આ ખેડૂતને બનવુ હતું પાયલોટ, હવે જેટ ગતિએ કરે છે સીતાફળની આર્ગેનિક ખેતી

સુરતના ખેડૂત પરિવારના યુવાનની પાયલોટ બનવાની ઇચ્છા તો પૂરી થઇ નહોતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીમાં જેટ ગતિએ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ ખેડૂતે કરજણ તાલુકાના ધાવટ ગામમાં વિક્રમજનક કહી શકાય તે રીતે 55 વીઘા જમીનમાં સીતાફળની ખેતી શરૂ કરી છે. એ તો ઠીક આ ખેડૂત ખેતરમાં જ યુનિટ સ્થાપીને સીતાફળનો પ્રોસેસ કરવાનું વિચારી રહ્યા છે.

ખેડૂત રોહિતભાઇપટેલને પાયલોટ બનવાની ઇચ્છા હતી

જેટ ગતિએ ખેતીમાં પ્રગતી કરવા માંગતા ખેડૂત રોહિતભાઇ સોમાભાઇ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે, પાયલોટ બનવા માટે સાયન્સ વિષયો પસંદ કર્યા હતા. ધો-10માં અભ્યાસ પૂરો કર્યા બાદ મેં પાયલોટ બનવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ કોઇ કારણસર મારું ફોર્મ રિજેક્ટ થયું હતું. તે બાદ ધો-12 પાસ કર્યા બાદ ફોર્મ ભર્યું હતું. પરંતુ તે વખતે ઉંમર વધી ગઇ હોવાના કારણે મને પાયલોટમાં પ્રવેશ મળ્યો ન હતો.

આ ખેડૂતે પરંપરાગત ખેતીના વ્યવસાયને જેટ ગતિએ લઇ જવાનું નક્કી કરી લીધું

પાયલોટ બનવાની ઇચ્છા પૂરી ન થતાં મેં મારા પરંપરાગત ખેતીના વ્યવસાયને જેટ ગતિએ લઇ જવાનું નક્કી કરી લીધું હતું. ખેતી માટે મેં પાવર વીડર બનાવવાનું શરૂ કર્યું હતું. આ કામ આજે મારા મોટાભાઇ સંભાળી રહ્યા છે. અને મેં કરજણ તાલુકાના ધાવટ ગામમાં 55 વીઘા જમીન રાખીને અત્યાધુનિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. મારા પ્રથમ પ્રોજેક્ટમાં મેં 55 વીઘા જમીનમાં 10500 સીતાફળના છોડનું વાવેતર કર્યું છે. આ સીતાફળ મને બે વર્ષ પછી મળવાનું શરૂ થશે. જે આગામી 40 વર્ષ સુધી ઉત્પાદન આપશે. તેમ ખેડૂત રોહિતભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું.

55 વીઘામાં સીતાફળની ખેતી કરીને સતત 40 વર્ષ સુધી મેળવશે ઉત્પાદન

સીતાફળની ખેતી ઓર્ગેનિક પદ્ધતીથી કરે છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સીતાફળની ખેતી ઓર્ગેનીક પદ્ધતિથી કરી રહ્યો છું. સીતાફળની સાથે શરૂઆતનો ખર્ચ કાઢવા માટે બ્રોકોલી, લેટ્યુસ, ખોલરૂબી જેવા ઇન્ટર ક્રોપ કર્યા છે. આ પાક આરોગ્ય માટે જેવા કે, કેન્સર, પેટની ચરબી, વધુ વજન, વાળ, સ્કીન, હરસ અને મસા સહિત વિવિધ રોગોના ઉપયોગમાં આવે છે. આ ઉત્પાદનના ફેલાવા માટે અને લોકોને જાગૃત કરવા માટે મેં હેન્ડબીલ અને બેનરો પણ છપાવ્યા છે.

રોહિતભાઇ પટેલે જણાવ્યું કે, સીતાફળની સાથે ઇન્ટર ક્રોપ તરીકે લેવા માટે કરેલ બ્રોકોલી, લેટ્યુ, ખોલરૂબીના વેચાણ માટે નવસારી યુનિવર્સિટીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સનું સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. આ ઉપરતાં દેશ-વિદેશમાં વેચાણ માટે વર્લ્ડ ફૂડ વિભાગનું પણ સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે.

ખેડૂત રોહિતભાઇને પાયલોટ બનવાની ઇચ્છા હતી

બાગાયત વિભાગ દ્વારા સારો સહકાર મળે છે

રોકાણ અંગેના પ્રશ્નના જવાબમાં રોહિતભાઇ પટેલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઘણું રોકાણ થઇ ગયું છે. જોકે, ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી સબસીડી લેવાની કાર્યવાહી ચાલી રહી છે. બાગાયત વિભાગ દ્વારા સારો સહકાર મળી રહ્યો છે. અન્ય ખેડૂતોએ પણ રૂઢીચુસ્ત ખેતીમાંથી બહાર આવવાની જરૂર છે. બાગાયત વિભાગની મદદ લઇને નવી ખેતી તરફ વળવું જોઇએ. પાયલોટ બનવાની ઇચ્છા પૂરી ન થતાં હું નિરાશ થયો ન હતો. પરંતુ ખેતીમાં કંઇક નવું કરવાનો સંકલ્પ કર્યો હતો. આજે હું જે તબક્કે છું તેનાથી હું ખુશ છું.

બાગાયત વિભાગે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સીતાફળની ખેતી થાય છે. પરંતુ 55 જેટલા વીઘામાં સીતાફળની ખેતી પ્રથમ છે. આ સાથે સીતાફળની ખેતી સાથે જે આરોગ્યને ઉપયોગી થાય તેવા ઇન્ટર ક્રોપનું આયોજન સરાહનીય છે. આવનાર દિવસોમાં રોહિતભાઇ પટેલ વડોદરા જિલ્લા સહિત અન્ય જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે. તેમ લાગી રહ્યું છે.

સીતાફળની ખેતી ઓર્ગેનિક પદ્ધતીથી કરે છે
બાગાયત વિભાગ દ્વારા સારો સહકાર મળે છે
55 વીઘામાં સીતાફળની ખેતી કરીને સતત 40 વર્ષ સુધી મેળવશે ઉત્પાદન

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો