નાગરિકતા સુધારા કાયદો ભારતમાં જન્મેલા મુસ્લિમો વિરુદ્ધ નથી, છતાં તેનો વિરોધ કેમ થાય છે : રાજ ઠાકરે

નાગરિકતા સુધારા કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના વિરોધમાં દેશભરમાં થયેલા પ્રદર્શનોની ટીકા કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ કહ્યું છે કે આ કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો વિરુદ્ધ નથી તે છતાં શા માટે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ સમજાતું નથી. આ લોકો કોને તાકાત દેખાડી રહ્યા છે? જો હવે આવાં નાટક થશે તો પથ્થરનો પથ્થરથી અને તલવારનો તલવારથી ઉત્તર આપવામાં આવશે.

દેશમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર હાંકી કાઢવાની માગણી સાથે રવિવારે મનસે દ્વારા મુંબઈમાં વિરાટ મોરચાનું આયોજન કરાયું હતું અને મરીન ડ્રાઈવ પર હિન્દુ જીમખાનાથી આ મોરચો આઝાદ મેદાન પહોંચ્યો હતો અને એમાં મહારાષ્ટ્રના ખૂણેખૂણેથી આવેલા આશરે એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ મોરચામાં ભાગ લેતાં પહેલાં રાજ ઠાકરે તેમના પત્ની શર્મિલા અને પુત્ર અમિત સાથે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ગયાં હતાં અને આરતી કરી હતી

આઝાદ મેદાનમાં મોરચાને સંબોધતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અનેક પેઢીઓથી રહેતા મુસલમાનો પ્રામાણિક છે, તેઓ જ્યાં રહે છે ત્યાં તોફાન થતાં નથી. જે મુસ્લિમો CAAનો વિરોધ કરે છે તેમને કાયદાનો અર્થ સમજાયો નથી. જન્મથી જ અહીં રહેનારને કોઈ કાઢવાનું નથી તો પછી પ્રદર્શનો કરીને કોને તાકાત બતાવવામાં આવે છે એવો સવાલ રાજ ઠાકરેએ પૂછયો હતો.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે CAAમાં કંઈ ખોટું નથી. ૧૯૫૫માં બનેલા કાયદામાં સમયાંતરે સુધારા કરવામાં આવવા જ જોઈએ. માત્ર પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓનો ત્રાસ નથી, મીરા ભાઈંદરમાં નાઇજીરિયનોની ઘૂસણખોરીથી લોકો હેરાન પરેશાન છે. આપણો દેશ કંઈ ધર્મશાળા નથી. પરદેશમાં ઘૂસણખોરોને આશરો અપાતો નથી તો પછી માણસાઈનો ઠેકો શું એકલા ભારતે લીધો છે? એવો સવાલ તેમણે પૂછયો હતો.

ઘૂસણખોરોને ઓળખીને દેશમાંથી ખદેડી કાઢો

રાજ ઠાકરેએ કહ્યું હતું કે દેશની આર્થિક પરિસ્થિતિ વિશે લોકોનું લક્ષ જાય નહીં એ માટે આવા કાયદા લાવવામાં આવતા હોય તો એ ખોટું છે. કેન્દ્ર સરકારે આવા કાયદાની અસરકારક રીતે અમલ બજવણી કરવી જોઈએ.

જોકે મનસેએ સ્પષ્ટ કર્યું હતું કે આ મોરચો CAA અને NRCના સમર્થનમાં નથી પણ દેશમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના વિરોધમાં છે. પાર્ટીએ આ મોરચાના પ્રોમોમાં જણાવ્યું હતું કે ભારત મારો દેશ છે, તમામ ભારતીય મારા ભાઈ-બહેન છે પણ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો મારા ભાઈ-બહેન નથી અને તેઓ ભારતીય નથી. મનસેએ માગણી કરી છે કે દેશમાં રહેતા ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશમાંથી ખદેડી મૂકવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો