દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા, કહ્યું-આખા પરિવાર સાથેનું આ પહેલું આંદોલન જોયું, પૈસાવાળા પગ દબાવા આવે છે

સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઊમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે આંદોલનનો માહોલ અને ત્યાંની વ્યવસ્થા વિશે જણાવ્યું છે. રાજકોટના સૂરજભાઈ ડેર અને દ્વારકાથી મુકેશભાઈ કરમુર નામના બે ખેડૂત પણ બે દિવસથી ખેડૂત આંદોલનમાં જોડાયા છે. મુકેશભાઈએ જણાવ્યું હતું કે આખા પરિવાર સાથેનું આ મેં મારી જિંદગીમાં પહેલું આંદોલન જોયું છે. મોટા માણસો (પૈસાવાળા) અહીં પગ દબાવવા આવે છે અને વોશિંગ મશીન સહિતની સુવિધા અહીં પૂરી પાડવામાં આવે છે. અહીંના ખેડૂતોની ત્યાં સુધીની તૈયારી છે કે છ મહિના આંદોલન ચલાવવું પડે તો પણ તેઓ ટસના મસ નહીં થાય.

દિલ્હી ગયેલા રાજકોટના સૂરજભાઈ ડેર નામના ખેડૂતે જણાવ્યું હતું કે હું સિંધુ બોર્ડરના લંગરમાં છું. અહીં આવવામાં કોઈ તકલીફ પડી નહોતી. હું એરપોર્ટ પર બેઠો હતો ત્યારે મને ક્રાઈમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો કે તમે ક્યાં જાઓ છો? બે દિવસથી હું આંદોલનમાં જોડાયો છું. પંજાબના લોકો ખેતીને એટલું માન આપે છે કે કાયદો રદ કરવા માટે છ મહિના કે એક વર્ષ બેસી રહેવું પડે તો ભલે રહેવું પડે તેવા મક્કમ સાથે બેઠા છે. અહીં કોરોનાકાળ ચાલી રહ્યો છે છતાં બાળકોથી લઈ મોટી ઉંમરના ખેડૂતો પરિવાર સાથે આવી ગયા છે.

પંજાબથી ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. ટ્રેક્ટરમાં જ સૂવાથી માંડી રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં કંઈ ઘટતું નથી. સેવા દેવાવાળા વોલન્ટિયરો પણ ખડેપગે છે. વોશિંગ મશીન આવી ગયાં છે અને કપડાં આપો એટલે એ ધોવાઈ જાય છે. અમુક લોકો સ્પેશિયલ પગ દબાવી દે છે. અહીં મોટા માણસો સેવા દેવા આવે છે. મોટા નિર્ણય લેવા પછી તેની પરિષદો ટ્રેક્ટરની અંદર જ નાની-નાની ટીમ બનાવીને યોજાય છે. કોંગ્રેસના આગેવાન નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માત્ર ત્રણ કાળા કાયદાને રદ કરવા માટે જ અહીં આવ્યા છે. આ ત્રણ કાળા કાયદા ખેડૂતોને બરબાદ કરશે.

દ્વારકાના ખેડૂત અને યુથ કોંગ્રેસના પ્રમુખ મુકેશ કરમુરે જણાવ્યું હતું કે આ પહેલું આંદોલન છે કે જેમાં અમારો આખો પરિવાર જોડાયો છે. આંદોલન થતું હોય, પણ આખો પરિવાર જોડાયો હોય તેવું આ પહેલું આંદોલન જોયું છે મેં. અમે ચારથી પાંચ દિવસ સુધી રોકાવાના છીએ. હું અહીં પહોંચી ગયા પછી બધા સરકારી અધિકારીઓના ફોન ચાલુ થયા હતા કે તમે ક્યારે આવશો, અમે તમારી રાહ જોઈએ છીએ.

પોલીસને થાપ આપી ગુજરાતના 200 ખેડૂત દિલ્હી પહોંચ્યાની ચર્ચા
ગુજરાતના ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં ન જઈ શકે એ માટે સૌરાષ્ટ્રમાં ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કરીને રાખ્યા છે, આથી ખેડૂતો ધરપકડના ડરથી વેશપલટો કરી દિલ્હી પહોંચી રહ્યાનું જાણવા મળ્યું છે. ગુજરાતના 200થી વધુ ખેડૂત પોલીસને થાપ આપી દિલ્હી પહોંચી ગયાની ચર્ચા પણ લોકોમાં થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં 20થી વધુ ખેડૂત નેતાઓને તેમના નિવાસસ્થાને પોલીસે નજરકેદ કર્યા છે.

ખેડૂત અને કોંગ્રેસના યુવા નેતા સુરજભાઈ ડેરે જણાવ્યુ હતુ આ અહંકારી ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદો લાવી ખેડૂતોને હજુ કેટલાક પાયમાલ કરવા માંગે છે? આ કૃષિના વિરોધમાં પંજાબ-હરીયાણાના ખેડુતો દ્રારા માત્ર 9700થી વધુ ટ્રેકટરમાં ટેન્ટ નાખી લાખો ખેડૂતો રોડ પર પોતાનો વિરોધ તડકો-ઠંડી જોયા વગર પોતાના હક્ક-અધિકારની લડાઈ કરી રહ્યાં છે. અહીંયા સિંધુ બોર્ડર પરનો નજારો જોયા પછી ખ્યાલ આવે કે આ ખેડૂતોની જાગૃતી અને એકતાને સો સો સલામ કરવા પડે. અહીંયાની પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે હજુ અનેક રાજ્યોમાંથી વધુ ખેડૂતો આ આંદોલનમા જોડાશે અને નિશ્ચિતપણે સરકારે આ કૃષિ વિરોધી કાળો કાયદો પરત ખેચવો પડશે.

મોરબી જિલ્લામાં ખેડૂતો અલગ અલગ વાહનોમાં દિલ્હી જઈ રહ્યા છે. માળીયા તાલુકાના કાસમભાઈ સુમરાએ જણાવ્યું હતું કે તેઓના 7 મિત્રો અલગ અલગ જિલ્લામાંથી દિલ્હી જવા રવાના થયા હતા. જેમાં તેઓ મોરબીથી દિલ્હી જવાને બદલે કચ્છ પહોંચ્યા હતા. ત્યાંથી પારિવારિક કામના નામે ટ્રેનમાં ગયા હતા. રસ્તામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે અને જો ખેડૂત આંદોલનમાં જતા પકડાય તો ત્યાંથી પકડી ડિટેઈન કરી લેવામાં આવે છે. તેઓ પરિવારિક કામનું બહાનું આપી નીકળી ગયા હતા અને હરિયાણા પહોચ્યાં હતા. ત્યાંથી બાય રોડ આંદોલનવાળી જગ્યાએ પહોંચ્યા હતા. અહીં 11 કિમી સુધી ટ્રેક્ટરોની કતાર છે અને રસ્તાઓ બંધ કરી દેવાયા છે. અહીં માત્ર ખેડૂતોની છાવણીઓ જ છે. જેમાં રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો