રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત ASIની બર્થ-ડે પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 45 કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ચર્ચા

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલાએ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. જેમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા. પાર્ટીમાં કુલ 30 લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ 10માંથી 5 પાસે પરમીટ હોવાનું કહેવાય છે. મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ પાર્ટીમાં 45થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે.

વોટરપાર્કના તમામ ગેટ બંધ કરી મીડિયાને અંદર જતા અટકાવી દેવામાં આવ્યા

ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઇના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની હકીકત પર શહેર પોલીસ ખાબકી તો હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પોલીસ પણ જાણે મૂંઝાઇ ગઇ હતી. પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને તેમાંથી 15 લોકોને પોલીસે ભગાડી મૂક્યા હતા. પોલીસે આ મામલામાં હકીકત જાહેર કરવામાં પણ ઇરાદાપૂર્વક મોડું કર્યાનું બહાર આવ્યું હતું. ક્રિષ્ના વોટરપાર્કમાં એસીપી ટંડેલની આગેવાનીમાં પોલીસ કાફલો ખાબક્યો હતો. પોલીસે વોટરપાર્કની અંદર જતાની સાથે જ વોટરપાર્કના તમામ ગેટ બંધ કરી મીડિયાને અંદર જતા અટકાવી દેવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને મહત્તમ લોકો નશાખોર હાલતમાં હતા, પોલીસે અંદર પ્રવેશ કર્યા બાદ કાર્યવાહી ચાલુ હોવાનું રટણ શરૂ કર્યું હતું. જોકે થોડીવાર બાદ વોટરપાર્કની પાછળની દીવાલ તરફ હરકત તેજ થવા લાગી હતી આ દિશામાં લોકોએ તપાસ કરતાં જ 15થી વધુ લોકો વોટરપાર્કની દીવાલ કૂદીને ખેતરમાં ભાગતા જોવા મળ્યા હતા, જેમાંથી બે લોકોને ટોળાંએ પકડ્યા તો પોતાની કાર લેવા આવ્યા હોવાની વાતો કરી એ પણ નાસી છુટ્યા હતા. નાસી છૂટેલાઓની ઓળખ મેળવી પકડવામાં આવશે તેવો બચાવ એસીપીએ કર્યો હતો.

ગુરુવારની રાત્રે પોલીસે વોટર પાર્કમાં દરોડો કર્યો ત્યારે આ લોકો પાર્ટીમાં હાજર હતા

આ 10 પીધેલા હતા

  • 1, જયેન્દ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ (ઉ.વ.60)
  • 2, સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ.51)
  • 3, ભરત હરિશંકર ભરાડ (ઉ.વ.63)
  • 4, હર્ષદ હરિ ઝાલા (ઉ.વ.68)
  • 5, કૃષ્ણરાજસિંહ દાદુ જાડેજા (ઉ.વ.61)
  • 6, તખુભા રામસીંગ તલાટિયા (ઉ.વ.63)
  • 7, જયંતિ લક્ષમણ તલાટિયા (ઉ.વ.63)
  • 8, રમેશ ઘોઘા સિંધવ (ઉ.વ.40)
  • 9, ચંદ્રકાંત અમરચંદ મહેતા (ઉ.વ.65)
  • 10, રમણીક લક્ષ્મણ જીંજવાડિયા (ઉ.વ.52)

દારૂ નહોતો, જમણવાર હતો, નિવૃત્ત ASIનું રટણ

જેના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને પોલીસે ત્યાંથી 10 લોકોને નશાખોર હાલતમાં પકડ્યા હતા તે નિવૃત્ત એએસઆઇ રાજભા વાઘેલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, જન્મદિવસની પાર્ટીમાં જમણવાર જ હતો, દારૂની વાત ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું તેમણે રટણ રટ્યું હતું. 10 શખ્સ નશાખોર હાલતમાં ઝડપાયા છતાં નિવૃત્ત એએસઆઇ કંઇક જુદો જ રાગ આલોપતા હતા.

‘ડાઘ’ શું કહે છે..?

ક્રિષ્ના વોટર પાર્કની પાછળના ભાગના વાડી માર્ગે થયેલા કાદવ-કિચડમાં પગપાળા ભાગેલા વ્યક્તિના નિશાન રહી ગયા હોવાનું ભાસ્કરે શોધી કાઢ્યું છે. બીજી તરફ અમુક પોલીસમેનના પગ કિચડવાળા હોવાનું પણ દેખાઈ આવતું હતું. કિચડના આ ડાઘ શું સૂચવી જાય છે તેવો સવાલ ઊઠ્યો છે.

અમુક પોલીસમેનના પગ કિચડવાળા હોવાનું પણ દેખાઈ આવતું હતું.

SRPના ક્લાર્ક ઝાલાએ પોતાની ઓળખ મકવાણા તરીકે આપી

ઘંટેશ્વર એસઆરપીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ચંદુભા ઝાલા પોલીસની રેડ ચાલી રહી હતી ત્યારે વોટરપાર્કની દીવાલ કૂદીને ખેતરમાં ખાબક્યા હતા તેમના સેન્ડલ કાદવથી લથબથ થઇ ગયા હતા. મીડિયાએ ઝાલા સાથે વાતચીત કરતા તેણે પોતાની કાર વોટરપાર્કમાં હોવાથી તે લેવા આવ્યા હતા અને તેણે પોતાનું નામ છગન દેવજી મકવાણા હોવાનું કહ્યું હતું. એસઆરપીમેન ઝાલાએ પોતાની ઓળખ શા માટે છુપાવી તે મહત્ત્વનો મુદ્દો બન્યો હતો.

કોઇએ મહેફિલનો વીડિયો ઉચ્ચ અધિકારીને મોકલ્યો અને દરોડો પડ્યો

સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલી પોલીસની મહેફિલ અંગે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે વોટરપાર્કમાં મહેફિલ શરૂ થઇ હતી, મહેફિલમાં હાજર જ એક વ્યક્તિએ દારૂની મહેફિલનો મોબાઇલથી વીડિયો ઉતારી તે વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલ્યો હતો અને મહેફિલ હજુ પણ ચાલુ હોવાનો મેસેજ પણ કરતા પોલીસ ખાબકી હતી.

નશાબંધીના કાયદાની મજાક, પોલીસે દારૂ ક્યાંથી મગાવ્યો’તો

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન કરવાની સરકાર દ્વારા સેખી મારવામાં આવતી હોય છે, પરંતુ નિવૃત્ત પોલીસ કર્મચારીના જન્મદિવસની પાર્ટીમાં જ દારૂની રેલમછેલે સરકારના દાવાને પણ ખોખલા સાબિત કરી દીધા હતા. પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો?, કોણ લાવ્યું?, ક્યારે લાવ્યું? સહિતના મુદ્દા તપાસનો વિષય બન્યા છે પોલીસ આ અંગે તપાસ કરશે કે ભીનું સંકેલાઇ જશે તેના પર સહુની મીટ મંડાઇ છે.

વોટરપાર્ક ભાજપ આગેવાનનું

ક્રિષ્ના વોટરપાર્ક ભાજપના આગેવાન હરિ પટેલનું હોવાનું જાણવા મળ્યું હતું. હરિ પટેલ અગાઉ કોંગ્રેસમાં હતા અને તેણે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી, કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતાં હરિ પટેલ ભાજપમાં જોડાયા હતા.

5 પાસે પરમિટ હતી, પરંતુ વોટરપાર્કમાં પીવાની મંજૂરી કોણે આપી?

એસીપી ટંડેલે જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી 10 લોકો નશાખોર હાલતમાં મળી આવ્યા હતા જેમાંથી 5 શખ્સ પાસે પરમિટ હતી અને 5 લોકો પરમિટ વગરના હતા. હેલ્થ પરમિટના નિયમ મુજબ તબીબની ભલામણને કારણે પરમિટધારક દવાના રૂપે પોતાના ઘરે પરમિટના દારૂનું સેવન કરી શકે છે, પરંતુ પરમિટધારક નશાખોર હાલતમાં ઘરની બહાર નીકળવો જોઇએ નહીં, જ્યારે અહીં તો વોટરપાર્કમાં દારૂની મહેફિલ જામી હતી, તો પરમિટધારકોને વોટરપાર્કમાં દારૂ પીવાની મંજૂરી કેવી રીતે મળી?, આવા પરમિટધારકોની પરમિટ રદ કરવામાં આવશે કે કેમ?, પોલીસ આ અંગેની કાર્યવાહી કરશે કે આ વખતે નિયમમાં બુદ્ધિપૂર્વક ફેરફાર કરશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો