પાલનપુરના ઈન્ચાર્જ મહિલા RTO અધિકારીની દિવાળી બગડી, એસીબીના હાથે વચોટીયો ડ્રાઈવર 83,200ની લાંચ લેતા ઝડપાયો
રાજ્યમાં દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવ્યો છે. એક પછી એક લાંચીયા સરકારી બાબુઓની દિવાળી બગડી રહી છે. સરકારી બાબુઓ લાંચ લેવાના નામે બદનામ છે, તેમાં પણ આરટીઓ કચેરી, અને જિલ્લા વહીવટી કચેરીઓ તથા પોલીસ વિભાગ લાંચ લેવાના નામે બદનામ થઈ ગયો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા આરટીઓ કચેરીના ઈન્ચાર્જ મહિલા અધિકારી લાંચ લેવાના મામલામાં સંડોવાતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર ખાતે આવેલી આરટીઓ કચેરીના મહિલા ઈન્ચાર્જ આરટીઓ અધિકારી દ્રષ્ટીબેન જે. પટેલ આજે એસીબી દ્વારા ગોઠવેલા લાંચના છટકામાં આવી ગયા છે. આ મહિલા અધિકારી વતી લાંચ લેવા આવેલો આરટીઓ ડ્રાઈવર પંકજ ચૌધરી રૂપિયા 83, 200ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.
એસીબી પાસેથી મળતી માહિતી અનુસાર, પાટણ અને પાલનપુરમાં ટુ-વ્હીલર રજિસ્ટ્રેશનનું કામ કરનાર એક વ્યક્તિ પાસેથી ગત એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં વેચવામાં આવેલા વાહનોના ફોર્મનું ઇન્સપેકશન તથા વેરીફાઇ કરવા માટે 1 ફોર્મ દીઠ રૂ.75 અને પાટણ જિલ્લાના એક ફોર્મ દિઠ રૂ.100 લેખે કુલ રૂ.83,200ની મહિલા અધિકારી દ્વારા માંગણી કરવામાં આવી હતી. જોકે, આ મામલે ફરિયાદીને લાંચ આપવી ન હતી જેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને પગલે પાટણ એસીબી પીઆઇ જે.પી.સોલંકી અને તેમની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવી લાંચીયા બાબુઓને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવી દેવામાં આવ્યું.
આ મામલે ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરી હતી કે, પાલનપુર અને પાટણમાં દ્રિચક્રી વાહનોના શો-રૂમમાંથી વેચાણ થયેલા નવા વાહનોનું રજીસ્ટ્રેશનનું કામ કરૂ છું, અમારા દ્વારા ઓન લાઇન ફી ભરાતી હોવા છતાં બનાસકાંઠા ઇન્ચાર્જ આરટીઓ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ દ્વારા ફોર્મનું ઇન્સપેકશન તથા વેરીફાઇ કરવા માટે ગત એક મહિનામાં વેચાયેલા વાહનોના ફોર્મ પેટે કુલ રૂપિયા 83,200ની લાંચની માંગ કરી છે, તેમણે આ રકમ આરટીઓમાં કરાર આધારિત ડ્રાઈવર તરીકે નોકરી કરતા પંકજ ચૌધરીને આપવા જણાવ્યું છે.
એસીબીએ ફરિયાદના આધારે, જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ છટકુ ગોઠવી દીધુ હતું, અને પ્લાન પ્રમાણે ડ્રાઈવર જ્યારે લાંચની રકમ સ્વીકારે તેજ વખતે તેને આરટીઓ કચેરીમાં જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ સમયે એસીબી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને આરટીઓ કચેરીમાં કોઈ અન્ય ન આવે તે માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. હાલમાં એસીબી દ્વારા મહિલા ઈન્ચાર્જ આરટીઓ અધિકારી દ્રષ્ટીબેન પટેલ અને ડ્રાઈવર પંકજ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી મદદનીશ નિયામક ભૂજ બોર્ડર એકમ એસીબીના કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

