1107 વડીલોને ધાર્મિકયાત્રા કરાવનાર સીતાપુરના રાજેશ પટેલનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં ચમકયું, બે વર્ષમાં 2000 વડીલોને હરિદ્વારની વિનામૂલ્યે યાત્રા કરવાની નેમ

એક વર્ષમાં 1107 સિનિયર સિટીઝન્સને હરિદ્વારની વિનામૂલ્યે ધાર્મિક યાત્રા કરાવનારા બહુચરાજી પાસેના માંડલ તાલુકાના સીતાપુર ગામના યુવાન રાજેશ પટેલનું વરિષ્ઠ નાગરિકો માટે ઉમદાકાર્ય બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ અંકિત થયું છે. તેમને આ સેવાકાર્યમાં નરેશ પટેલનો સહયોગ સાંપડ્યો હતો. આ બંને યુવાનોએ પાટીદાર સમાજના સિનિયર સિટીઝનોને પાંચ દિવસની વિનામૂલ્યે હરિદ્વાર યાત્રા કરાવવાનું છેલ્લા બે વર્ષથી ઉમદાકાર્ય હાથ ધર્યુ છે. જેમાં અત્યાર સુધી 2026 વડીલોના નામ નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી એક વર્ષમાં યોજાયેલી પાંચ યાત્રામાં 1107 વડીલોને લાભ અપાયો છે. બાકીના વડીલોને આગામી 14 ઓક્ટોબર, 10 નવેમ્બર, 25 માર્ચ અને 29 મેના રોજ લઇ જવાશે.

60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને 58 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધાને લાભ

આ યાત્રામાં 58 વર્ષથી ઉપરનાં મહિલા અને 60 વર્ષથી ઉપરના પુરુષને યાત્રા કરાવાય છે. યાત્રા રેલવે દ્વારા અમદાવાદથી હરિદ્વાર અને હરિદ્વાર, ઋષિકેશ માટે બસ અને રિક્ષા દ્વારા યાત્રા કરાવાય છે. યાત્રા દરમિયાન ચા નાસ્તો, જમવા સહિતનું ખાસ ધ્યાન રખાય છે. રેલવેમાં સુવાની સુવિધા સાથેનું રિઝર્વેશન કરાવાય છે.

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે પણ એન્ટ્રી કરાવાઇ

આ સામાજિક કાર્યની જાણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડને 16 ઓગસ્ટ, 2019ના હરિદ્વાર પ્રવાસમાં થઈ હતી. ત્યાર બાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમે સમગ્ર હરિદ્વાર યાત્રાની માહિતીની બુકિંગથી લઇને ટિકિટ, ભોજન વ્યવસ્થા, ખર્ચ સહિતની વિગતો તેમજ યાત્રામાં જોડાયેલા વડીલો સાથે વાતચીત કર્યા બાદ રાજેશ પટેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડમેડલ અને સર્ટિફિકેટ અપાયું છે. આ સાથે આવા સામાજિક કાર્ય માટે લોકોમાં ઉત્સાહ વધે તે માટે આ કાર્યને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે પણ એન્ટ્રી કરાવાઇ છે. આ સામાજિક કાર્યને બોતેર કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટભાઇ પટેલ સહિતે બિરદાવ્યું હતું.

આ પવિત્ર ધામોની યાત્રા કરાવે છે આ યુવાનો

હરિદ્વારમાં ગંગા આરતી, મનશાદેવી, ભારતમાતા મંદિર, વૈષ્ણવ દેવી માતા મંદિર, સિસમહેલ, બિલકેશ્વર મહાદેવ, દક્ષ મંદિર, શીતળા માતા મંદિર, શાંતિકુંજ, કંખલ, રામઝુલા, લક્ષ્મણ ઝુલા, હરકીપેડી, મોક્ષઘાટ, પરમાનંદ ઘાટ, ગીતાભવન, રુદ્રાક્ષ મંદિર, પાયલોટ બાબા વગેરે ધાર્મિક જગ્યાએ યાત્રા કરાવાય છે.

(તસવીર અને માહિતી: હર્ષદ પટેલ, મહેસાણા)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો