માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ પરંપરાની અપાવે છે યાદ

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે નહિ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે એડમિશન આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થિનીના પરિવારનો વ્યવસાય અને વાર્ષિક આવકના આધારે એડમિશન મળે છે.

સંસ્થા ગાંધી, અરવિંદ, ટાગોરના તત્વધારા સમન્વય પર આધારિત

જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીને પ્રાથમિકતા આપીને પ્રવેશ આપવામાં આવે છે. છતાં દર વર્ષે ધો-10 અને ધો-12નું પરિણામ અનુક્રમે 75 ટકા અને 85 ટકા જેટલું આવે છે. અત્યારે ‘સંસ્કાર તીર્થ’શાળામાં 350 જેટલી વિદ્યાર્થિનીઓ ધોરણ 5 થી 12માં અભ્યાસ કરી રહી છે. આ શાળામાં બાલમંદિર, ઔષધાલય, ફાર્મસી અને નર્સિંગના કોર્સ પણ કાર્યરત છે. વર્ષ 1964માં શરૂ થયેલી આ સંસ્થા મહાત્મા ગાંધી, મહર્ષિ અરવિંદ અને કવિવર રવીન્દ્ર ટાગોર તત્વધારા સમન્વય પર ચાલે છે. મહત્વની વાત એ છે કે નાતજાતના ભેદ વગર કાર્યરત આ સંસ્થાની દરેક વિદ્યાર્થિનીઓ એકસાથે છાત્રાલયમાં રહે છે અને ભણે પણ છે.

વ્યક્તિગત વિકાસને પણ મહત્વ

આધુનિક ટેક્નોલોજી અને ગુરુકુળ પરંપરાના સુમેળથી ચાલતી આ સંસ્થાના વર્ગો વેલ અને વૃક્ષથી ઢંકાયેલા છે. શાળાની વાર્ષિક ફી રહેવા-જમવા, યુનિફોર્મ, અને પુસ્તક સાથે મળીને 15 હજાર રૂપિયા છે. જે વિદ્યાર્થિનીઓ આ ફી ના ભરી શકે તો તેનો ખર્ચ સંસ્થા ભોગવે છે. વિદ્યાર્થિની મીમાંસા શેઠના જણાવ્યા અનુસાર સંસ્કારતીર્થ ખાતે મૂલ્ય આધારિત શિક્ષણ પ્રાપ્ત થાય છે. કુદરતી વાતાવરણ અને વ્યક્તિત્વ વિકાસની અનુકૂળતાના કારણે અમારા જીવનમાં મૂલ્યવાન પ્રદાન આપનારી સંસ્થા સિદ્ધ થઈ છે. ફક્ત કેળવણીનું જ – શિક્ષણ નહિ પરંતુ વ્યક્તિત્વ વિકાસનું પણ જ્ઞાન આપવામાં આવે છે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત 

વર્ષ 1964માં આજોલ ગામના જ વતની અને ગાંધીયન બાબુભાઇ શાહે આ સંસ્થાની સ્થાપના કરી હતી. બાબુભાઈ શાહ પોતે ગાંધીવાદી હતા. વર્ષ 1971માં શિક્ષક તરીકે જોડાયેલ ડૉ. યોગિનીબેન મજમુદાર વર્ષ 1987માં આચાર્ય બન્યાં, ત્યારબાદ તેઓ હાલમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક અને ત્યારબાદ ભારત સરકાર તરફથી પણ રાષ્ટ્ર પતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે.

પ્રકૃતિમય વર્ગો ગુરુકુળ પરંપરાની યાદ અપાવે છે

સંસ્થામાં પ્રકૃતિમય વર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિદ્યાલયના પરિસરમાં ધોરણ પ્રમાણે વૃક્ષ અને વેલથી ઢંકાયેલા શેડ બનાવવામાં આવ્યા છે. આ શેડ ઉપરથી વેલ પસાર થાય છે. દરેક શેડની આજુબાજુમાં આસોપાલવ, બોગનવેલ, ગુલમ્હોર મધુમાલતી જેવા અસંખ્ય વૃક્ષ છે. શેડની નીચે કેટલીક બેન્ચ અને બ્લેકબોર્ડ છે. આમ દરેક વિદ્યાર્થી કુદરતી હવાઉજાસ વચ્ચે ગુરુકુળ પરંપરાથી શિક્ષણ મેળવે છે.

36 હજાર ચો.વાર જમીન આજોલના ગ્રામજનો દ્વારા ભેટ અપાઈ

40 વિદ્યાર્થિનીઓથી શરૂ થયેલી આ સંસ્થાને શરૂઆતમાં 36 હજાર ચો.વાર જમીન આજોલના ગ્રામજનો દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. ગોચર જમીન પર જંગલમાં મંગલ કરવા માટે કેટલાયે દાનવીરોએ સહાય કરી. અમારો મુખ્ય ઉદેશ કન્યા કેળવણીની સાથે સ્ત્રી ઉત્થાનનો છે. સંસ્થાએ પ્રાચીન ગુરુકુળ પરંપરા સાથે આધુનિક યુગનો સમન્વય કર્યો છે. આ કાર્ય અવિરત રીતે શરૂ જ રહેશે. – ડૉ યોગિનીબેન મજુમદાર, મેનેજિંગ ડાયરેક્ટર, સંસ્કાર તીર્થ

કન્યા શાળાનું સંચાલન વિદ્યાર્થિનીઓ જ કરે છે

‘સંસ્કારતીર્થ’ શાળામાં દરવર્ષે વિદ્યાર્થિનીઓની ચૂંટણી યોજાય છે. ચૂંટણી પ્રક્રિયા દ્વારા શાળાની જ વિદ્યાર્થિનીની મહામંત્રી અને વિદ્યાલયમાં ગૃહમંત્રીની વરણી કરવામાં આવે છે. વિરોધ પક્ષને જાગૃતિ મંડળ કહેવામાં આવે છે. જે ચૂંટાયેલી વિદ્યાર્થિનીનું કામગીરીનું નિરીક્ષણ કરે છે. સંસ્થાનું સંચાલન આ વિદ્યાર્થિનીઓ જ કરે છે.

ખાદીનો યુનિફોર્મ અને સવારે 6 કલાકે ભૂમિપૂજન થાય છે 

ગાંધીજી, મહર્ષિ અરવિંદ અને ટાગોરની વિચારધારા પ્રમાણે સત્યમ શિવમ અને સુંદરમને લઈને શાળા કાર્ય કરે છે. વિદ્યાર્થિનીઓનો યુનિફોર્મ ખાદીનો છે. દરરોજ સવારે 6 કલાકે ભૂમિપૂજન કરવામાં આવે છે જે અંતર્ગત વિદ્યાર્થિનીઓ સમગ્ર પરિસરની સફાઈ કરે છે. ઉપરાંત દરવર્ષે શાળામાં ગાંધી સપ્તાહ, ટાગોર સપ્તાહ અને અરવિંદ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. શાળાની દૈનિક પ્રાર્થનામાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવે છે.

હિનાલી મહેતા, અમદાવાદઃ 

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો