રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો થયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની દુર્દશા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 તારીખે સવારે પ્રભાશંકર પાટીલ નામના 38 વર્ષના દર્દીને બેરહેમીથી પકડીને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ તેની છાતી પર બેસી લાફા મારે છે અને ગાર્ડ તો ખભે બૂટ સાથેનો પગ રાખી દબાવી રહ્યો છે. આ ઘટનાના ત્રણ જ દિવસ બાદ દર્દીનું મોત નીપજ્યું છે.
સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો.પંકજ બૂચ તેમજ રાજકોટના નોડલ અધિકારી રાહુલ ગુપ્તા જણાવે છે કે, દર્દીની માનસિક સ્થિતિ ખરાબ હતી. ડિલિરીયમ કે જેને સરળ ભાષામાં સનેપાત ઉપડ્યો હોવાનું માનસિક વિભાગે અભિપ્રાય આપ્યો હતો. દર્દીએ બાટલા ચઢાવવા માટેની સોય અને નળીઓ ફેંકી હતી અને કપડાં કાઢવા લાગ્યો હતો બીજા દર્દી તેમજ સ્ટાફ પર ઉગ્ર થઈ હુમલો કરે તે પહેલા કાબૂમાં કરી પકડી રાખીને હેલોપેરિડોલ(શાંત કરવાનું ઈન્જેક્શન) અપાયું હતું. માર ન માર્યાનું જ તંત્ર કહી રહ્યું છે પણ વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે લાફા માર્યા હતા.
દર્દીના નાના ભાઈ વિશાલ પાટીલે આક્ષેપ કરી રહ્યો છે કે, તેના ભાઈને કોઇ માનસિક બીમારી ન હતી તે નોકરી કરતો હતો. 6 તારીખે ગિરિરાજ હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન કર્યું ત્યારબાદ પોઝિટિવ આવતા સિવિલમાં લઈ ગયા હતા. 12 તારીખે મોત થયું ત્યારે મોઢા પર ઈજાના નિશાન હતા. મારા ભાઈનું મોત કોરોનાથી નહીં પણ સિવિલમાં બેદર્દીથી થયું છે તેવું વિશાલે અંતમાં જણાવ્યું હતું.
સિવિલના વાઇરલ વિડિયો મુદ્દે સુપરિન્ટેન્ડન્ટની સ્પષ્ટતા
વાઇરલ વિડિયો મુદ્દે સુપરિન્ટેન્ડન્ટ પંકજ બૂચે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ વિડિયો 9 સપ્ટેમ્બરનો હતો. દર્દી પ્રભાશંકર પાટીલ માનસિક રીતે પીડિત હોવાથી પોતાનાં કપડાં અને નાકમાં રાખેલી નળીઓ કાઢી રહ્યો હતો, જેથી તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે વિડિયો અત્યારે વાઇરલ થયો છે એ અંગે સઘન તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે વિડિયો જોવા છતાં સુપરિન્ટેન્ડન્ટે દર્દીને માર માર્યો હોવાની વાતનો ઈનકાર કર્યો છે, જેથી અનેક સવાલો ઊભા થાય છે.
વિડિયોમાં દર્દી પાણી આપો, પાણી આપોની માગ કરી રહ્યો છે
વિડિયોમાં જોવા મળે છે કે એક દર્દી પાણી આપો, પાણી આપો અને મારી નાખો મારી નાખોની બૂમો પાડી રહ્યો છે, જ્યારે સિવિલનો સ્ટાફ તેને માર મારી રહ્યો છે. સ્ટાફના 3થી 4 લોકો દર્દીને તાબે કરતા જોવા મળે છે. એક વ્યક્તિએ તેના બંને હાથ પકડી રાખ્યા હતા અને બીજી વ્યક્તિ માર મારતો જોવા મળ્યો હતો.
મૃતકના ભાઈનો આક્ષેપ: માર મારવાથી મારા ભાઈનુ મોત થયું
દર્દીને માર મારવાનો વીડિયો વાઈરલ થવા મામલે માર ખાનાર દર્દીના ભાઈએ જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બરના મારા મોટા ભાઈનું મૃત્યુ થયુ હતું. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગિરિરાજ દ્વારા સિવિલમાં દાખલ કરવાનું જણાવ્યું હતું. જ્યા મારા મોટભાઈનું મૃત્યુ કોરોનાથી નહીં પણ માર મારથી થયું હતું. મારા ભાઈના મોઢા પર માર મારવાના કારણે કાળા ડાઘ પડી ગયા હતા. આ સાથે જ જણાવ્યુ કે મારો ભાઈ માનસિક અસ્થિર હતો નહીં.
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક દાદાગીરી સામે આવી છે. મૃતક મહિલાના પરિવારજનોએ અંતિમ સંસ્કાર મવડી સ્મશાનમાં કરવા માટે માગ કરી છે, પરંતુ સિવિલના તંત્રએ ના પાડતાં પરિવારજનો અંતિમક્રિયા કરવા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે મહિલાની અંતિમ ઈચ્છા મવડી સ્મશાનમાં અંતિમવિધિ કરવાની હતી, જેથી પરિવારે મવડી સ્મશાનમાં તપાસ કરતાં ત્યાં તેઓ અંતિમક્રિયાની મંજૂરી આપવા તૈયાર છે, પણ હોસ્પિટલનો સ્ટાફ ના પાડતો હોવાથી ગત રાતથી અંતિમવિધિ માટે પરિવારજનો રાહ જોઈને બેઠા છે. આ સાથે જ પરિવારજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
સિવિલ સામે લોકોમાં રોષ જોવા મળ્યો
છેલ્લા 15 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલના એક પછી એક બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વખતે નવેનવું સ્ટ્રેચર તૂટતાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક નવું સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું. હજુ થોડા દિવસ પહેલાં જ સિવિલ હોસ્પિટલમાં પડેલા ખાડાને કારણે એક દર્દીનું સ્ટ્રેચર ખાડામાં ખાબક્યું હતું, ત્યારે આજે ફરી એક વિડિયો સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ સેવા દળે તબીબો સામે ફરિયાદ નોંધાવી
કોરોના વોર્ડમાં દર્દીને માર મારતો વિડિયો વાઇરલ થતાં કોંગ્રેસ સેવા દળે તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રણજિત મૂંધવાએ નિવેદન આપતાં કહ્યું હતું કે રાજ્યસભાના સાંસદ માટે તબીબોની ટીમ આવે અને સામાન્ય દર્દીઓને વોર્ડમાં માર મારવામાં આવે એ યોગ્ય કહેવાય?. હોસ્પિટલમાંથી દર્દીઓનો સામાન, દાગીના ચોરીની ઘટનાઓ પણ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
સિક્યુરિટી ગાર્ડે ખભો બૂટથી દબાવ્યો અને લાફા માર્યા, 3 દિવસથી પછી દર્દીનું મોત
તબીબો કહે છે કે, પ્રભાશંકર પાટીલ નામના આ દર્દીને સનેપાત ઉપડતા ઉગ્ર બન્યો હતો અને નળી તેમજ સોય ખેંચી કાઢી બીજા પર હુમલો કરવાનો હતો, કપડાં કાઢતો હતો એટલે કાબૂમાં કરવા પકડ્યો હતો દર્દીને કાબૂ કર્યા તે સારું કર્યું, જોખમ વધુ હતું. આ જે ઘટના બની છે તેમાં માનસિક રીતે અસ્થિર દર્દીએ ખૂબ ઉગ્ર થઈને પોતાના કપડાં કાઢી બારીએ જવાની કોશિશ કરી હતી જેથી સ્ટાફે કાબૂમાં કર્યા હતા.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, હું ડો. મોનાલીને અભિનંદન આપીશ કે તુરંત જ તેમણે મામલાની ગંભીરતા સમજી પગલાં લીધા નહીંતર આ દર્દી સ્ટાફને મારવા દોડ્યા હતા જો કોઇ અન્યના વેન્ટિલેટર બંધ કર્યા હોત તો જોખમ ખૂબ વધી જાત. ઘણા એવા કેસ આવ્યા છે કે, દારૂ અથવા અન્ય વ્યસન હોય અને પોઝિટિવ આવતા દાખલ કરાય છે.
દર્દી બીજા માટે જોખમ ન ઊભું કરે એટલે કાબૂ કર્યો, તેની કો-મોર્બિડ કંડિશનથી મોત થયું હતું
રાજકોટના કોવિડ નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના તમામ સ્ટાફ અને તબીબો સાથે વાત થઈ છે અને કેસ પેપર પણ મગાવ્યા છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દર્દી પહેલાથી જ ઉગ્ર હતા અને ગંદી ભાષા બોલતા હતા. સવારે વધુ ઉગ્ર થઈને મેડિકલનો સામાન ફગાવી દીધો હતો અને કપડાં કાઢવા લાગ્યા હતા. ટ્રબલશૂટર હેડ ડો.મોનાલી માંકડિયાને જાણ થતા તેઓએ સિક્યુરિટી સ્ટાફ તેમજ માનસિક વિભાગના રેસિડેન્ટને બોલાવ્યા હતા. દર્દીને કાબૂમાં કરવા પકડ્યોહતો મારામારી કરી નથી અને પકડીને બીજાને જોખમ ઊભું ન કરે તે માટે સિડેટ કરવા ઈન્જેક્શન આપ્યું હતું. દર્દીનું મોત થતા ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ પણ મગાવ્યો હતો જેમાં કમિટીએ કહ્યું છે કે, દર્દીની કિડની ડેમેજ હતી, ડાયાબિટીસ તેમજ સેપ્ટિસિમિયા હતું આ બધી કો-મોર્બિડ કંડિશનથી મોત થયું છે.
ભાઈના મોંઢા પર ઇજાનાં કાળાં નિશાન હતાં, તેનું મોત કોરોનાથી નહીં, ખરાબ રીતે મારવાથી થયું મૃતક પ્રભાશંકરના નાના ભાઈ વિશાલ પાટીલે જણાવ્યું કે, પ્રભાકર પાટીલ મારો મોટો ભાઈ છે. આ લોકો કહે છે કે તેની માનસિક સ્થિતિ ખરાબ હતી, તેની માનસિક સ્થિતિ ખરાબ ન હતી તે એચ. જે. માં નોકરી કરતો હતો. ગિરિરાજમાં 6 તારીખ રવિવારે કિડનીનું ઓપરેશન કર્યુ હતું. 8 તારીખે પોઝિટિવ આવ્યો એટલે ગિરિરાજ વાળાએ કહ્યું કે, સિવિલમાં લઈ જાઓ અમારે ત્યાં કોરોનાની સારવાર નથી થતી. સિવિલમાં દાખલ કર્યા પછી ભાઈને બે વાર ફોન કર્યો અને પછી અમારી વાત થઈ નથી. ડોક્ટરને ફોન કર્યો તો કહ્યું કે વાત કરી શકે તેમ નથી તબિયત નોર્મલ છે. 12 તારીખે મોત થયું ત્યારે અમે તેના મોઢા પર કાળા ડાઘ જોયા હતા. અમારા ભાઈનું મોત કોરોનાને કારણે નહીં પણ સિવિલમાં આ બેદર્દીને કારણે થયું છે .
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

