રાજકોટમાં ASI અને તેમની પત્ની દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના બંનેને ભરખી ગયો, આવતા મહિને દીકરીના લગ્ન હતા

મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે. હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી રહ્યો છે. હાલ દંપતીઓનાં એકસાથે મોતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને પગલે પરિવારો વેરવિખેર થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. શહેર પોલીસમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ સબ-ઇન્‍સ્‍પેક્‍ટરનું સોમવારના બપોરે મૃત્‍યુ નીપજ્‍યા બાદ મોડી રાતે તેમનાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એમાં પણ એક મહિના બાદ મૃતક દંપતીની દીકરીના લગ્ન હતા. આ કરુણાંતિકાને કારણે રામનાથપરા પોલીસલાઇનમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

બપોર બાદ પતિ અને રાત્રે પત્નીએ વિદાય લીધી

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બી-ડિવિઝનમાં ફરજ બજાવતાં ASI અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉં.વ.47) કોરોનાથી સંક્રમિત થયા હતા. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો, પરંતુ તબિયત બરાબર થઇ ન હોવાથી સિવિલમાં સારવાર હેઠળ હતા. 19 એપ્રિલના બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસમાં શોક વ્યાપી ગયો હતો. પુત્ર-પરિવારજનો અંતિમવિધિ આટોપીને હજુ આવ્‍યાં હતાં ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે અમૃતભાઇનાં ધર્મપત્‍ની લાભુબહેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના થયો હોવાથી ઘરે જ સારવાર લઈ રહ્યાં હતાં.

સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર

અમૃતભાઇ અને લાભુબહેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્ર સૌથી નાનો છે. ત્રણ ભાઈ-બહેનોએ બાર કલાકના ગાળામાં જ પહેલા પિતા અને પછી માતાને ગુમાવતાં નોધારાં થઈ ગયાં છે. રામનાથપરા પોલીસલાઇનમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. કરુણતા એ છે કે આવતા મહિને એટલે કે 24મી મેના રોજ આ દંપતીની એક દીકરીના લગ્ન લેવાયા હતા, જેના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાં વેરણછેરણ થઈ ગયાં છે.

ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો

ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

માતા-પુત્રનો ભોગ લીધો, સારવારમાં રહેલી 9 વર્ષની દીકરીને ખબર નથી કે પપ્પા અને દાદી આ દુનિયામાં નથી!

કોરોનાની બીજી લહેરે કેટલાય પરિવારના માળા વીંખી નાખ્યા છે. કોરોનાના અજગર ભરડામાં અનેક પરિવાર આવ્યા છે. ત્યારે રાજકોટના રાયચુરા પરિવારમાં કોરોના કાળ બની ત્રાટક્યો અને માતા-પુત્રનો ભોગ લઇ લીધો છે. 9 વર્ષની દીકરી પણ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ આ દીકરીને ખબર નથી કે મારા પપ્પા અને દાદી આ દુનિયામાં નથી. ચાર સભ્યોના ખુશખુશાલ પરિવાર પર કોરોનારૂપી રાક્ષસે કાળચક્ર ફેરવ્યું અને બે સભ્યોનો ભોગ લઇ લીધો છે. આ કરુણ ઘટના રાજકોટના મનીષભાઇ રાયચુરા પરિવારમાં બની ગઇ છે, જેમાં મનીષભાઇ ખુદ અને તેમનાં માતા મીનાબેનનું કોરોનાને કારણે અવસાન થયાં છે. મનીષભાઇની દીકરી ક્રિના 9 વર્ષની છે અને કોરોનાની સારવાર હેઠળ તેને ખબર નથી કે પપ્‍પા અને દાદી દુનિયામાં નથી.

કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો

કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનાં અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે. ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો