સૌરાષ્ટ્રના અનેક પંથકમાં કમોસમી વરસાદ, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા.

સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી ઝાપટા

ખાંભા પંથકમાં પણ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. સાંવરકુંડલાના વીજપડી, ભમ્મર, ધાડલા અને ચીખલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળતા ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રાજુલાના વાવેરા ગામે ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજુલાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

વરસાદ પડવાનું કારણ

ભર ઉનાળે વતાવારણમાં થયેલા ફેરફાર પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ ઈરાન અને પાકિસ્તાનના રસ્તે ઉત્તર પશ્ચિમી ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટબેન્સને કારણે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે.

એક નહીં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ

ભારતીય હવામાન ખાતાની માહિતી અનુસાર વાતાવરણમાં આવેલો પલટો વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે થયો છે તે એક નહીં પરતું 3 વેસ્ટર્ન ડિસ્ટબન્સ પશ્ચિમ ભારતમાં પોતાની અસર દેખાડી રહ્યું છે જેનો પ્રભાવ પહાડોથી લઈને ખુલ્લા મેદાન સુધી જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસમાં પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાનમાં ઘણી જગ્યા પર ઘૂળની આંધીઓ સાથે વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો