રત્નકલાકારમાંથી વકીલ બન્યા પછી પૂર્વ સાંસદની પ્રેરણા લઈ 5335 દર્દીઓને 25 કરોડની સહાય અપાવી

સુરતઃ શહેરના સમીરભાઈ બોઘરા નામના એક વકીલ છેલ્લાં 25 વર્ષમાં 5335 દર્દીઓને 25 કરોડ રૂપિયા જેટલી સરકારી નાણાંકીય સહાય અપાવી ચૂક્યા છે. આ સરકારી સહાય યોજનામાં મેયર્સ ફંડ, મુખ્યમંત્રી ફંડ અને પ્રધાનમંત્રી ફંડ અંગેની સલાહ આપી જરૂરી તમામ મદદ કરે છે. તેની સાથે તબીબી સહાય અંગેના તમામ કાગળ નિઃશુલ્ક કરી આપે છે. કોઈ નાણાં આપવા તૈયાર થાય તો સીધુ ગૌશાળાનું એડ્રેસ આપી દે છે.આજે એક તરફ હોસ્પિટલોના બીલ લાંબા બની રહ્યાં છે, ત્યારે આ દર્દીઓની મદદે શહેરના એક વકીલ આગળ આવી તમામ મદદ કરે છે.

વકિલાત કરતાં કરતાં સેવમાં લાગી ગયા

1.આજે એક તરફ હોસ્પિટલોના બીલ લાંબા બની રહ્યાં છે, ત્યારે આ દર્દીઓની મદદે શહેરના એક વકીલ આગળ આવી તમામ મદદ કરે છે. વરાછામાં રહેતા સમીરભાઈ બોઘરા રત્નકલાકાર તરીકે નોકરી કરતા કરતા વકીલાતની પરીક્ષા પાસ કરી. એડવોકેટ તરીકેની પ્રેકટિસ કરતા કરતા રમેશભાઈ દૂધાત નામના સામાજિક કાર્યકર સાથે પૂર્વ સાંસદ અને કેન્દ્રીયમંત્રી કાશીરામ રાણાના સંપર્કમાં આવ્યા હતા.

દર્દીઓના મસિહા તરીકે જાણીતા છે

2.ત્યાં આર્થિક સહાય માટે આવતા દર્દીઓ જોઈ સમીરભાઈને પ્રેરણા મળી અને સન 1993થી દર્દીઓને મદદ કરવાની ધૂન સવાર થઈ. દર્દીઓને મદદ કરતા કરતા દરેક પાસા સમજતા ગયા. સન 2010માં નોટરી પણ બની ગયા, જેથી તમામ મદદ નિઃશુલ્ક કરે છે. કોઈ પૈસા આપવા તૈયાર થાય તો ગૌશાળાનું સરનામું આપી દે છે. આ મદદ કરતા કરતા તેમણે દરેક હોસ્પિટલની કામગીરી પણ જોઈ અને મદદ કરવા માટેના જરૂરી કાગળોનો અભ્યાસ પણ કરતા ગયા. આજે કીડની, લીવર, હાર્ટકેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ માટે મસીહા સાબીત થયા છે.

કોઈ પણના ભલામણ પત્ર વગર પણ કામ થાય

3.સૌથી વધારે ખર્ચ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટમાં થાય છે. જેમાં 7 લાખ કરતા વધુ સહાય તેઓ અપાવે છે. બોનમેરો, લીવર, કીડની અને કેન્સરમાં મદદ માટે પહેલા ખર્ચનું ક્વોટેશન મગાવવું પડે. ત્યારબાદ ફોર્મ ભરી આવકના દાખલાથી કાગળીયા કરવાનું ચક્કર શરૂ થાય જેમાં લગભગ એક દર્દી દીઠ 10 વાર સલાહ આપવી પડે છે. વિવિધ દાખલાને નોટરી કરવી પડે. મેયર, ધારાસભ્ય કે સાંસદનો ભલામણ પત્ર લખાવવો પડે છે. આ એવા ચક્કર છે, જેમાં દર્દીના સગા પણ કંટાળી જાય છે.

સામાજિક કાર્યકર દ્વારા સાંસદ સાથે મુલાકાત થઇ હતી

4.સામાન્ય રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન અભ્યાસ ચાલુ રાખ્યો. એલએલબીની પરીક્ષા પાસ થતાં વકીલાતની પ્રેકટિસ શરૂ કરી હતી. આ દરમિયાન સામાજિક કાર્યકર રમેશભાઈ દૂધાત સાથે સાંસદ કાશીરામ રાણાના ઘરે જતો હતો. આ દરમિયાન ઘણાં દર્દીઓના સ્વજનો તેમની પાસે સહાય માગવા આવતા હતા.

તેમાંથી પ્રેરણા મળી અને મદદ કરવાનું શરૂ કર્યું. તેમની હાલત જોઈ પૈસા માગવાની હિંમત પણ ન થતી. તેમાં પણ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના લોકો આવે તેમને તો કંઈ સમજ જ પડતી નથી હોતી આવા સમયે તેમના માટે દોડવું પણ પડે છે. વડાપ્રધાનની સહાય માગવી હોય તો તમામ કાગળો અંગ્રેજીમાં કરીને તેની નોટરી કરવી પડે. આ બધી લાંબી પ્રક્રિયા છે.

આર્થિક સહાય મેળવવા આટલું કરો

5.સરકારી કાયદા મુજબ કીડની, કેન્સર, હાર્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને આર્થિક સહાય માટે આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. હાલમાં આ મર્યાદા વધીને 5 લાખ થવાની હતી, જે થયા બાદ 5 લાખથી ઓછી આવકવાળાને સહાય મળી શકશે. આ માટે નિદાન થયા બાદ સૌપ્રથમ હોસ્પિટલનું ક્વોટેશન લાવવું પડે છે.

ત્યારબાદ સરકારી ફોર્મ ભરવાનું અને તલાટી પાસે બે પંચો લઈ જઈ આવકનો દાખલો મેળવવાનો. ત્યારબાદ અરજી તૈયાર કરવાની અને તમામ કાગળીયા અંગેનું સોગંદનામું નોટરી કરાવી તૈયાર કરવાનું. અરજી સાથે તમામ કાગળ મેયર, મુખ્યમંત્રી કે વડાપ્રધાનની ઓફિસમાં મોકલવાના. વડાપ્રધાનને મોકલવાના તમામ કાગળ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી નોટરી કરી મોકલવાના. આ નાણાં મંજૂર થાય એટલે તેમના પત્ર દ્વારા સન્માન સાથે જવાબ પણ મળે છે. પત્રમાં પ્રજાના નાણાં પ્રજા માટે વપરાતા હોવાનો વિશેષ ઉલ્લેખ હોય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો