ખંભાત/ સિરિયલ કિલર ગેંગે કરી કબુલાત, 38 દિવસમાં 4 મહિલાની કરી હત્યા, 3 પર કર્યો સામૂહિક બળાત્કાર

ખંભાત તાલુકાના ભુવેલ ગામની ગુમ થયેલી 22 વર્ષીય યુવતીનો સવા મહિના બાદ ભેદ ઉકેલાયો છે. 6 ડિસેમ્બરે ઝડપાયેલી જલુંધ ગામની સિરિયલ કિલર ગેંગે જ આ યુવતીનું અપહરણ કરી લૂંટી હતી અને સામૂહિક બળાત્કાર કરી કરજણ પોલીસ મથકની હદમાં ક્રૂરતાપૂર્વક ફાંસો આપીને મોતને ઘાટ ઊતારી હતી. આ કિસ્સામાં ખંભાત ગ્રામ્ય પોલીસ કે કરજણ પોલીસની ગુનાહિત બેદરકારી છતી થઈ છે.કારણ કે, આ બંને પોલીસે ગુમ યુવતીની તપાસ કરવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. આ ગેંગે ગુનો કબૂલ્યો ન હોત તો આ ગુનાનો ભેદ ઉકેલી શકાયો ન હોત. 26 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધીના 38 દિવસમાં આ ગેંગે 4 મહિલાની લૂંટીને હત્યા કરી હતી, તેમાંથી 3 મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે પહેલી ઘટનાને જ ગંભીરતાથી લીધી હોત તો કદાચ બાકીની 3 મહિલા આ ગેંગેની ક્રૂરતાનો ભોગ બની ન હતો.

નરાધમો તરુણીને રિક્ષામાં બેસાડી ગામની સીમમાં લઈ ગયા અને મોતને ઘાટ ઉતારી હતી

ખંભાત તાલુકાના ભુવેલ ગામના નગીનભાઈ વિઠ્ઠલભાઈ પંચાલની મોટી પુત્રી તરુણા ઉર્ફે રચુ ખંભાતની કાડિયાકૅર હૉસ્પિટલમાં નોકરી કરતી હતી. 9 માસથી અપડાઉન તરુણા ડબલ ડ્યૂટી હોવાથી 26 ઓક્ટોબર, 2019એ સાંજે 6 વાગ્યે ઘરેથી નીકળી હતી. તરુણા ભુવેલ બસ સ્ટેશને ઊભી હતી ત્યારે 6-30 વાગ્યે દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજી ચાવડા (રહે. જલુંધ), સલીમ ઇસ્માઇલ પટેલ (રહે. કથારિયા) તથા વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડાએ ભુવેલ બસ સ્ટેશનથી તરુણાને રિક્ષામાં બેસાડીને જલુંધ ગામની સીમમાં લઈ ગયા હતા. તેની પાસેથી રૂ. 1500 અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. ત્યાર બાદ ત્રણેય નરાધમોએ તરુણા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને રિક્ષામાં બેસાડીને કરજણના નિશાળિયા ગામની સીમમાં લઈ ગયા હતા. ત્યાં તેને ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ તેનો મૃતદેહ છોડીને ભાગી ગયાની કબૂલાત કરી હતી.

તરુણા હૉસ્પિટલમાં ન પહોંચતાં ઘરે ફોન આવ્યો ને ગુમ થયાની ખબર પડી

તરુણા ખંભાતની હૉસ્પિટલમાં નોકરીએ જવા માટે ભુવેલ ગામેથી 26 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે નીકળી હતી. તેમ છતાં મોડી રાત સુધી હૉસ્પિટલ પહોંચી નહોતી. હૉસ્પિટલમાંથી મોડી રાત્રે ગામના સંદીપના ઘરે, તરુણાના પિતાને ફોન કરાવવા, હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. જાણ કરાતાં તરુણાના પિતા નગીનભાઈએ હૉસ્પિટલમાં ફોન કર્યો ત્યારે તરુણા હૉસ્પિટલ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સંગાસંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઈ પતો લાગ્યો નહોતો. આખરે 26 ઓક્ટોબરે ખંભાત રૂરલ પોલીસને જાણ કરાતાં પોલીસે જણાવોજોગ નોંધ કરી હતી.

પરિવારને દીકરીની અંતિમવિધિ કરવાની પણ તક ન મળી

તરુણાના પિતા નગીનભાઈએ કહ્યું હતું કે ખંભાત રૂરલ પોલીસને 26 ઓક્ટોબરેતરુણા ગુમ થયાની જાણ કરી હતી. ત્યાર બાદ 15 દિવસ અગાઉ ખંભાત રૂરલ પોલીસ મથકેથી ફોન આવ્યો હતો. અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે કરજણના નિશાળિયા સીમમાંથી મળેલા મહિલાના મૃતદેહપાસેથી મળેલાં કપડાં બતાવ્યાં હતાં. એ કપડાં અમારી તરુણાનાં હોવાનું અમે કહ્યું હતું. પોલીસે અંતિમવિધિ કરી નાખી હોવાથી અમને અમારી દીકરીનું મોં પણ જોવા ન મળ્યું અને અંતિમવિધિ કરવાનો અવસર ન મળ્યો.

કરજણ પોલીસે યુવતીની ઓળખ મેળવવા તસ્દી ન લીધી

કરજણ પોલીસને નિશાળિયા ગામની સીમમાંથી તરુણાની લાશ મળી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અજાણી સ્ત્રીની કોહવાઈ ગયેલી લાશ મુદ્દે જાણવાજોગ અરજી દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, પરંતુ વાલીવારસ ન મળતાં અંતિમવિધિ પણ કરી નાંખી હતી. કરજણ પોલીસે ગંભીરતાથી તરુણાની ઓળખ મેળવવાની દિશામાં તપાસ કરી હોત અને અન્ય પોલીસ સ્ટેશનોમાં તરુણાની તસવીર મોકલી હોત તો, કદાચ તેના પરિવારને તરુણાને છેલ્લીવાર જોવાની, અંતિમવિધિ કરવાની તક મળી હોત.

CM સાહેબ જવાબ આપો: રેપ વિથ મર્ડરની શ્રેણીબદ્ધ ઘટનાઓ માટે કસૂરવારો સામે શું પગલાં લેશો?

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે ખંભાત આવે છે અને આ જ વિસ્તારમાં દીકરી સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાનો ભેદ સવા મહિને ઉકેલાયો છે. 38 દિવસમાં 4 મહિલાની હત્યા અને તેમાંથી 3
મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘૃણાસ્પદ ઘટના બહાર આવી છે ત્યારે ખંભાત અને સમગ્ર આણંદ જિલ્લામાં પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ફેલાયો છે. સાથે જ આવી ઘટનાઓ બનતાં લોકોમાં ખાસ કરીને એકલદોકલ મુસાફરી કરતીમહિલાઓ ભયના ઓથાર તળે આવી છે. ખંભાત આવી રહેલા મુખ્યમંત્રીનેજિલ્લાની જનતા પૂછી રહી છે કે આઘટનાઓ માટે કસૂરવારો સામે તમે શું પગલાં લેશો?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો