‘રાતના અંધારામાં અમે વાછડાદાદાને પ્રાર્થના કરી ને અમને બચાવવા આવતાં વાહનોની લાઇટો દેખાઇ’

ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની ઐતિહાસીક જગ્યાએ ભાઇબીજે 350થી 400 જેટલા વાહનોમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વાવાઝોડા સાથે ખાબકેલા અંદાજે દોઢ ઇંચથી વધારે વરસાદમાં સેંકડો ગાડીઓ રણના કાદવમાં ફસાઇ હતી. ત્યારે ઝીંઝુવાડા ગામના 100થી વધુ સ્વયંસેવકો અને સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા આખી રાત રેસ્ક્યું ઓપરેશન કરી અંદાજે કુલ 1150 વ્યક્તિઓ અને કુલ 229 નાના-મોટા વાહનો રેસ્ક્યુ કરીં તમામને હેમખેમ ઉગારી લેવાયા હતાં. આ ઘટનાના સાક્ષી એવા શ્રદ્ધાળુ અને રેસ્ક્યુ ઓપરેશન સુપેરે પાર પાડનારા જિલ્લા કલેક્ટરે તેમના જ શબ્દોમાં વાત કહી હતી.

રણમાં એ રાતે મોતનાં દર્શન થયાં, ને સ્વયંસેવકો દેવદૂત બનીને આવ્યા

એ દિવસે હું અને મારા પાંચ મિત્રો સ્વીફ્ટ ગાડી લઇને બેચરાજીથી રણમાં વાછડા દાદાની જગ્યાએ દર્શન કરવા જવા માટે બપોરે જમીને નીકળ્યાં હતા. ઝીંઝુવાડાથી 25 કિ.મી.દૂર આવેલી દાદાની જગ્યાના દર્શન કરીને અમેં લોકો સાંજે ચાર વાગ્યા પછી ગાડીમાં ઝીંઝુવાડા આવવા માટે નીકળ્યાં હતા. હજી દાદાની જગ્યાથી માંડ બે-ત્રણ કિલોમીટર ઝીંઝુવાડા તરફ આવ્યાને વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ વચ્ચે વરસાદ ચાલુ થતાં અમે ગભરાઇને બે કિ.મી.સુધી ગાડી પુરઝડપે ભગાવ્યા બાદ રણમાં જોરદાર વરસાદ ખાબકતા અમારી ગાડી જમીનમાં ખુંચાવા લાગતા અમારો જીવ પડીકે બંધાયો હતો. એવામાં મારી કમરના મણકામાં તકલીફ હોઇ એ દિવસે મારા સહિત તમામ મિત્રોને રણમાં મોતના સાક્ષાત દર્શન થયા. ગાડી આગળ જાય એમ ન હોવાથી અમને છ કિ.મી.નો રસ્તો કાદવમાંથી પસાર કરતા ત્રણ કલાક જેટલો સમય વિતી ગયો. રાત્રીનું અંધારૂ થવા લાગતા અમે તમામ મિત્રોએ એકબીજાનો હાથ પકડી દાદાને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા. એવામાં ઝીંઝુવાડા તરફથી આવતા વાહનોની લાઇટો જોતા અમારા જીવમાં જીવ આવ્યો. અને ઝીંઝુવાડા ગામના યુવાનો અમારા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા. આ 100 જેટલા સ્વયંસેવકો આખા શરીરે કાદવ કીચડવાળા થવા છતાં અમને અને રણમાં રસ્તામાં ફસાયેલા તમામ યાત્રાળુઓને બચાવી લઇ ઝીંઝુવાડા રાજેશ્વરી મંદિરમાં રહેવા અને જમવાની ખુબ સુંદર વ્યવસ્થા હાથ ધરવામાં આવી. આ તમામ સ્વયંસેવકોએ આખી રાત રણમાં કાચવ કિચડમાં પલડતા-પલડતા મોતની પણ પરવા કર્યા વગર 20 કલાકની ભારે જહેમત બાદ તમામ શ્રધ્ધાળુઓને એમના વાહનો સાથે સુરક્ષિત સ્થળે પહોચાડ્યાં બાદ જ રાહતનો દમ લીધો હતો. આ તમામ સ્વયંસેવકો કાદવ કિચડમાં લથપથ હોવા છતાં શ્રધ્ધાળુઓના કપડા અને ગાડી પાણીથી સાફ કરવાની સાથે એ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી તુરત જ અન્ય શ્રધ્ધાળુઓને બચાવવા પાછા રણમાં દોટ મુકતા હતા. (ટીનુભા કનુભા સોલંકી, બેચરાજી, રણમાં ફસાયેલ દર્શનાર્થી)

1152 શ્રદ્ધાળુને બચાવવા આખું ગામ રાત જાગ્યું

ઝીંઝુવાડા રણમાં શ્રધ્ધાળુઓ ફસાયાની બાતમી મળતા આખુ ગામ એકજૂટ બનીને આઠ જેટલા ટ્રેક્ટરો અને એક ઇકો ગાડી વડે રસ્સાથી રણમાં ફસાયેલા તમામ 229 વાહનોમાં ફસાયેલા તમામ શ્રધ્ધાળુઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. આમ, રણમાં ફસાયેલા 1152 શ્રધ્ધાળુઓને બચાવવા 8000ની વસ્તી ધરાવતું ઝીંઝુવાડા ગામ દિવાળીનો તહેવાર હોવા છતાં આખી રાત જાગી ખભે ખભો મીલાવી બચાવ કાર્યમાં જોતરાઇ ગયા હતા. વાછડાદાદાની જગ્યામાં આવતા અઠવાડિયે શરૂ થનારી કથાના સમયગાળામાં ફેરફાર કરવાની સુચનાઓ અપાઇ હતી.

બચાવવા નીકળેલા લોકો પણ ફસાશે તેવી ચિંતા હતી, આખરે ઓપરેશન હેમખેમ પાર પાડ્યું

હાલ દિવાળીના તહેવારોની રજાને લઇને હું મારા વતનમાં હતો તે દરમિયાન તારીખ 29 ઓક્ટોબરને ભાઇબીજના દિવસે સાંજના 4 કલાકે પાટડી તાલુકાના રણકાંઠાના ફતેપુર, ઝિંઝુવાડા અને વીર વચ્છરાજબેટ, અને રણ વિસ્તારમાં અચાનક કરા સાથે કમોસમી વરસાદ વાવાઝોડા સાથે તુટી પડતા રણમાં પાણી ભરાઇ જતાં સુરત, મહેસાણા, બહુચરાજી, રાજકોટ, સાણંદ, રાધનપુર, શંખેશ્વર, દેત્રોજ, ગાંધીનગરના શ્રધ્ધાળુઓ રણ વચ્ચે જ ફસાઇ ગયા હતા. જેમાં નાના બાળકો, મહિલાઓ સહિત અંદાજે 1150 જેટલા વ્યક્તિઓ અટવાઇ પડ્યા હોવાની મને જાણ થઇ હતી. એક તરફ ખરાબ વાતાવરણમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેની ચિંતા હતી અને બીજી બાજુ જે લોકો બચાવવા માટે જાય છે તે પણ ફસાઇ ન જાય તે જોવાનું હતું આવા સમયે સતત લોકોની ચિંતાના કારણે આખી રાત ઉંઘ ન આવી અને ફસાયેલા લોકોનું શું થયું તેની ચિંતામાં જાગતો રહ્યો. નાયબ મામલતદાર જે.વી.વૈષ્ણવ, આર.એસ.ખાંભલાને સ્થાનિક ગ્રામપંચાયતના સભ્ય ટીનુભા, વીજુભા ઝાલા તથા ગામલોકો સાથે પણ ત્વરીત બચાવ કામગીરીમાં મોકલ્યા હતા. જેમાં 8 ટ્રેક્ટર, 2 ઇકોગાડી અને 100 જેટલા સ્વયંસેવકોની મદદથી તા.30-10-2019ના પરોઢીયાના 3 વાગતા સુધીમાં અંદાજે કુલ 1150 વ્યક્તિઓ અને કુલ 229 નાના-મોટા વાહનો રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું તેમજ હવે રણમાં કોઇ પણ વ્યક્તિ કે વાહન ફસાયા ન હોવાનું જાણવા મળ્યા બાદ ચિંતામુકત બન્યો હતો. (કે. રાજેશ,જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો