સ્મિત સ્વામીનું છાત્રોને શિક્ષિત કરવાનું અનોખું ભગીરથ કાર્ય

રાજ્યના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતાં 35 હજાર આદિવાસી બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે કબીર પંથના સ્વામી માર્ગ્ય સ્મિત ભગીરથ કાર્ય કરી રહ્યા છે. શિક્ષણને જ પોતાનો ધર્મ માનતા સ્વામી સ્મિતે છેલ્લાં 12 વર્ષમાં ગામડાંઓમાં ભજન-સત્સંગ મારફતે દરેક આદિવાસી માતા-પિતાને તેમના બાળકને શિક્ષણ આપવા સમજાવે છે. જ્યારે દાતાઓની મદદથી સ્વામી સ્મિત નેત્રંગ, દેડિયાપાડા, કેવડિયા, નસવાડી અને ક્વાંટ ખાતે પોતાની પાંચ આશ્રમ શાળાઓ સ્થાપી 1 હજારથી વધુ બાળકોને શિક્ષણ આપે છે.

રાજ્ય સરકારે પણ આદિવાસી બાળકોને શિક્ષિત કરવા 234 જેટલી આશ્રમ શાળાઓ સ્થાપેલી છે. પરંતુ દરેક શાળામાં 150 વિદ્યાર્થીઓ વચ્ચે 1 ગ્રાન્ટેડ શિક્ષક છે. સ્વામી સ્મિતે આ તમામ આશ્રમ શાળાઓમાં પોતે બાળકોને શિક્ષણ આપવા ઉપરાંત ગામના શિક્ષિત યુવાનો મારફતે અથવા સરકારને રજૂઆત કરી વધુ શિક્ષકો મુકાય તેવી રજૂઆતો મારફતે વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું રહે તેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી છે.

ગામડાંઓમાં ભજન-સત્સંગ મારફતે દરેક આદિવાસી માતા-પિતાને તેમના બાળકને શિક્ષણ આપવા સ્વામી સમજાવે છે

સ્વામી માર્ગ્ય સ્મિતે જણાવ્યું કે, આદિવાસીઓ પોતાના છોકરાઓને સરકારી આશ્રમ શાળામાં દાખલો અપાવી 6 મહિના સુધી બહાર ગામ મજૂરી કરવા જાય છે.દરેક શાળામાં 1 ગ્રાન્ટેડ શિક્ષક, બાળક પાસે 1 જોડી કપડાં સિવાય કાંઈ નહીં. મારા માટે આ છોકરાઓ શિક્ષિત બને તે જ મારો ધર્મ છે. હું આ આશ્રમશાળાઓમાં જઈ બાળકોને શિક્ષણ આપું છું. વડોદરાના હનુમાનજીના મંદિરોના મહંતોએ મારા કાર્ય અંગે જાણી મંદિરોમાં આ‌વતા તેલના ડબ્બા આ બાળકો માટે આપ્યા. જ્યારે હવે વડોદરાના અનેક દાતા આઇસક્રીમ,લીલાં શાકભાજી, સુરત-મુંબઈના દાતાઓ દ્વારા પેન-પેન્સિલ, કપડાં, બૂટ, ભોજન વિદ્યાર્થીઓ માટે આશ્રમ શાળાઓમાં મોકલાવી રહ્યા છે. વિદ્યાર્થી લવિંગ રાઠવાનો સાયન્સ સ્પર્ધામાં પહેલો નંબર આવતાં તેને જાપાન સરકારે વર્ષ 2014માં આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત પ્રેમીલા બારિયા આર્ચરીમાં,હંસા બારિયા મેરેથોનમાં અને જીવન રાઠવા ખોખોમાં રાજ્ય લેવલે પહોચ્યાં છે.જ્યારે પ્રભાત રાઠવા આઇઆઇટી પુનામાં અભ્યાસ કરી રહ્યો છે.

ડુંગરાળ ક્ષેત્રોમાં રૂા.5 હજાર આપી ગામના જ યુવાનોને બાળકોને શિક્ષિત કરવા પ્રેરણા આપી

ગુજરાતના ડુંગરાળ ક્ષેત્રોનાં કુલ 72 ગામોમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે. જોકે ત્યાં શિક્ષકો જતા નથી. જેથી સ્વામી સ્મિતે ગામોની મુલાકાત લઈ ગામમાં જ કોઈ યુવાન શિક્ષિત હોય તેને મહિને રૂ.5 હજાર આપી શાળાનાં બાળકોને શિક્ષણ આપવા મનાવ્યા. અત્યારે 72માંથી 59 ગામમાં ગામનો જ યુવાન બાળકોને ભણાવી રહ્યો છે.

નક્સલ એરિયામાં પણ આશ્રમશાળા ખોલી

સ્વામી સ્મિતે ઉડિસ્સાના નક્સલ વિસ્તાર સમ્બલપુરમાં આશ્રમ શાળા ખોલી છે. જેમાં હાલ 28 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. નક્સલ વિસ્તારમાં ગુજરાતના સાધુ તરીકે જાણીતા સ્વામી સ્મિત ત્યાં વધુ આશ્રમશાળા ખોલવા પ્રયત્નશીલ છે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો