આણંદના 11 ખેડૂતો સૂર્યશકિતથી સિંચાઇના પર્યાવરણ રક્ષક માર્ગે વળ્યા

સૂરજને ધરતી પર ઉતારવો અસંભવ કાર્ય છે, પરંતુ ટેકનોલોજીની મદદથી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાનકડા મુજકુવા ગામના ખેડૂતોએ સૂરજને ધરતી પર ઉતારી સૂર્ય શકિતને નાથીને સિંચાઇનો પર્યાવરણ રક્ષક માર્ગ અપનાવ્યો છે. આંકલાવ તાલુકાના મુજકુવા ગામના 11 ખેડૂતોએ મુજકુવા સૌર ઊર્જા સહકારી મંડળીના માધ્યમથી પોતાના ખેતરોમાં સોલર પ્રોજેકટ સ્થાપીને પોતાના ખેતરમાં જ ઉત્પાદિત સૂર્ય વીજળીથી સુવિધાજનક રીતે સિંચાઇ અને અન્ય કામો કરી રહ્યા છે. પ્રથમ તો આ તમામ 11 ખેડૂતો વીજ કંપનીને વીજળીના નાણાં ચૂકવવામાંથી મુકત થયા અને હવે વધારાની સૂર્ય ઊર્જા મધ્ય ગુજરાત વીજ કંપનીને (MGVCL) વેચીને તેઓ આવકનો એક નવા સ્ત્રોતનો વિનિયોગ કરવા જઇ રહ્યા છે.

મુજકુવા સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં 11 ખેડૂતો જોડાયેલા છે

મુજકુવા સૌર ઊર્જા સહકારી મંડળીના મંત્રી લાભુભાઇ પટેલે જણાવ્યું કે, એન.ડી.ડી.બી. અને આઇ.ડબલ્યુ.એમ.આઇ.ના સહયોગથી સૂર્યના ખેતરમાં અવતરણનો આ પ્રયોગ ખેડૂતો માટે શકય બન્યો છે. પટેલે જણાવ્યું કે, મુજકુવા સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં 11 ખેડૂતો જોડાયેલા છે. જે પૈકી ત્રણ ખેડૂતોએ 10 એચ.પી. અને આઠ ખેડૂતોએ 15 એચ.પી. સોલાર પંપ પોતાના ખેતરોમાં લગાવ્યા છે. મંડળી દ્વારા ખેડૂતોની સિંચાઇ બાદ વધારાની વીજળી વીજ કંપનીને યુનિટ દીઠ રૂા. 3.24પૈસાના ભાવે વેચવાના પચ્ચીસ વર્ષના સમજુતી કરાર કરવામાં આવ્યા છે.

મુજકુવા ગામના આ ખેડૂતોને સોલાર પંપ માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનો 50 ટકા સહયોગ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં આઇ.ડબલ્યુ.એમ.આઇ. દ્વારા પણ આર્થિક સહયોગ સાંપડયો છે. આ ખેડૂતોને હવે દર મહિને અંદાજે રૂા. 3000 જેટલું વીજ બીલ ભરવામાંથી મુકિત મળવા સાથે દર મહિને કલીન અને ગ્રીન એનર્જી દ્વારા દરેક ખેડૂતને અંદાજે રૂા. 6000 જેટલી વધારાની આવક થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો