હાય રે કળિયુગી દુનિયા! અંતિમ શ્વાસો ગણતી રાજકોટની એક માતાનો કાળજું હચમચાવી દે તેવો કિસ્સો, માતાનું રટણ- મારા દીકરાઓને જોવા છે.
ત્રણ-ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દીકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રાજકોટના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતાં 65 વર્ષનાં વૃદ્ધા છેલ્લા સાડા પાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહી હતી. ત્રણમાંથી મારો એક દીકરો તો આવશે, મને તેની સાથે લઇ જશે. પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી. અંતે સ્થિતિ એ આવી કે એ વૃદ્ધા માતા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહી છે. મોત સામે હોસ્પિટલમાં ઝઝુમી રહી છે. હજુ પણ પુત્રનું રટણ તેનાં મુખમાં છે. પરંતુ પુત્ર ડોકાયો તો નહી પરંતુ સ્પષ્ટ કહી દીધું કે મરી જાય તો સ્મશાને લઇ જજો. અને અંતિમવિધિ પણ કરી નાખજો અમારે કંઇ લેવા દેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હોસ્પિટલના બિછાને રહેલાં વૃદ્ધાનું નામ છે લલિતાબેન રતિલાલ શાહ. રાજકોટથી 14 કિલોમીટર નજીક રતનપર ગામમાં આવેલાં મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહે છે. લલીતાબેન આર શાહની ઉંમર 65ની છે. શનિવારે સવારે તબિયત લથડી હતી, વૃદ્ધાને છાતીમાં દુખાવા સાથે ઉલ્ટી થતી હતી. વૃદ્ધાશ્રમના સંચાલકો પ્રવીણસિંહ ઝાલા, સત્યનારાયણભાઇ અગ્રવાલ અને મેનેજર મોહીતભાઇ દુધરેજીયાએ ડૉક્ટરને બોલાવી પ્રાથમિક સારવાર કરાવી હતી, પરંતુ તબિયત વધુ લથડતાં તેઓને રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાની હાલત ગંભીર હોય તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાનું એક જ રટણ છે કે મારે મારા પુત્રો પાસે જવું છે. જો કે વૃદ્ધાશ્રમના સંચાલકોએ તેમના પુત્રને ફોન કરતા વૃદ્ધા સાથે તેમણે કોઈ સંબંધ નથી અને મરી જાય તો અંતિમવિધિ પણ કરી નાખજો એવો જવાબ આપી દીધો હતો.
લલીતાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે, એક પુત્ર ગાંધીનગરમાં એન્જિનિયર છે, બીજો પુત્ર અશોક શાહ રાજકોટમાં રહે છે અને તેના ત્રીજા પુત્રનું નામ જાણવા મળ્યું નથી. પણ વૃદ્ધા અને તેનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ પર રહેતો હતો. કાલાવડ રોડ પરની સંયુક્ત મિલકત અશોક શાહના નામે થયા બાદ ચિત્ર પલ્ટાયું હતું. સાડા પાંચ વર્ષ પહેલા લલિતાબેનને ઘરમાંથી કાઢી મુકાયા હતા. લાચાર વૃદ્ધા મોરબીના વૃદ્ધાશ્રમમાં પાંચ મહિના રહ્યા બાદ છેલ્લા છ મહિનાથી રતનપરના વૃદ્ધાશ્રમમાં રહે છે. વૃદ્ધાશ્રમમાં લલિતાબેન સતત તેમના પુત્ર અશોકનું નામ રટતા રહે છે. અશોકના ઘરે જવા અનેક વખત જીદ પકડતા હતા. ત્યારે વૃદ્ધાશ્રમના કર્મચારીઓ અશોકને ફોન કરી વૃદ્ધાને તેડી જવાનું કહેતા હતા. પરંતુ અશોક ‘મારે કંઇ લેવા દેવા નથી…મૃત્યુ પામે તો તમે સ્મશાને લઇ જજો’ તેમ કહી ફોન કાપી નાખતો હતો. હવે જ્યારે વૃદ્ધ માતાને અશોક શાહની જરૂર છે આવા સમયે પણ મિલકતના મોહમાં ડૂબેલો અશોકની માનવતા મરી પરવાડી હોઈ તેમ વૃદ્ધાશ્રમના સંચાલકોને ફોન પણ કાપી નાખે છે.
હાલ તો આ વૃદ્ધા લલિતાબેન શાહ સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ વોર્ડમાં સારવાર હેઠળ છે. વૃદ્ધાની આંખ ધીમે ધીમે મીંચાઇ રહી છે, છતાં તેને પુત્રના આવવાની આશા છે. અશોક શાહ કદાચ હોસ્પિટલે આવશે ત્યારે આંખ પુરતી ખુલશે પણ નહી, પરંતુ એ પુત્ર આવે છે કે કેમ તેની કોઇ ખાત્રી વૃદ્ધાશ્રમના સંચાલકો આપી શક્યા નહોતા. ભલે પુત્રએ માતાના મોત બાદ અંતિમવિધિ કરી નાખજો જેવા શબ્દો પ્રયોગ કરી પોતાની માનવતા ન દાખવી હોઈ પણ હજુ આ વૃદ્ધ માતા પુત્રની રાહ જોઈ રહી છે. એટલે જ તો કહેવાય છે કે, પુત્ર કપૂત થાય તો પણ મા તે મા જ રહે છે. એક માની આવી દર્દનાક સ્થિતિ જાણી હૈયું ભરાઈ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

