કોરોના કહેર વચ્ચે અમદાવાદના વૃદ્ધાશ્રમની પરિવારજનોને વિનંતી, થોડા દિવસ તમારા વડીલોને સાચવી લો, પછી તો અમે આખી જિંદગી સાચવીશું જ
વિશ્વભરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં પણ 87 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 7 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોનાનો ચેપ ફેલાય નહીં એ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સફાઈકામ કરતો સ્ટાફ પણ જેતે સંસ્થાએ જઇ શકતો નથી. અમદાવાદના નારણપુરમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પણ સફાઈ સ્ટાફ આવતો નથી જેથી સફાઈ જળવાતી નથી અને વડીલોની સારસંભાળ લઇ શકાતી નથી. તેથી વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા વૃધ્ધોના પરિવારજનોને તેમના વાલીઓને થોડા દિવસ માટે ઘરે લઈ જવા સમજાવવામાં આવી રહ્યાં છે,જેના કારણે આ વૃદ્ધાશ્રમમાં રહેતા 165 વૃધ્ધોમાંથી 70 વડીલોને તેમના પરિવારજનો પોતાના ઘેર લઈ ગયા છે, જ્યારે બીજા પરિવારને પણ વિનંતી કરવામાં આવી રહી છે.
આ અંગે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સુકેતુભાઈએ જણાવ્યું હતું કે, અમે એમના પરિવારને કહીએ છેએ તમે 15થી 20 દિવસ સાચવી લો, અમે આખી જિંદગી સાચવીશુ જ, અમારે ત્યાં સફાઈ કર્મચારી સહિતનો સ્ટાફ આવતો નથી, ગયા અઠવાડિયે 2થી 3 વૃધ્ધોને ઝાડા ઉલટી થઈ ગયા હતા અને એમની સગવડ હાલની પરિસ્થિતિમાં સચવાતી ના હોવાથી અને એમને કોઇ સમસ્યા ન થાય તેમજ કોઇ બીમારીમાં સપડાવુ ના પડે અને થોડા દિવસ સચવાય જાય તે માટે દરેકના પરિવારજનો ને વિનંતી કરવામા આવી રહી છે. સુકેતુભાઈના જણાવ્યા મુજબ, અમારા માટે આ વૃધ્ધોની જિંદગી પણ કિંમતી છે પરંતુ હાલની સ્થિતિમાં એમને રાખવા મુશ્કેલ છે.
જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં જ રહેતા દૂષ્યંતભાઈ ધ્યાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક દિવસથી અમારી પાસે ટ્રસ્ટીના માણસો આવીને જેને સગવડ હોય તેઓ ઘરે જતા રહે તેવી વાત કરતા હતા. ઘણા સમયથી મને પણ એવું હતું કે આ કોરોનાને કારણે ઘરે જાઉં તો સારું. મારે ઘરે પરિવારમાં તો કોઈ નથી પણ હું બે દિવસ પહેલાં અમદાવાદમાં જ રહેતા મારા નાના ભાઈના ઘેર આવી ગયો છું. ટ્રસ્ટીગણના માણસોએ અમને એવી ખાતરી આપી છે કે, હમણાં થોડાક દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થાય તે પછી તમે અહીં આવી જજો. તેમનું કહેવું છે કે, અત્યારે વૃદ્ધોને સાચવી શકે તેવા માણસો તેમની પાસે ત્યાં નથી. જો કે, તેમની વાત એક રીતે સાચી છે કે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કોઈ અસર થાય તો ઘણા બધા લોકોની હાલત ખરાબ થઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

