સુરતની ઘણી શાળાઓએ વાલીઓને બાળકના જીવન ઘડતર માટે પત્ર લખ્યો ‘વેકેશનમાં તમારા બાળકને વતનની ધૂળમાં રમવા દેજો, ખુલ્લા પગે ફરવા દેજો’

સુરતની કેટલીક શાળાઓએ દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક આપવા કરતાં બાળકો ખુદ માતા પિતા પાસેથી જ પાયાના પાઠ શીખે તેવું હોમવર્ક આપવાનો નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં પેરન્ટ્સને એક પત્ર લખી બાળકના જીવન ઘડતર માટે પ્રયાસ કરવા જણાવાયું છે. ‘વેકેશનમાં તમારા બાળકને વતનની ધૂળમાં રમવા દેજો, ખુલ્લા પગે ફરવા દેજો’ સહિતના સોનેરી સૂચનો વિઝ્ડમ ઈન્ટરનેશનલ સ્કૂલે વાલીઓને લખેલા પત્રમાં કરાયા છે. જેના અંશ અહી પ્રસ્તુત છે…

મારા વહાલા વિદ્યાર્થીના વહાલા માતાપિતા…

આ પત્ર આપના બાળકોની ફરિયાદ માટે નથી પરંતુ આપના બાળકના વિકાસ અને જીવન ઘડતરના શ્રેષ્ઠ આયોજનના સોનેરી સૂચનો સ્વરૂપે લખીએ છીએ. જ્યારે શાળા શરૂ હોય ત્યારે બાળક સતત અભ્યાસલક્ષી પ્રવૃતિમાં વ્યસ્ત રહેતાં હોય છે, પરંતુ વેકેશન એ બાળક અને વાલી માટે એવો સમયગાળો છે કે, જ્યારે એકબીજા સાથે સમય પસાર કરી શકે છે. માતા-પિતાએ પોતાના બાળકને સમય આપવો જ જોઈએ. તે માતા-પિતા તરીકેની ફરજ છે. વહાલા વિદ્યાર્થી આખુ વર્ષ તો તે અભ્યાસમાં શક્ય એટલી મહેનત કરીને ભણે જ છે. વેકેશનમાં તેને મન મુકીને રમવા દેજો. બાળકને કોઈ શું કરે છે. તે કહેવા કરતા પોતે શું કરી શકે છે, તે જણાવજો. તેની સારી બાબતોને પ્રોત્સાહન આપજો અને ઉત્સાહ વધારજો.

વેકેશન યાદગાર બનાવવા કહ્યું

જેમ વહેલી સવારે અને સાંજે આકાશ પંખીના કલરવ વિના અધૂરુ લાગે તેમ વેકેશનમાં ઘર બાળકોના કલરવ અને ધમાચકડી વગર અધૂરું લાગે છે. તેમના શોખ અને વિચારો જાણજો, નવા વિચારોનું સિંચન કરજો, બાળકની જીજ્ઞાસાવૃતિ ખીલવવા તેમના પ્રશ્નોના ઉત્તર આપજો. નાત-જાતના ભેદભાવ વિના અન્ય બાળકો સાથે રમવા દેજો. વતનની ધૂળ માટીમાં રમવા અને ખુલ્લા પગે ફરવા દેજો. તેની સાથે તમે પણ રમજો-જમજો અને અનાજનો બગાડ ન થાય તે પ્રેમથી સમજાવજો. દાદા-દાદીના વ્હાલની સાથે પારિવારીક અને કુટુંબ ભાવના સમજાવજો. ઉત્તમ ઘડતર-શ્રેષ્ઠ શિક્ષણના સથવારે, રમવા દેજો, પડવા દેજો, આપો આપ ઉભા થવા દેજો, વૃક્ષ વાવજો, પર્યાવરણ બચાવજો, જીવનના પાઠ ભણાવજો, પ્રેમ, સ્નેહ, લાગણી, સહાનુભૂતિ, દેશદાઝના કિસ્સા સંભળાવજો. સ્વચ્છતા જાળવી વિજળી અને પાણીની કરકસર કરાવજો. માતા પિતા અને પરિવારના વ્હાલ તેમજ વડીલોના આર્શિવાદથી તેમનું વેકેશન યાદગાર બનાવજો. અમોને ખાતરી છે કે, વેકેશન બાદ બાળક નવી ઊર્જા, નવી ચેતના, નવા અનુભવ સાથે શાળામાં ઉજ્જવળ ભવિષ્ય તરફ પા…પા… પગલી માંડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો