રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલની ઉઘાડી લૂંટ: નિલકંઠ હોસ્પિટલે માત્ર ટેસ્ટના 1 લાખ રૂપિયા લઈ 4 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટમાં બેડની સંખ્યા વધે અને દર્દીઓને હાલાકી ન થાય તે માટે ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દેવાઈ છે આ ઉપરાંત મનપાએ સારવારની ફિક્સ ચાર્જ પણ નક્કી કર્યા છે આમ છતાં ઘણી હોસ્પિટલ લૂંટ ચલાવવા માટે નવા નવા તિકડમ શોધી રહી છે. એવા જ એક તિકડમમાં હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું જ બિલ રૂપિયા 1 લાખ સહિત 4 લાખ રૂપિયા લીધા છે. હાલ તો સમગ્ર મામલાની તપાસ કમિટનીને સોંપવામાં આવી છે.

દર્દીના પરિવાર તરફથી કોઈ ફરિયાદ કરાઈ નથી:પ્રાંત અધિકારી

અધ્યક્ષ કમિટીના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ વાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે કમિટીને તપાસ સોંપી છે. પહેલા દર્દીને હિયરીંગ માટે બોલાવીશું, પછી હોસ્પિટલવાળાને બોલાવીશું અને ખુલાસો માંગીશું. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. આ સાથે જ જણાવ્યું હતું કે હજુ સુધી દર્દીના પરિવાર તરફથી ફરિયાદ કરવામાં આવી નથી.

હોસ્પિટલે 108950 રૂપિયા માત્ર ટેસ્ટ કરવાના લગાવ્યા છે અને કુલ બિલ 4 લાખ બનાવ્યું છે

ખાનગી હોસ્પિટલમાં સારવારના નક્કી કરેલા દર કરતા પણ વધુ દર લેવાતા હોવાની ફરિયાદ ઘણી આવતી હતી જેથી જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને ખાસ ટીમની રચના કરી હતી, બેઠક બોલાવી હતી જે બેઠક પૂરી થતા જ ડો. પી. સિંઘ, ડો. પટેલ તેમજ ડો. પીપળિયા સહિતના તબીબોની ટીમ નિલકંઠ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં ગઈ હતી જ્યાં એક પરિવાર બિલ માટે માથાકૂટ કરતા જોવા મળ્યા હતા. દર્દીના સ્વજન સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે હોસ્પિટલે 108950 રૂપિયા માત્ર ટેસ્ટ કરવાના લગાવ્યા છે અને કુલ બિલ 4 લાખ બનાવ્યું છે. ટેસ્ટ જોતા જ ખ્યાલ આવ્યો કે જે ટેસ્ટ સપ્તાહે કે 10 દિવસે કરવાના હતા તે બધા દરરોજ કરાયાનું નોંધાયું હતું અને લેબોરેટરીનું બિલ આપવાને બદલે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું જે પણ ગેરરીતિ હતી. નિલકંઠ હોસ્પિટલની ગેરરીતિ રંગેહાથ પકડાઈ હતી અને ટીમે દર્દીના પુત્રને કલેક્ટર કચેરીમાં અરજી કરવા જણાવ્યું હતું. દર્દીના પુત્ર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ટીમ આવી ગયા બાદ પણ હોસ્પિટલે બિલ માંગવાનું ચાલુ જ રાખ્યું હતું અને જો બિલ નહીં ભરે તો ડિસ્ચાર્જ નહીં કરે તેવી ધમકી આપી હતી. આખરે પિતાની તબિયતને ધ્યાને લઈને 4 લાખ રૂપિયા ભર્યા હતા.

આ રીતે ખાનગી કોવિડ હોસ્પિટલ રૂપિયા ખંખેરે છે

શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલના સરપ્રાઈઝ ચેકિંગમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રૂપિયા વધુ ખંખેરવાની એક મોડસ ઓપરેન્ડી પણ જાણવા મળી છે. તંત્રે જે પેકેજ ફિક્સ કર્યું છે તેમાં કન્સલ્ટિંગ ફી પણ આવી જાય છે. જો નિષ્ણાત તબીબની જરૂર પડે તો 2000 રૂપિયા સુધી દૈનિક લઈ શકાય છે. આ બાબતનો લાભ લઈ ખાનગી હોસ્પિટલ બહારથી ડોક્ટર આવ્યા તેવું બતાવી દરરોજના 2થી 5 હજાર વસૂલે છે. તેથી જો કોઇના સ્વજન દાખલ હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવા તંત્રે જણાવ્યું છે.

હોસ્પિટલે બહાર ફી અંગે બોર્ડ મૂકવું ફરજિયાત

સિદ્ધાર્થ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલના સંચાલકોને સૂચના આપી દેવામાં આવી છે. તમામ હોસ્પિટલ સંચાલકોએ લેવામાં આવતી ફી અંગે બોર્ડ બહાર મૂકવું ફરજિયાત છે. લેબોરેટરીથી લઈને અલગ અલગ વિભાગોમાં કેટલી ફી લેવામાં આવે છે. તે અંગે હોસ્પિટલ સંચાલકોએ તેમની હોસ્પિટલ બહાર બોર્ડ લગાવવાનો ફરજિયાત છે. આ ઉપરાંત પ્રાંત અધિકારીએ લોકોને પણ અપીલ કરી છે કે જો કોઈ કોવિડ હોસ્પિટલ દ્વારા વધુ ફી વસૂલવામાં આવે તો તેમણે જુની કલેકટર કચેરી ખાતે આવેલી તેમની ઓફિસે દસ્તાવેજી પુરાવા સાથે રૂબરૂ રજૂઆત કરવી જેથી વધુ ફી વસુલનાર હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે.

સળગતા સવાલ

  • શું સરકારના નિયમો નેવે મુકી દિધી?
  • નિલકંઠ હોસ્પિટલ દ્વારે કેમ આટલો ચાર્જ વસુલાયો?
  • દર્દીઓને કેમ લૂંટવામાં આવી રહ્યા છે?
  • તપાસના આદેશ તો આપ્યા છે પરંતુ તપાસ થશે ખરી?
  • શું દર્દીના પૈસા તેને પાછા મળશે?
  • સરકારે ચાર્જ નક્કી કર્યો છતા કેમ આટલો ચાર્જ લેવાયો?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો