અત્યારે આવી છે અભિનંદનની હેલ્થ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી

વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે. આજે અહીં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં શનિવારે સવારે અભિનંદને વાયુ સેનાના પ્રમુખ બીએસ ધનોઆ સાથે પણ મુલાકાત કરી હતી.

ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિંગ કમાન્ડર અભિનંદને આજે સવારે વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અભિનંદને તેમને બે દિવસ તેઓ પાકિસ્તાનમાં કેદમાં હતા તે વિશેની માહિતી આપી છે. હાલ વિંગ કમાન્ડર વાયુ સેનાના ઓફિસર્સ મેસમાં જ રહેશે.

ટ્વિટમાં સંરક્ષણ પ્રધાને કર્યા હતા વખાણ

શુક્રવારનાં રોજ પાકિસ્તાનનાં કબ્જામાંથી પાયલટ અભિનંદન પરત આવ્યા બાદ સીતારમણે ટ્વિટ કરીને કહ્યું હતુ કે તેમની પર દેશને ગર્વ છે. સીતારમણે લખ્યું કે, ‘વિંગ કમાન્ડર અભિનંદન, અમને તમારા પર ગર્વ છે. સમગ્ર દેશ તમારા સાહસને સલામ કરે છે. તમે મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાની ધીરજ જાળવી રાખી. તમે દેશનાં યુવાઓ માટે પ્રેરણા છો. સેલ્યૂટ, વંદે માતરમ.

અભિનંદન પાસે ભારતના રહસ્યો જાણવાનો પ્રયત્ન કરાયો હતો:

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનંદન બે દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યા ત્યારે પાકિસ્તાની સેના અને ISIએ ઘણીવાર તેમને ત્રાસ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દેશના આ વીર જવાન તેમની સામે ઝૂક્યાં નહતા.

 

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની સેના અને ISIના અધિકારીઓ સતત પ્રયત્ન કરતાં રહ્યા હતા કે જો એક ક્ષણ માટે પણ કમાન્ડર અભિનંદન નબળા પડે અને પોતાને છોડી દેવા માટે કરગરે તો સૌથી પહેલાં તેઓ તેમનો વીડિયો બનાવી લે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ બે-ત્રણ વખત અલગ અલગ રીતે તેમનો વીડિયો પણ બનાવ્યો હતો પરંતુ તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહતી. પાકિસ્તાની સેના અને એજન્સી અભિનંદન પાસેથી દેશના રહસ્યો જાણવા ઈચ્છતી હતી અને તે માટે તેમણે કમાન્ડર પર પરિવારથી લઈને ઘણાં પ્રકારના દબાણ પણ ઉભા કર્યા હતા પરંતુ કમાન્ડરના મજબૂત ઈરાદાઓના કારણે તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો