્પર્શ વગર દૂધ કઢાય તેવી ટેકનોલોજી સાથે ડેરી ફાર્મ શરૂ કરવાની કવાયત કરી હતી. ડેરી ફાર્મનું નિર્માણ વેલાછાથી દોઢ કિમી દૂર તેમના માલિકીના ખેતરમાં શરૂ કર્યુ હતું. પરંતુ ડેરી ફાર્મ માટે વીજળીની જરૂર પડી હતી.

વીજળી માટેના અન્ય સ્ત્રોત તરફ વિચાર કર્યો

જે જગ્યાએ ડેરી ફાર્મની જમીન પસંદ કરી હતી તે જમીનમાં જવા માટે વેલાછા ઉંમરપાડા નેરોગેજ ટ્રેનનો ટ્રેક ક્રોસ કરવો પડતો હોય ડેરી ફાર્મથી માત્ર 500 ફૂટ દૂર આવેલી વીજ લાઈનમાંથી ડેરી સુધી વીજળી પહોંચાડવા માટે કેન્દ્ર ગર્વમેન્ટમાંથી વીજળીના તાર રેલવે લાઈનમાંથી મંજૂરી મેળવવાનું હોય છે. પરંતુ રેલવેમાંથી વીજ કંપનીનો લાઈન મંજૂરી માટે ઘણો સમય થાય તેમ છે. જેથી ખેડૂતે લિંબાડા ગામથી વીજળી લેવા માટે રજૂઆત કરી હતી. ત્યારે વીજ કંપનીએ વેલાછાથી ડેરી ફાર્મ સુધી લાઈન નાંખવાનો ખર્ચ 12.50 લાખ આપ્યો હતો. આ પછી પણ વીજ કંપનીને માસિક વીજ બિલ ભરવાનું રહેતું હોય. તેથી વીજળી માટેના અન્ય સ્ત્રોત તરફ વિચાર કર્યો હતો. ત્યારે તેમણે સોલાર એનર્જીમાં ભવિષ્ય દેખાયું હતું.

અત્યાધુનિક મશીનરીથી માંડી પાણીની મોટરમાં પણ સોલર વીજળી વપરાય છે

2014માં તેમણે પોતાના ડેરી ફાર્મ ઉપર 11 લાખના ખર્ચે પોતાનું સોલાર યુનિટ 15 કેવીથી રાખી ડેરીફાર્મની શરૂઆત કરી હતી. આ સોલાર પ્લેટની મદદથી ઉત્પન્ન થતી વીજળીને તેમણે બેટરીમાં સંગ્રહિત કરી પોતાના ફાર્મમાં લાઈટ ઉપરાંત ગાયો દોહવા માટે મિલિંગ પાર્લર, હાઈર્ડ્રો પોનિંગ યુનિટ, ડેરીમાં પંખા, શાર્પ કટર, પાંચ એચપીની પાણીની મોટર, પાણીનો છંટકાવ કરવા માટેનું ફોગર મશીન, કર્મચારીના રહેઠાણ અને ઓફિસો માટે આ વીજળીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

2014થી 2018 સુધી તેમણે સોલાર નાંખી ઉત્પન્ન થતી વીજળીથી પોતાનું 100 ટકા ઈકો ફ્રેન્ડલી ડેરી ફાર્મ વિકસાવ્યું હતું. 50 ગાયોથી શરૂ કરી હાલ 2018 સુધીમાં 150 ગાયો સુધી પહોચતાં વીજળીની વધુ જરૂરિયાત તેમણે તાજેતરમાં 30 કિલો વોટનો સોલાર પ્લાન્ટ 100 પેનલ દ્વારા 22 લાખના ખર્ચે નવો પ્લાન્ટ બનાવ્યો છે. જેમાં દિવસ દરમિયાન ઉત્પન્ન થતા વીજળીને 60 જેટલી બેટરીમાં સ્ટોર કરવામાં આવે છે. તેની મદદથી હાલ તેમનું આખુ ફાર્મ હાઉસનો વીજળીનો પુરવઠોપૂર્ણ થાય છે. સરકાર હાલ સબસિડી આપી લોકોને રૂફટોપ સોલાર એનર્જી તરફ પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે સરકારની કોઈપણ જાતની સહાય વગર વેલાછાને પ્રગતીશીલ ખેડૂતે પોતાના આખા ડેરી ફાર્મને 100 ટકા સોલારથી ઉત્પન્ન થતી વીજળી ઉપર વર્ષોથી ચલાવી એક નવો ચીલો ચિતર્યો છે. અને પોતાની દુરદર્શીતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો