રાજકોટના પૂજારી 40 વર્ષથી કરાવે છે અનોખું ભોજન, બ્રાહ્મણો કે બાળકોને નહીં 150 વિધવાઓને જમાડે છે, સાથે જ ભેટમાં સાડી, ફ્રૂટ અને દક્ષિણા પણ આપે છે

સારા-નરસા પ્રસંગે લોકો બ્રાહ્મણોને, બાળકોને કે કુંવારિકાઓને જમાડી પુણ્યનું ભાથું બાંધતા હોય છે પરંતુ રાજ્યભરમાં એકમાત્ર રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી એવી પ્રણાલિકા ચાલી રહી છે જ્યાં બ્રાહ્મણો કે બાળકોને નહીં પરંતુ વિધવાઓને જમાડાય છે. શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં 150થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય છે.

આવું કાર્ય કરવાનો ઉદ્દેશ જણાવતા મંદિરના પૂજારી ઐમપ્રસાદ દવે કહે છે કે, પતિ ગુમાવે એવી સ્ત્રીને આજે પણ સમાજમાં ક્યાંકને ક્યાંક અપશુકનિયાળ માનવામાં આવે છે આ માન્યતા નાબૂદ કરવા આ પ્રણાલિકા છેલ્લા 40 વર્ષથી કરીએ છીએ. ભગવાન આપણી ઘરે જમવા નથી આવી શકતા અને વિધવાઓ પણ મા જગદંબાનું જ સ્વરૂપ છે એટલે અમે દર વર્ષે વિધવાઓને જમાડવાનો ઉત્સવ માનવીએ છીએ. અને માતાજી ખુદ અમારે આંગણે જમવા પધાર્યા હોય એવો જ ભાવ અમે વિધવા બહેનો સાથે વ્યક્ત કરીએ છીએ.

એક વખત વિધવાઓને જમાડવાનો રૂપિયા 75000 ખર્ચ થાય છે

એક વખત વિધવાઓને જમાડવાનો એવરેજ ખર્ચ રૂ. 75000 જેટલો થાય છે કારણ કે, જમવાની એક થાળી એવરેજ રૂ. 150ની થાય છે, સાથે મંદિર તરફથી દરેક વિધવાઓને રૂ. 250થી 300ની કિંમતની સાડી ભેટમાં અપાય છે, મુખવાસ અને ફ્રૂટ અપાય છે. અને જ્યારે વિધવાઓ જમીને જાય જ્યારે દરેકને રૂ. 150 જેટલી દક્ષિણા પણ અપાય છે. એટલે એકંદરે એક વિધવાને જમાડવા પાછળ એવરેજ 500થી 550 રૂપિયા ખર્ચાય છે જે મંદિરના પૂજારી ભોગવે છે. આ માટે કોઈપણ પ્રકારનો ફંડ-ફાળો કરાતો નથી.

વિધવાના આશીર્વાદ વરદાનરૂપ છે, તેનાથી પ્રગતિ રૂંધાતી નથી

વિધવાઓના આશીર્વાદ વરદાનરૂપ છે, તેનાથી આપણી પ્રગતિ રૂંધાતી નથી, જીવનમાં બધું જ સારું થાય છે. મારા પિતાજીએ શરૂ કરેલી પ્રણાલી આજે પણ અમે ચાલુ રાખી છે. આર્થિક રીતે પહોંચી ન શકાય એટલા માટે વર્ષમાં એક જ વખત આવું કાર્ય કરીએ છીએ. અન્ય કોઈ વ્યક્તિ પણ આ સેવાયજ્ઞમાં જોડાવવા ઈચ્છે તો જોડાય શકે છે. જેમ કુંવારિકા માતાજીનું સ્વરૂપ છે એમ જ વિધવાઓ પણ માતાજીનું સ્વરૂપ જ છે. – ઐમપ્રસાદ દવે, આચાર્ય, જીવંતિકા મંદિર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો