રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ખાતે કાર ચાલકે ટોલકર્મીને લમધારી નાખ્યો, વીડિયો વાયરલ

રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર આવેલું ભરુડી ટોલનાકું (Bharudi toll gate) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી હતી. આ ઉપરાંત રાજકોટના પિતા-પુત્રએ ગત વર્ષે ટોલકર્મીને રિવોલ્વર બતાવી હતી.

તાજેતરમાં સામે આવેલો વીડિયો 14મી જાન્યુઆરીનો છે. મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો. આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા છે. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી.

આ બનાવ રાત્રે 10:41 વાગ્યે બન્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક ટોકનાકા ખાતે ઊભો રહે છે. જે બાદમાં તે ટોલબૂથના કર્મચારી સાથે બોલાચાલી કરે છે. જે બાદમાં કાર ચાલક નીચે ઉતરે છે અને ટોલકર્મી જે કેબિનમાં બેઠો હોય છે તેમાં પ્રવેશ કરે છે.

આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થાય છે. કાર ચાલક ટોલકર્મીના માથાના વાળ પકડીને તેને માર મારે છે. તેને લાતો પણ મારે છે. બૂથકર્મીના ગાલ પર તમાચા પણ મારે છે. આ દરમિયાન અન્ય બૂથમાં બેઠેલા લોકો પણ બહાર દોડી આવે છે. અંતે લોકો એકઠા થઈ જતાં કર્મચારીને છોડાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા ખાતે ગત વર્ષે 40 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરીયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢીને ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

આ ટોલનાકા ખાતે ટોલ મુદ્દે અવારનવાર તકરાર થતી રહે છે. આ કારણે જ અહીં અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગત વર્ષે રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ પણ ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. લોકોને આક્ષેપ છે કે અહીં બહારના લોકોને નોકરી પર રાખવામાં આવે છે. આ લોકો ગુજરાતી ભાષા ન સમજતા હોવાથી આવી તકરાર થતી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો