સરદાર વલભભાઈ પટેલ નો જીવન પ્રસંગ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક્દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો કારણકે કેટલીક વખત કલ્પનાઓની દુનિયામાં આંટા મારવાથી વાસ્તવિક દુ:ખોમાં થોડી રાહત થતી હોય છે. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા.

ગાંધીજીએ સરદારને પુછ્યુ, “ વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?” ગાંધીજી સહીત બધાને સરદારનો જવાબ સાંભળવાની ઇચ્છા હતી બધા સાવધાન થઇ ગયા અને સરદારે ખુબ સહજતાથી કહ્યુ, “ બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ.” ( મલતબ કે સન્યાસી બનીશ) સરદાર સાહેબની આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.

સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી સાચી સાબિત કરીને બતાવી. સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓ પણ સરદારના શીરે જ રાજમુટુક મુકવાની દરખાસ્ત રજુ કરતી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે ? આ ગામના સરપંચનું પદ જતુ કરવાની વાત નહોતી. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાનનું પદ જતુ કરવાનું હતુ અને સરદાર પટેલે બહુ સહજતાથી ગાંધીજીના એક ઇશારે આ પદ જતુ કરી દીધુ.

સરદાર સાહેબના અવસાન પછી એમના અંગત નામે માત્ર 237 રૂપિયાની બેંક બેલેન્સ હતી ( આ રકમ બધા જુદી જુદી બતાવે છે પણ 250 રૂપિયાથી વધતી નથી) આનાથી મોટો બીજો ક્યો સન્યાસી હોય ? ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પદ પર 3 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા પછી પણ એની મીલ્કત માત્ર આટલી જ હોય એની કોઇ કલ્પના પણ કરી શકે ખરા ? સરદાર પટેલ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ કોંગ્રેસ પક્ષના ખજાનચી હતા. પક્ષની તમામ નાણાકીય વ્યવસ્થા સરદાર સાહેબ સંભાળતા હતા.

પિતાજીના અવસાન બાદ જ્યારે દિકરી મણીબેને પક્ષના હીસાબની બધી જ વિગતો પક્ષના નેતાઓને આપી ત્યારે કેટલાકના મોઢા પહોળા થઇ ગયા હતા એટલુ મોટુ ફંડ સરદારે પોતાના સંબંધોના આધારે ભેગુ કરેલુ હતુ પરંતુ ક્યારેય એક રાતી પાઇ પણ એમણે પોતાના માટે નથી વાપરી. પહેરવાના ચશ્મા પણ 30-30 વર્ષથી એકના એક ચલાવે. વાંચવાના ચશ્માની દાંડી તુટી જાય તો દોરી બાંધીને ખેંચ્યે રાખે પણ નવા ચશ્મા લેવાનું નામ નહી. એકવાર ત્યાગીજીએ આવી કંજુસાઇ કેમ કરો છો ? એવુ કહ્યુ ત્યારે સરદાર પટેલે કહ્યુ હતુ કે આ કંજુસાઇ નહી કરકસર છે. હું કે મણીબેન ક્યાંય કમાવા માટે જતા નથી આ તો બધા પ્રજાના પૈસા છે એટલે બને એટલા ઓછા વાપરવા જોઇએ.

બહુ ઓછા લોકોને ખબર હશે કે કામચલાઉ સરકારમાં સરદાર પટેલને જ્યારે ગૃહખાતુ સોંપવામાં આવ્યુ ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે સરદારને રહેવું ક્યા ? કારણકે દિલ્હીમાં સરદારનો પોતાનો કોઇ બંગલો તો ઠીક એક નાનુ સરખુ મકાન પણ નહોતું. અરે દિલ્હીની ક્યાં વાત કરો છો આખા દેશમાં ક્યાંય કોઇ સ્થવર મિલ્કત વલ્લભભાઇ પટેલના નામે નહોતી. બાપુજીની મિલ્કતમાંથી પણ એમણે ભાગ જતો કર્યો હતો. દિલ્હીના ઉદ્યોગપતિ બનવારીલાલ શેઠે સરદાર સાહેબને રહેવા માટે પોતાનો ખાલી બંગલો આપ્યો અને ઓરંગઝેબ રોડ પરનો આ બંગલો સરદાર સાહેબની સાધુતાનો સાક્ષી બનીને રહ્યો.

કંચન અર્થાત ધનસંપતિ માટે જગતભરમાં કેવા ખેલ ચાલી રહ્યા હતા એ આપણે ઇતિહાસમાં વાંચ્યુ છે અને આજે ચાલી રહ્યા છે એ આપણે રોજે રોજ જોઇએ છીએ ત્યારે સરદાર સાહેબ ખરા અર્થમાં કંચનના ત્યાગી હતા.

વલ્લભભાઇએ પોતાના જીવનસંગીની ઝવેરબાનો સાથ ગુમાવ્યો ત્યારે એમની ઉંમર 33 વર્ષની હતી. એ સમયમાં તો પાટીદારમાં એક ઉપર બીજી પત્નિ પણ લાવવામાં આવતી મતલબ કે એક પત્નિ જીવતી હોવા છતા બીજી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવતા. વલ્લભભાઇની તો ઉંમર પણ બહુ નાની હતી અને સાવ નાના બે સંતાનોની જવાબદારી પણ એમના માથે હતી આથી એમના પુન:લગ્ન માટે પરીવારમાંથી દબાણ શરુ થયુ પણ વલ્લભભાઇ આ માટે તૈયાર ન હતા.

વલ્લભભાઇના ચારિત્ર્ય પર કોઇએ આંચળી ચીંધી હોય. આ 42 વર્ષનો ઇતિહાસ તપાસો તો પણ ખબર પડે કે સરદાર સાહેબે એમના જીવનની કોઇ અંગત પળો રહેવા દીધી જ નહોતી. બહાર હોય ત્યારે લોકો અને કાર્યકરોથી ઘેરાયેલા હોય અને જ્યારે ઘરે હોય ત્યારે દિકરી મણીબેન સાથે હોય. પુરુષ તરીકે તમારી પાસે પદ અને પ્રતિષ્ઠા બંને હોય ત્યારે સ્ત્રીથી પોતાની જાતને દુર રાખવી એ કોઇ સાચો સાધુ જ કરી શકે બાકી કોઇનું કામ નહી.

સ્ત્રી ધનના સાચા ત્યાગી સરદાર વલ્લભભાઇ પટેલને એમની 142મી જન્મજયંતીના પાવન પ્રસંગે કોટી કોટી વંદન.

શૈલેષભાઈ સગપરીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો