મૃત્યુ સમયે સરદાર પટેલની મિલકતનું સરવૈયું

ચાર જોડી કપડા, બે જોડી ચપ્પલ, બે ટિફિન અને અંકે રૂપિયા 216 પુરા, એવું બેન્ક બેલેન્સ અને વિશાળ દેશભક્તિ ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ ને સો સો સલામ..

પાંચસો બાસઠ જેટલા નાના મોટા રજવાડાંનું વિલીનીકરણ કરી આજના ભારતનો અખંડ નકશો જેમણે દેશવાસીઓને વારસામાં આપવાનું મહાકાર્ય કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બર, 1950 ના દિવસે મુંબઈમાં અવસાન થયું ત્યારે પોતાની પાછળ ભૌતિક, સ્થાવર જંગમ મિલકત રૂપે રોકડા 216 રૂપિયાનું બેન્ક બેલેન્સ, ચાર જોડી કપડા, બે જોડી ચપ્પલ, બે ટિફિન, એક પતરાની પેટી અને રેટિયો મુકિને ગયા હતા..

સરદારનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. સરદાર સાહેબના બરછટ ખાદીના ઈસ્ત્રી વગરના ઝભ્ભા, અકિંચનપણું અને પોતાની પાસે જે કાંઈ હતું તે રાષ્ટ્રને અર્પણ કરવાની વૃત્તિએ હવે વિદાય લીધી છે. લોકો આજે પૈસા બનાવવા રાજકારણમાં આવે છે. જ્યારે સરદાર સાહેબ તો ૧૯૧૩થી ૧૯૧૭નાં વર્ષોમાં વકીલાત દ્વારા મહિને રૂ. ૪૦ હજારની આવક ધરાવતા હતા અને ૧૯૫૦માં તેમનું અવસાન થયું તે વખતે તેઓ નાયબ વડા પ્રધાન હોવા છતાં તેમનું બેન્ક બેલેન્સ માત્ર રૂ. ૨૧૬ હતું.

પુત્રને શિખામણ

એક વાર સરદાર સાહેબના પુત્ર ડાહ્યાભાઈ સરદાર સાહેબને મળવા દિલ્હી ગયા ત્યારે સરદાર સાહેબે તેમના પુત્ર ડાહ્યાભાઈને સ્પષ્ટ કહી દીધું હતું કે, ”અહીં તમને ભાતભાતના લોકો મળશે. રોટલો ખાવા ના મળે તો મારી પાસે આવજો, પણ મારા નામનો ઉપયોગ ક્યાંય પણ કરશો નહીં કે મારે નામે કોઈ કમાણી કરશો નહીં. એ જ રીતે કોઈની યે લાગવગ કરવા મારી પાસે આવશો નહીં. હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી બે માઈલ દૂર રહેજો.”

આઝાદીના જંગ વખતે જયપુરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં સરદાર સાહેબનું પ્રવચન સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. સરદાર સાહેબે પ્રવચન કરતાં કહ્યું હતું કે, ”મારા દીકરાથી રાષ્ટ્રની આઝાદી જોખમાતી જણાતી જણાય તો મારા પુત્રને કચડી નાખવામાં એક ક્ષણનો પણ વિલંબ કરશો નહીં.”

અમદાવાદ બદલ્યું

મહર્ષિ અરવિંદે તો સરદાર પટેલ માટે કહ્યું હતું : ”Out of all them PATEL. is the only strong man. ” ગુજરાતના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો બાળક ખેડાની ખમીરવંતી ભૂમિ પર ઊછર્યો અને આપબળે ઈંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બન્યો. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી હતી. વકીલાતનો આરંભ તેમણે અમદાવાદથી કર્યો હતો. વકીલાત કરતાં કરતાં તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને ૧૯૨૪ની સાલમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. એ વખતે અમદાવાદ ધૂળેટાબાદ તરીકે ઓળખાતં હતું. શહેરમાં પાણીના નળ નહોતા. પોળોમાં સાતથી આઠ ફૂટના સાપ નીકળતા. ગંદકીના કારણે પ્લેગ પણ ફાટી નીકળ્યો હતો. આવા ગંદા શહેરની સિકલ બદલી નાખવાનું કામ સરદાર સાહેબે કર્યું હતું. તેમણે ટાઉન પ્લાનિંગ શરૂ કર્યું : મણિનગર, જમાલપુર અને એલિસબ્રિજ વિકસાવ્યા. પૈસાદારોને તેની બગીઓ પોળોની બહાર રાખવાની ફરજ પાડી. તેમના જ પ્રયાસથી અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ઊભી થઈ. તેમણે પબ્લિક ટોઈલેટ સિસ્ટમ શરૂ કરાવી. વિક્ટોરિયા ગાર્ડન પણ સરદાર સાહેબની જ ભેટ છે. સરદાર સાહેબ જ ૧૯૨૭માં અમદાવાદ શહેરમાં રેડિયો સ્ટેશન લાવ્યા. આજનો રિલીફ રોડ (તિલક માર્ગ) પણ સરદાર સાહેબે બનાવડાવ્યો. રસ્તો પહોળો કરવામાં અડચણરૂપ મકાનો, મંદિરો, દેરાસરો અને મસ્જિદોને પણ કુનેહપૂર્વક હટાવ્યાં. અમદાવાદમાં પીવાના પાણીની ચકાસણીની લેબોરેટરી પણ સરદાર સાહેબ જ લાવ્યા. શહેરમાં પીવાના પાણીના નળ પણ તેઓ જ લાવ્યા.

ધીકતી પ્રેક્ટિસ છોડી

એક દિવસ તેઓ સાબરમતી નદીના પટમાં યોજાયેલી ગાંધીજીની સભામાં બાપુને સાંભળવા ગયા. ગાંધીજીને સાંભળ્યા બાદ તેમણે ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો. એ વખતે સરદાર સાહેબ પાસે બેરિસ્ટરના ઝભ્ભા, ડઝનબદ્ધ સૂટ, નેકટાઈઓ, બસોથી અઢીસો કોલર, દસેક જોડી બૂટ હતા. એ બધું જ ફગાવી દીધું. તમામ વિદેશી ચીજોની હોળી કરી દીધી. શરીરસુખ આપે તેવી તમામ વૈભવી ચીજો છોડી બરછટ ખાદી અપનાવી.

આઝાદીના જંગમાં તેઓ ગાંધીજીની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત આઝાદ બનતાં તેઓ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન પદના હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને માથા પર ચડાવી તેમણે નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું હતું. એ વખતના સુપ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બેશરીએ ૧૯૫૦ના વર્ષમાં લખ્યું હતું : ”Nehru heads the Government, Sardar Patel runs it.” અર્થાત્ સરકારના વડા નહેરુ છે, પણ સરકાર તો સરદાર જ ચલાવે છે.

સરદાર પટેલનો કોટ

એક જ ટેલિફોન

દેશના દેશના નાયબ વડા પ્રધાન હોવા છતાં સરદાર સાહેબનું જીવન કેટલું સાદગીપૂર્ણ હતું તે જાણવા જેવું છે. નાયબ વડા પ્રધાન તરીકે સરદાર સાહેબને મળેલા મકાનમાં એક જ ટેલિફોન હતો જેનો નંબર ૪૦૪૦૭ હતો. એ ફોન સરકારી કામકાજ સિવાય કોંગ્રેસ પક્ષ કે પોતાના અંગત કામ માટે વપરાતો ત્યારે સરદાર સાહેબ એ વધારાના ફોનના નાણાં પોતે ચૂકવી દેતા. સરદાર સાહેબને મળેલી કારનો ઉપયોગ માત્ર સરકારી કામકાજ માટે જ કરાતો. સરદાર સાહેબ સરકારી કામકાજ માટે બહાર જાય ત્યારે કોઈ ટીએ બિલ મૂકતા નહોતા. જે પત્રો સરકારી કામકાજ માટે લખતા તેની ટપાલ ટિકિટ જ સરકારના ખાતામાંથી લેવાતી હતી. જ્યારે અંગત પત્રો પર ટિકિટ લગાડવાના પૈસા સરદાર સાહેબ પોતાના ખિસ્સામાંથી ચૂકવી દેતા. સરદાર સાહેબે તેમના પુત્ર ડાહ્યાભાઈના લગ્નમાં માત્ર ૧૨ રૂપિયા જ ખર્ચ્યા હતા.

ગરીબની દીકરી

મહાવીર ત્યાગીએ એક વાર સરદાર સાહેબનાં પુત્રી કુ. મણિબહેનને સાડીમાં થીંગડું મારતાં જોઈ મજાક કરતાં કહ્યું હતું, ”તમે એક એવા બાપની દીકરી છો જેમણે રામ, કૃષ્ણ કે મોગલો કરતાં યે મોટું અને અખંડ રાજ્ય સ્થાપ્યું છે અને તેમનાં પુત્રી થઈને સીવેલાં કપડાં પહેરો છો ?” એ વાત સાંભળી સરદાર સાહેબ બોલી ઊઠયા : ”એ ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? એનો બાપ થોડું કમાય છે ? જુઓ મારાં આ ચશ્માનું ખોખું ? ૨૦ વર્ષ જૂનું છે. એમાં રહેલા ચશ્માની એક જ દાંડી છે. બીજી દાંડીની જગાએ દોરો છે.”

સરદાર સાહેબ રેંટિયો કાંતે તેમાંથી સરદાર સાહેબની કફની બને. એ ફાટી જાય એટલે મણિબહેન તેમાંથી પોતાનાં કપડાં બનાવે અને આ બધું ત્યારે જ્યારે સરદાર સાહેબ આ દેશના નાયબ વડા પ્રધાન હતા. આવા કોઈ સરદાર છે આ દેશમાં ? દેશમાં સરદાર સાહેબ જેવા નેતા આ દેશને કદી નહીં મળે. સાદગીના પ્રતીક એવા સરદાર સાહેબની જન્મથી મૃત્યુ સુધીની દુર્લભ તસવીરો, તેમનાં વસ્ત્રો, તેમનાં ચંપલ, પેન તેમજ તેમની પ્રિય ગીતા અને તેમના પ્રિય પુસ્તકો જોવા હોય તો અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લેવી જોઈએ અને બાળકોને પણ ત્યાં લઈ જવા જોઈએ. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે ફરીથી સરદાર સાહેબની યાદોને જીવંત રાખવા આ સ્મારકને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરી દીધું છે. હવે માત્ર એક બટન દબાવવાથી સરદાર સાહેબના જીવન, પરિવાર અને કાર્યોની માહિતી ઉપલબ્ધ ટૂંક સમયમાં સરદાર સ્મારકમાં વર્લ્ડ ક્લાસ અદ્યતન લાઈટ અને સાઉન્ડ શો પ્રેક્ષણીય છે.

એક લાઈક અને શેર કરીને વધાવજો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો