અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં કાશ્મીર સ્ટાઈલથી મોંઢે રૂમાલ બાંધી તોફાનીઓનો પોલીસ પર પથ્થરમારો, 20 પોલીસ કર્મીઓ ઘાયલ

અમદાવાદ: સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા. જ્યારે પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા.

પથ્થરમારામાં કયા કયા પોલીસ કર્મીઓને ઈજા થઈ

ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓમાં PI જે.એમ.સોલંકી(ઈસનપુર), ત્રણ પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ કે. જાડેજા(એસઆરપી), કુલદીપસિંહ હનુભા(ઈસનપુર), ભારતી બહેન પૂંજાભાઈ(દાણીલીમડા), ASI યાસિનમિંયા, બે હેડ કોન્સ્ટેબલ ઝાકીર ખાન(ઈસનપુર), રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ, પીએસઆઈ આઈ.એચ.ગઢવી(મણિનગર),લોકરક્ષક અશોકભાઈ રાઘવભાઈ(દાણીલીમડા) તેમજ હોમગાર્ડ સાબિરભાઈ ફતેહ મહમ્મદનો સમાવેશ થાય છે.

પોલીસે જીપને રોડ પર પૂરપાર દોડાવી ન હોય તો કાંઈ પણ થયું હોત

તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન થતાં પોલીસે કેટલીક જગ્યાએ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે વિરોધ કરનારના પર ટીયર ગેસના 3 શેલ છોડીને વિખેરવા પ્રયાસ કર્યા હતા. સ્થિતિને પહોંચી વળવા પોલીસની જીપ ઘટનાસ્થળેથી દોડવવી પડી હતી.જોકે ત્યારબાદ પોલીસે માર્ચ કરીને ટોળાને વિખેર્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

બપોર સુધી કાંઈ ન થયું, સાંજે કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો

જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર સામાન્ય નાગરિકોની આડમાં તોફાની તત્ત્વો મોંઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કરતા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદના મિરઝાપુર તથા શાહઆલમ વિસ્તારમાં પણ તોફાની તત્ત્વોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સવારથી બપોર સુધી તો શાહઆલમ સહિતના વિસ્તારોમાં કશું થયું નહોતું. પરંતુ બપોર પછી એકાએક કાશ્મીર સ્ટાઈલમાં મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા. આ પથ્થરમારામાં એક મહિલા પોલીસકર્મી પણ ઘવાયા હતા. જ્યારે અન્ય એક પોલીસ જવાનનું માથું ફાટી ગયું હતું.

શહેરના રખિયાલ વિસ્તારમાં બસ સેવા બંધ

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં રખિયાલ વિસ્તારમાં વિરોધ થયો હતો. હજારોની સંખ્યામાં વિરોધ કરનારના રસ્તા પર ઉતરતા સ્થાનિક પોલીસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. સુરક્ષા કારણોસર અજીતમિલથી સારંગપુર સુધીના રૂટમાં બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો