સેવાની ક્રાંતિકારી શરૂઆત: હવે કુદરતી ઘટનાઓમાં મદદ માટે હાજર થઇ જશે ‘સેવા’ બ્રિગેડ

તક્ષશિલા આગની ઘટના પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ફાયર કે અન્ય સેવા જો અસરગ્રસ્તોને તાત્કાલિક સંભવ ન થાય ત્યારે સેવા તત્કાલ તેમની મદદ માટી આવી જશે. કોઇપણ સ્થિતીમાં મદદ માટે તત્કાલ ઊભા રહેવાના આશય સાથે આ સેવા એક ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે.

 

સેવાના સભ્યો સરકારી યોજના, લોકજાગૃતિ, કુદરતી આફતો અને મેડિકલ બાબતે નાત-જાતના ભેદભાવ વિના સેવા આપશે

સુરતનાં સરથાણા ખાતે મિતુલ ફાર્મમાં બુધવારે સેવા અંતર્ગત રાત્રે ૯ વાગ્યે મીટીંગ મળી હતી. જેમાં જે ઉદ્દેશ્યથી સેવાનો આરંભ થઇ રહ્યો છે તેમાં જોડાવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વરાછાવાસીઓએ ઉત્સુક્તા બતાવી હતી. સેવામાં સેવા આપવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.

આ ટીમ તેને સોંપવામાં આવેલા કામને પુરી નિષ્ઠાથી કરશે. સેવા મુખ્ય ચાર વિભાગમાં સેવાકાર્ય કરશે. જેમાં એક સરકારી યોજના વિશે લોકોને જાણકારી આપીને સરકારી યોજનાનો જરૂરતમંદ વ્યકિત લાભ લઇ શકે એવા પ્રયત્નો કરાશે.

જેમાં કાયદાઓની જાગૃતિ, અકસ્માત સહાય, વિવિધ સરકારી કાર્ડ, સાતફેરા સમૂહલગ્ન, આવાસ યોજના, વિદ્યાર્થીઓને મળતા લાભ વગેરે વિશે જાગૃતિ ફેલાવાશે. બીજુ કામ લોકજાગૃતિનું રહેશે જેમાં કુ-રિવાજો, વૃક્ષારોપણ, ટ્રાફિકજાગૃતિ, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવ, જ્ઞાાતિવાદ વગેરે મુદ્દાઓ પણ ધ્યાન આપવામાં આવશે.ત્રીજો મુદ્દો છે, કુદરતી આફત જેમાં આગ માટેની સાધન સામગ્રી, પુર, ભૂકંપ, રોગચાળો, વાવાઝોડુ વગેરે આફતોમાં ટીમ ઘટના સ્થળે હાજર થઇ જશે અને તરત સેવાકાર્ય શરૂ કરી દેશે.

આ માટે જરૂરી સાધન સામગ્રી પણ વસાવવામાં આવશે અને યુવાનોને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવશે જેથી મુસીબતોમાં તે સારી રીતે કામ કરી શકે. અને ચોથો મુદ્દો એટલે મેડિકલ કોઇપણ દુર્ઘટના સ્થળ પર ડોકટરની ટીમ દોડી જશે, તત્કાલ એમ્બ્યુલન્સ અને બ્લડ કેમ્પ વગેરે કાર્યો થશે.

આ બધા કાર્યો નિસ્વાર્થ ભાવે માત્ર સેવાના આશયથી કરાશે. મીટીંગમાં હાજર સૌએ ફોર્મની ભરવાની વિધિ સ્થળ પર જ પુરી કરી હતી. મીટીંગ શરૂ થતા પહેલા તક્ષશિલાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

તંત્રની સાથે કામ કરશે અને પોતાની રીતે પણ બચાવ-રાહત કામગીરી કરશે

સેવા સંગઠનની પહેલી મિટીંગમાં વરાછા કતારગામ સહિત સુરતની સામાજિક સંસ્થા અને સંગઠનોના ૩૪૨થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કુલ ૧૦,૦૦૦થી વધુ લોકોએ ભુલકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેવા સંગઠનને મજબૂત બનાવવાની સાથે સામાજિક અને જન જાનગૃતિની સાથે વિવિધ મુદ્દે કામ કરશે.

દુર્ઘટનાઓ વખતે તંત્ર મોડું પડયાની ફરિયાદોથી વ્યથિત સેવા સંગઠન દ્વારા અલગથી બ્રિગેડ ટીમ બનાવવામાં આવશે. જે તંત્રની સાથે કામગીરી તો કરશેજ , પરંતુ પોતાની રીતે પણ રાહત અને બચાવ કામગીરી કરશે. વરાછા વિસ્તારનું આ સંગઠન સમગ્ર સુરતની સાથે જરૂર જણાશે ત્યાં પણ પહોંચીને લોકોના જીવ બચાવવાનું કામ કરે તે પ્રકારની ટીમની સંરચના કરવાનો ધ્યેય સેવા સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સેવા સુરત અપડેટ નામના વોટસએપ ગૃપમાં જોડાયેલા વિચારકો અને લાગણીશીલ લોકોએ તક્ષશિલાની દુર્ઘટના બાદ બેસી રહેવાની જગ્યાએ સમાજ માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. જેમાં પી.પી. સવાણી ગૃપના મહેશભાઈ સવાણી દ્વારા આ સેવા સંગઠન બનાવવાની હાંકલ કરવામાં આવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો