શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ: વડોદરાની વાયદપુરાની શાળામાં શાકવાડીનો ઉછેર કરી બાળકોને આપે છે પોષણયુક્ત આહાર, બે દાયકામાં 11 હજાર કિલો શાકભાજી ઉછેરી

આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણને વેગ આપવાનો પ્રયોગ અમલી કરાવ્યો હતો. લગભગ તેનાથી પણ પહેલા અને એક સ્વયં પહેલના રૂપમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં યુવા શિક્ષક દંપતી નરેન્દ્રભાઇ અને સુષ્માબહેને શાળા પાસે ઉપલબ્ધ જગ્યામાં શાકનો બગીચો ઉછેરીને વિવિધ પ્રકારના મોસમી શાકોથી બાળ ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાનો દિશાદર્શક પ્રયોગ શરૂ કર્યો હતો.

હાલમાં આ પ્રયોગને 20 વર્ષ એટલે કે, બે દાયકા પુરા થયા છે અને આ શિક્ષક દંપતીએ સૌના સહયોગથી શાળામાં જ ઉછેરેલા શાકભાજી દ્વારા બાળ પોષણનું અનોખું અભિયાન સતત ચાલુ રાખ્યું છે. કોરોના કાળમાં જ્યારે બાળકો શાળામાં આવતા ન હતા, ત્યારે ઉછેરેલા શાકભાજી તેમના ઘેર પહોંચાડીને પણ અભિયાનને તેમણે આગળ ધપાવ્યું હતું અને જે નવા શિક્ષકો શાળામાં આવ્યા એ તમામે આ પ્રયોગમાં સહયોગ આપ્યો છે.

બે દાયકા પહેલાના સમયને યાદ કરતાં નરેન્દ્રભાઇ જણાવે છે કે, ત્યારે શાળા પાસે જગ્યા હતી અને મને બાળકોની મદદથી ચોમાસાં અને શિયાળામાં શાકભાજી ઉછેરી બાળ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝ્યો, ત્યારે પાણીની ખાસ સુવિધા પણ અમારી પાસે ન હતી. તેમ છતાં આ વિચાર અમલમાં મૂક્યો.

બારેમાસ શાકભાજી ઉછેરે છે
આજે તો વાડીનું રક્ષણ થાય તેવી દીવાલ છે. દાતાઓના સહયોગથી પાણીના બોરની વ્યવસ્થા થઈ છે. ગામ લોકો પોતાના ટ્રેકટરની મદદ થી જમીન ખેડી આપે છે. બિયારણ મેળવવામાં મદદરૂપ બને છે. શાકભાજી વધતા ઓછા પ્રમાણમાં લગભગ બારેમાસ ઉછેરીએ છે. હું આ પ્રયોગની સફળતામાં યોગદાન આપનારા મારા અન્ય શિક્ષક મિત્રો, દાતાઓ અને ગ્રામજનો સૌનો દિલ થી આભાર માનું છું.

શાકભાજીનો અંદાજિત હિસાબ પણ આ ઉત્સાહી આચાર્યએ રાખ્યો છે
બાળકોમાં મોટેભાગે શાકભાજી ખાવાની બાબતમાં અરુચિ કે કોચરાઇ જોવા મળે છે. એટલે તેઓ શાકભાજી ઉમેરીને દાળ, મુઠીયા જેવી વાનગીઓ બનાવે છે જે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ખાય છે. મોસમમાં એક બે વાર ઊંધિયા પાર્ટી યોજવામાં આવે છે. જરૂર હોય ત્યાં પોતાના ખિસ્સામાંથી પણ ખર્ચ કરે છે. શાળામાં મોટેભાગે ખૂબ ગરીબ પરિવારોના બાળકો ભણે છે. આ પ્રયોગથી તેમની થાળીમાં સ્વાદ અને પોષણની વિવિધતા ઉમેરાઈ છે અને શાક ખાવાના ભોજન સંસ્કારનું અમે સિંચન કરી શક્યા તેનો અમને આનંદ છે. શાળાની વાડીમાં અત્યાર સુધીના 20 વર્ષમાં ઉત્પાદિત શાકભાજીનો અંદાજિત હિસાબ પણ આ ઉત્સાહી આચાર્યએ રાખ્યો છે.

તમામ પ્રકારના શાકભાજી ઉગાડે છે
તેઓ જણાવે છે કે, અમારી વાડીમાં અમે મોસમ પ્રમાણે પાલક, મેથી, મૂળા, ગાજર, બીટ, ધાણા, લસણ, મરચાં, રીંગણ, ટામેટાં, દૂધી, ગલકા,તુવેર,પાપડી, ફલાવર, કોબીજ, લીલી ડુંગળી સહિતના શાકભાજી ઊછેરીએ છે. લાલ અને ગોળ મૂળા જેવી આકર્ષક શાકભાજી અમે ઉગાડી છે. તેના લીધે ભોજનમાં શાકની સાથે વિવિધ પ્રકારની ચટણીઓ અને સલાડની વિવિધતા તેઓ ઉમેરી શક્યા છે.

20 વર્ષમાં 11 હજાર કિલો શાકભાજી ઉછેરી
તેમના અંદાજ પ્રમાણે શાળાના મધ્યાહન ભોજનમાં અને આંગણવાડીમાં પીરસાતી વાનગીઓમાં 20 વર્ષ દરમિયાન લગભગ 11 હજાર કિલોગ્રામ, શાળા શાકવાડીમાં ઉગાડેલા વિવિધ પ્રકારના મોસમી શાકભાજીનો ઉપયોગ કર્યો છે. એક કિલોની કિંમત સરેરાશ રૂ.30 મૂકીએ તો આ પ્રયોગ હેઠળ લગભગ રૂ.3.30 લાખથી વધુ કિંમતની શાકભાજી બાળકોની ભૂખ અને પોષણ આવશ્યકતા સંતોષવામાં ઉપયોગમાં લેવાઈ છે. લગભગ 1 હજાર કિલોગ્રામ શાકભાજી બાળકોના ઘેર અને દાતાઓ અને શુભેચ્છકોને સૌજન્યના રૂપમાં પહોંચાડી છે.તેમની આ વાડી રાજ્યસ્તરે ધ્યાન ખેંચનારી બની છે અને સાથી શિક્ષકો અને પ્રતિનિધિ મંડળોએ તેની મુલાકાત લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો