રાજકોટનાં યુવાને વિદેશની વાર્ષિક 1.5 કરોડની ઓફર ફગાવી આધુનિક ખેતી ચાલુ કરી

આસમાની રોજી બની રહેલી ખેતીથી ખેડૂતો દૂર થઇ રહ્યા છે અને ગ્રામ્ય યુવકો શહેરમાં મજૂરી કરીને બે ટંકનું રળી લઇ ગુજરાન ચલાવવાની વાતો કરે છે ત્યારે રાજકોટના એક યુવકે અમેરિકાના ન્યૂયોર્કમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી વાર્ષિક 1.5 કરોડની તોતિંગ પગારની નોકરી ફગાવી રાજકોટ આવી આધુનિક ખેતી શરૂ કરી હતી. આધુનિક ઢબે ખેતી કરીને વિદેશમાં મળતા નાણાં કરતા વધુ કમાણી ઘરબેઠા મેળવી શકાય તેવું પુરવાર કરી યુવક ખેડૂતોને ફરીથી ખેતી તરફ વળવા રાહ ચીંધી રહ્યો છે.


20 એકર જમીન લઈ ખેતી શરૂ કરી

રાજકોટમાં 35 વર્ષથી લોખંડનો વેપાર કરતાં રાજુભાઇ કાનાબારના પુત્ર અર્જુને શહેરની કોલેજમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ કમ્પ્યૂટર)નો અભ્યાસ પૂરો કરી માસ્ટર ડિગ્રી માટે ન્યૂયોર્કની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્રણ વર્ષ ત્યાં અભ્યાસ કરી માસ્ટરની ડિગ્રી મેળવી હતી. ડિગ્રી મળતાની સાથે જ અર્જુનને અમેરિકામાં વાર્ષિક દોઢ કરોડના પગાર સાથે નોકરીની ઓફર થઇ હતી, પરંતુ અર્જુનના માનસમાં કંઇક જુદું જ ચાલતું હતું, વિદેશમાં નોકરી ફગાવી અર્જુન રાજકોટ આવી ગયો હતો અને પોતાના ઉચ્ચ અભ્યાસનો ઉપયોગ ખેતીમાં કરી આધુનિક ઢબે ખેતી કરવાનો પ્લાન ઘડી વાંકાનેરના સિંધાવદરમાં 20 એકર જમીન લઇ ખેતી શરૂ કરી હતી.

ન્યૂયોર્કમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા

ઉચ્ચ અભ્યાસ છોડી ખેતી અપનાવી

અર્જુન કાનાબારે જણાવ્યું હતું કે, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો ત્યારે પણ હેતુ તો સારામાં સારી કમાણી કરવાનો હતો અને પોતે ખેતી અપનાવી છે ત્યારે પણ હેતુ તો અઢળક કમાણીનો જ છે, પરંતુ તેની સાથે અનેક સામાજિક હિત પણ સંકળાયેલા છે. અર્જુને પોતાની વાડીમાં 350 ઇઝરાયલી ખારેક અને 350 અંજીરના રોપા વાવી તેને ઉછેરવાનું શરૂ કર્યું હતું. અર્જુને કહ્યું હતું કે, આ રોપામાં અંદાજે પાંચેક વર્ષે પાક આવે ત્યાં સુધી આવક બંધ રહે તો સામાન્ય ખેડૂતને પરવડે નહીં, આ માટે અર્જુને ખારેક અને અંજીરના રોપા વચ્ચેની જગ્યામાં સરગવો અને શાખભાજીનું વાવેતર કર્યું છે. કેટલાક વિભાગમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે તો જરૂરી હોય ત્યાં જંતુનાશક દવા અને અન્ય બિયારણનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ

યુવા ખેડૂત અર્જુને જણાવ્યું હતું કે, પોતાની વાડીમાં ખેતીની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ખેતી સરળ બની છે અને નિશ્ચિત આવક પણ મળે છે. આધુનિક પધ્ધતિથી કરાતી ખેતીને કારણે ખેત ઉત્પાદનમાં વધારો થાય છે, સારી ગુણવત્તાવાળા શાકભાજીને કારણે બજારમાં સારા ભાવ પણ મળે છે, અર્જુને ખેડૂતો અને યુવાઓને અપીલ કરી હતી કે, ખેતીથી ભાગવાને બદલે પરંપરાગત પધ્ધતિને છોડી આધુનિક પધ્ધતિથી ખેતી કરવામાં આવે તો અકલ્પનીય આવક તો મળે જ છે સાથોસાથ લોકોને સારી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થ પૂરા પાડી સામાજિક સેવાનો પણ મોકો મળે છે. અર્જુને પોતાની વાડીમાં સારી ઓલાદની 9 ગાય રાખી ગાય આધારિત ખેતી પણ કરવામાં આવે છે અને લોકોને ભેળસેળ વગરનું શુધ્ધ દૂધ મળી રહે તે માટેનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો