ઉત્તરાયણે ઊંધિયાની જગ્યાએ બનાવો વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું, જાણો બનાવવાની સૌથી સહેલી રીત

ઉત્તરાયણ આવે એટલે ગુજરાતઓના ઘરે બે વસ્તુ જોવા મળે એક ધાબા પર પતંગ અને બીજું જમવામાં ઊંધિયું. પરંતુ જો તમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી તરફ જાવ તો આ ઊંધિયાની જગ્યાએ ઉંબાડિયું નામની ડિશ જોવા મળશે. સ્વાદમાં લિજ્જતદાર અને મસાલાથી ભરપૂર ઉંબાડિયું એક પરફેક્ટ શિયાળુ ડિશ છે. ત્યારે વખતે ઉત્તરાયણના દિવસે થોડું હટકે કરો અને ઊંધિયાની જગ્યાએ બનાવો ઉંબાડિયું. આ છે ઘરે જ ઉંબાડિયું બનાવવાની સૌથી સહેલી રીત…

જોઈતી સામગ્રી

  • – 2 નાના શક્કરિયા(નાના નાના ગોળ કાપી લો)
  • – 10-12 નાની બટેટી
  • – 300 ગ્રામ સુરતી ગ્રીન પાપડી
  • – 200 ગ્રામ રતાળુ
  • – 1 છીણેલું આદું
  • – 7-8 લીલા મરચાં
  • – હળદર(એક ચપટી)
  • – 2-3 ટેબલસ્પૂન મરી
  • – 1 ટેબલસ્પૂન જીરા પાઉડર
  • – 1 ટેબલસ્પૂન ધાણાજીરું
  • – 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • – 2 ટેબલસ્પૂન તેલ
  • – 1/4 ટેબલસ્પૂન વરિયાળી
  • – મીઠું (સ્વાદપ્રમાણે)

બનાવવાની રીત 

સૌ પહેલા બધા જ મસાલાને એક જારમાં લઈને મિક્સરમાં ક્રશ કરો અને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ બધા જ શાકભાજીને તેની છાલ ઉતાર્યા વગર જ છૂટ પાણીએ ધોઈ લો. નાની બટેટીને બે સરખા ભાગમાં કાપી લો અને શક્કરીયા તેમજ રતાળુને નાના નાના ગોળ કાપી લો. હવે આ બધા પર તૈયાર કરેલી મસાલાની પેસ્ટ લગાવો. વધેલી પેસ્ટને બધા શાકભાજી ઉપર નાખી બરાબર મિક્સ કરી 1-2 કલાક માટે એમ જ છોડી દો. જેથી મસાલાનો સ્વાદ શાકભાજીમાં બરાબર બેસી જશે.

હવે એક બાઉલમાં બધા વેજિટેબલને બરાબર ગોઠવીને એક કોટનના રુમાલથી કવર કરો. ત્યારબાદ ઉંબાડિયું પકાવવા માટે તેને કોઇપણ કુકર કે ઢોકરિયામાં મોટા વાસણમાં બરાબર ગોઠીવી દો. હવે કુકર અથવા ઢોકરિયામાં 2 કપ પાણી નાખીને ગેસ પર મુકો. શાકભાજી રહેલું બાઉલ પાણીથી અદ્ધર રહે તે રીતે ગોઠવો. કેમ કે ઉંબાડિયું ફક્ત પાણીની વરાળમાં બફાઈને તૈયાર કરવામાં આવે છે.

વચ્ચે થોડીવારે ઢોકરિયું કે કુકર ખોલીને શાકભાજી જે બફાયા કે નહીં ચેક કરી લો અને શાકભાજીને તે પ્રમાણે ઉપરનીચે કર્યા બાદ ફરી 5-10 મિનિટ માટે વધુ આંચે ગરમ થવા મુકી દો. થોડીવારમાં તમારું ઉંબાડિયું બફાઈ ગયું હશે. તેમ છતા ચેક કરવાથી લાગે કે હજુ પૂરું બફાયું નથી તો થોડીવાર માટે ફરી ઢોકરિયામાં કે કુકરમાં મુકી શકો છો.

બફાઈને તૈયાર થયેલા ગરમાગરમ ઉંબાડિયા પર લસણ અને ધાણાભાજીનું ગાર્નિશિંગ કરો. સાથે સાથે તમને લીલી ચટણી પણ નાખી શકો છો. બસ તૈયાર છે શિયાળાની ઠંડી ઉડાડતું ગરમા ગરમ અને સ્પાઇસી ઉંબાડિયું.

રેસિપી સૌજન્યઃ betterbutter.in

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો