કોરોના મહામારીમાં રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છતાં પણ નફ્ફટ સ્કૂલોએ વાલીઓને ખંખેર્યા અને સરકાર તમાશો જોતી રહી

કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છે. બીજી તરફ સીબીએસઈ બોર્ડ દ્વારા તેમજ ગુજરાત બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થયું ન હોવા છતાં સરકારે સંચાલકોને ૭૫ ટકા ફી વસૂલવા માટેનો પરવાનો આપી દીધો હતો. આ સિવાય અમદાવાદની અનેક ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ટ્રાન્સપોર્ટેશનની ફી પણ વસૂલવામાં આવી હોવાની ફ્રિયાદો ઉઠી છે. જેથી આ વર્ષે સરકાર સંચાલકોના હિતમાં નહી પણ વાલીઓના હિતમાં નિર્ણય કરે તેવી માગ ઉઠી છે. જેમાં સરકાર દ્વારા સ્કૂલોનું ઓડિટ કરાવવામાં આવે અને બાદમાં વધારાની વસૂલેલી ફી વાલીઓને પરત અપાવવાનું કામ સરકાર ખુદ કરે તેવી માગ ઉઠી છે.

ગુજરાતમાં ગત માર્ચ-૨૦૨૦મા કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. દરમિયાન રાજ્યમાં માત્ર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી અને શાળાકક્ષાની વાર્ષિક પરીક્ષાઓ બાકી હતી. પરંતુ કોરોનાના કારણે વાર્ષિક પરીક્ષાઓ લેવાઈ નહોતી. જેથી વર્ષ-૨૦૧૯-૨૦માં ધો.૧થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. રાજ્યની સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થઇ શકયું ન હોવાના કારણે સરકારે સ્કૂલોને ટયુશન ફીમાં ૨૫ ટકાનો કાપ મૂકયો હતો. સરકારે ગત વર્ષે જ્યારે સ્કૂલોની ફીમાં ૨૫ ટકાનો કાપ મૂક્યો ત્યારે એવી અટકળો હતી કે, દિવાળી પછી સ્કૂલો ચાલુ થશે, વિદ્યાર્થીઓનું ફિઝિકલ શિક્ષણકાર્ય થશે અને પરીક્ષા લેવામાં આવશે. પરંતુ ના તો ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થયું કે ના પરીક્ષા લેવાઈ. તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજી તરફ ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ૭૫ ટકા ફી તો વસૂલી લેવામાં આવી છે. સ્કૂલમાં ફિઝિકલ શિક્ષણકાર્ય થઈ શક્યું નથી આ સિવાય અમદાવાદ સહિત રાજ્યની અનેક ખાનગી સ્કૂલો દ્વારા મોટા પ્રમાણમાં શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે શિક્ષકોના પગારમાં પણ કાપ મૂકવામાં આવ્યો હોવાની અનેક ફ્રિયાદો સરકાર સુધી પણ પહોંચી હતી. છતાં સ્કૂલો દ્વારા તો વિદ્યાર્થીઓ પાસેથી ૭૫% પૂરેપૂરી ફી વસૂલી લેવામાં જ આવી છે. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકારે ધો.૧થી ૯ અને ધો.૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે સ્કૂલોને વાર્ષિક પરીક્ષાઓ લેવાની જરૂરિયાત ઊભી થઈ નથી.

આ સિવાય અમદાવાદ શહેરની અનેક નામાંકિત ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ટ્રાન્સપોર્ટેશનની પણ ફી વસૂલી લેવામાં આવી. હકિકતમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ એક પણ દિવસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ભોગવી નથી તેમ છતાં આ ફી વસૂલી લેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે વાલીઓ એટલા માટે ફરિયાદ કરવાથી ડરે છે કારણ કે તેમના સંતાનો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે. જેથી વાલીઓને ડર હોય છે કે તેઓ ખુલીને ફરિયાદ કરશે તો તેમના સંતાનના શિક્ષણ સાથે ચેડાં થશે.

આ વર્ષે ફીમાં ૨૫ ટકા નહીં પણ ૫૦ ટકાનો કાપ મુકાય તેવી વાલીઓમાં માગ ઉઠી

આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણકાર્ય ક્યારે શરૂ થશે તે અંગે હાલમાં સરકાર અને નિષ્ણાંતો માટે કહેવું ખૂબ અઘરું છે. બીજી તરફ સ્કૂલો બંધ હોવા છતાં રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા તો ફીના ઉઘરાણા શરૂ કરી દેવામાં આવ્યા છે. વાલીઓ દ્વારા આ વર્ષે ફીમાં ૨૫ નહીં પણ ૫૦ ટકા રાહત આપવામાં આવે તેવી માગ કરાઈ છે. સરકાર આ મામલે ઝડપથી નિર્ણય લે તેવી માગ ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો