રાજકોટમાં સમસ્ત પાટીદાર સમાજની અનોખી પહેલ, 550 પટેલ યુવક-યુવતીઓએ કુંડળીને બદલે ડિગ્રી જોઈ, સંપત્તિના બદલે નિર્વ્યસનને પ્રાથમિકતા આપી

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ મેરજા, ચેરમેન નાથાભાઇ કાલર્રીયા, મહામંત્રી ગીતાબેન પટેલ ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, એમ.ડી. શ્રીમતી વિભાબેન પટેલ, કન્વીનર ભાવનાબેન રાજપરા અને ૨૨૫૦ સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફકત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિશ્વભરમાં વસતા લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદન ફી મેરેજબ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી મેળો રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે કોઇ પણ યુવતી પોતાના માટે રાજકુંવર જેવો જીવનસાથી શોધતી હોય છે. આર્થિક રીતે સદ્ધર, દેખાવડો હોય એવા યુવકને પોતાનો જીવનસાથી બનાવવા માગતી હોય છે, જ્યારે યુવકની ઈચ્છા એવી હોય છે કે તેની જીવનસાથી મોડર્ન હોય, પરંતુ આ બધાની વચ્ચે રાજકોટના પાટીદાર સમાજના પરિચય મેળામાં અલગ જ ચિત્ર જોવા મળ્યું. યુવતીઓએ આર્થિક રીતે સદ્ધર, દેખાવડા યુવકને બદલે નિર્વ્યસની હોય એવા યુવક પર પોતાની પસંદગી ઉતારી. 9 કલાકમાં 412 મિટિંગ મળી હતી. યુવક-યુવતીઓએ કુંડળીના બદલે ડિગ્રી મેચ કરી હતી.

પરિચય મેળામાં 350 યુવક અને 200 યુવતીએ ભાગ લીધો 

પરિચય મેળામાં યુવકોએ એવી યુવતીને પસંદ કરી હતી કે જે માતા–પિતાની સેવા કરવા માટે તૈયાર હોય અને મિટિંગમાં જ આ પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે મારા માતા પિતાને સાચવશો? જ્યારે યુવતીઓએ યુવકને એવું કહ્યું હતું કે, મારે મિલકત નથી જોઇતી. તમારો સમય જોઇએ. જો પૈસા નહીં હોય તો સાથે મળીને કમાઈ લઇશું કે જે આવક છે તેમાંથી હું આખું ઘર ચલાવી લઈશ. બસ તમે મને સમજો તમારો સમય પરિવારને આપજો, પણ મને કોઈ વ્યસન નથી જોઇતું. રાજકોટમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લેઉવા અને કડવા પાટીદાર સમાજનો પરિચય મેળો યોજાયો હતો. જેમાં 350 યુવક અને 200 યુવતીએ ભાગ લીધો હતો. યુવક-યુવતીઓ વચ્ચે ત્યાં જ મિટિંગ કરવામાં આવી હતી. જ્યાં વાલીઓ પણ હાજર હતા.

ટીવી સ્ક્રીન પર જ બધાને બાયોડેટા બતાવવામાં આવ્યા 

આ પરિચય મેળાની ખાસિયત એ હતી કે, ટીવી સ્ક્રીન પર જ બધાને બાયોડેટા બતાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જે કોઈએ એકબીજાનો બાયોડેટા પસંદ કર્યો હોય તેની વચ્ચે વાલીની હાજરીમાં જ મિટિંગ કરાવવામાં આવી. બાયોડેટા લાયકાત મુજબ જ એકબીજાને બતાવવામાં આવ્યા હતા. પ્રથમ દીકરીને બાયોડેટા બતાવવામાં આવ્યો હતો અને જે યુવક–યુવતીએ એકબીજાને પસંદ કર્યા હોય એની વચ્ચે જ મિટિંગ કરાવવામાં આવી હતી. આયોજક ગીતાબેન પટેલ જણાવે છે કે, આખા રાજ્યમાં એક માત્ર ગુજરાતમાં બીજી વખત કડવા અને પાટીદાર સમાજના યુવક–યુવતીનો પરિચય મેળો મળ્યો છે.

સુખી પરિવાર-સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું છે

યુવતી દીપા પટેલે જણાવ્યું હતું કે, વ્યસન નાનું હોય કે મોટું એ નુકસાનકારક જ છે.વ્યસન ધીમે ધીમે આદત બનતી જાય છે તેનાથી દંપતી વચ્ચે ઝઘડા થાય છે અને ડિવોર્સ થાય છે. ડિવોર્સ થવાથી બે પરિવાર તૂટે છે.તેનાથી સમાજ પર ખરાબ અસર થાય છે.લાંબા ગાળે બધી સમસ્યાનો સામનો કરીએ તેના કરતા એવા યુવકને જ પસંદ ન કરીએ કે જે વ્યસન કરતો હોય. એક નાની પહેલથી સુખી પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું છે.

લેઉવા પટેલ વૈવીશાળ પરીચય કેન્દ્ર, ઉમિયા મેરેજ બ્યુરો, પાટીદોર સમાજ એમ.પી., ઉંમા ખોડલ પરીવાર ટ્રષ્ટ, લવ-કુશા ગ્રુપ જેવી અનેક સંસ્થાઓને સાથે રાખી આ સેવા કરવામાં આવી હતી, આ વિચારધારાના પ્રણેતા મુકેશભાઇ મેરજા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાબેન પટેલને વિશ્વ કેન્દ્ર સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પાટીદાર રત્ન એવોર્ડ આપવામાં આવેલ. જે આ ત્રણેય પાટીદારોએ પોતાને મળેલ એવોર્ડ સમસ્ત પાટીદાર સમાજની ટીમને આપી જણાવેલ કે આ અમારુ નહીં પણ અમારી ટીમવર્કનું પરીણામ છે. જેથી આ સન્માનનો ખરેખર હકક અમારા રર૫૩ સ્વયંસેવકોનો છે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ મેરજાએ જણાવેલ કે આ મેરેજ બ્યુરોમાં દિકરા અને દિકરીઓનાં બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે.

બાયોડેટા લાયકાત મુજબનાં ગ્રુપો બનાવી ડેટા રાખવામાં આવે છે. જે પ્રથમ દિકરીઓને બાયોડેટા બતાવવામાં આવે છે. તેની સંમતી બાદ દિકરાની સંમતી સંસ્થા મેળવે છે. બન્ને પક્ષે સંમતીબાદ મીટીંગ કરાવવા માં આવે છે, અને સમયાંતરે આવા મેળાવડાનું આયોજન કરવામાં આવે છે.

જેથી સમાજનાં તમામ યુવક-યુવતીઓને પોતાને યોગ્ય જીવનસાથી મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવવા સંસ્થાના ગીતાબેન પટેલ, જ્યોતીબેન ટીલવા, શ્રીમતી વિનાબેન પટેલ, ભાવનાબેન રાજપરા દ્વારા વિશ્વભરનાં પાટીદારોને જણાવવામાં આવેલ છે. આ સેવા કાર્યમાં સંસ્થાની ૨૪૦ બહેનો. અને ૧૬૦ ભાઇઓ સતત સેવા આપી રહ્રયા છે. આ ફી મેરેજ બ્યુરોમાં રજી. માટે ઓનલાઇન સંસ્થાની વેબસાઇટ samastpatidarsamaj પર પણ વિઝીટ કરી શકાય છે. વધુ માહીતી માટે સમસ્ત પાટીદાર સમાજ, ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ, ફોન ૦૨૮૧- ૨૫૭૧૦૩૦, મો. ૯૪૨૬૭ ૩૭૨૭૩, ૬૩૫૩ ૦૮૧૧૦૮, ૯૪૨૯૫ ૬૬૩૬૬ સંપર્ક કરી શકાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close