પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ચાલતી ‘રામ રોટી’ એટલે સારથિ ફાઉન્ડેશન

અમદાવાદ: પંજાબના અમૃતસર શહેરના ગોલ્ડન ટેમ્પલમાં શ્રદ્ધાળુઓ માટેના લંગર (ભોજન ભંડારા)પરથી પ્રેરણા લઈને શહેરના એક તબીબે સારથિ ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકોને માટે પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ‘રામ રોટી’ અભિયાન શરૂ કર્યું છે.આ સંસ્થા તરફથી સોલા સિવિલ હોસ્પિટલ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સરકારી સ્કૂલો, મૂકબધિર સ્કૂલોમાં મસાલા ખીચડી સહિતની વાનગીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.

1997માં યોગેશભાઈ અને તેમના પુત્ર રાજેશભાઈએ સ્થાપેલા સારથિ ફાઉન્ડેશન તરફથી પ્રારંભમાં આરોગ્યલક્ષી સેવાઓ અને સમયાંતરે ખીચડી સહિતની રામટોરી સેવાઓ અપાતી હતી. જેના માટે સરકારી અધિકારીઓ-ડોક્ટર્સ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તરફથી આર્થિક સહયોગ મળતો રહ્યો હતો.દરમિયાન આ અભિયાન સાથે સંકળાયેલા સિનિયર ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગ પંજાબના શહેર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં દર્શન ગયા.

ગોલ્ડન ટેમ્પલની ભોજન સેવામાંથી પ્રેરણા લઈને ‘જમ્યા પહેલાં જમાડો’ના સૂત્ર સાથે ચાલતી રામ રોટી.

તે સમયે લોકોને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના લંગર (ભોજન સેવા) ચલાવાતું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. આ બાબત પરથી પ્રેરણા લઈને ડો. ગર્ગને વિચાર આવ્યો કે સારથિ ફાઉન્ડેશન તરફથી રામરોટીની સેવા સમયાંતરે આપવામાં આવે છે, તો પછી આ રામ રોટી સેવા પ્રતિ દિન કેમ ન આપી શકાય ?

તેમણે રાજેશભાઈ અને યોગેશભાઈ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, તેમના પ્રસ્તાવને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો અને આજે અઠવાડિયાના સાત દિવસોમાં રામ રોટીની સેવાઓ અપાય છે.કોઈ પણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવા ઈચ્છતા લોકો કે સમાજ સેવા સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓ સારથિ ફાઉન્ડેશનના રાજેશભાઈનો 9825433151 નંબર પર સંપર્કકરી શકશે.

દિવાળીમાં ગરીબોને મોહનથાળ આપે છે:

સારથિ રામરોટી ફાઉન્ડેશન દિવાળીમાં ગરીબોને હજારો પેકેટ મોહનથાળનું વિતરણ કરે છે. ફાઉન્ડેશન ગરીબોને મસાલા ખીચડી, કઢી, ઈડલી-સંભાર, પાંઉ ભાજી, પૂરી શાક અને છાશનું નિ:શુલ્ક વિતરણ કરે છે.

હવે મફત શિક્ષણની સેવા ચાલુ કરાશે:

ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવાથી મોટું કોઈ સત્કાર્ય નથી. આ બાબતને ધ્યાને રાખી સારથિ રામરોટી 19 વર્ષથી રામરોટી અભિયાન ચલાવે છે.આગામી દિવસોમાં ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકોને માટે નિ:શુલ્ક શિક્ષણ અને આરોગ્યને લગતી સેવાઓનો પ્રારંભ કરવામાં આવશે. – ડો. પ્રવીણ ગર્ગ, સારથિ ફાઉન્ડેશન

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો