ઘરબાર અને પત્નીના દાગીના વેચીને આ માણસ વહેંચે છે હેલ્મેટ, અત્યાર સુધી 48000 હેલમેટ વહેંચ્યા, કોઈનો અકસ્માતને જીવ ન જાય એજ પ્રયાસ

મિત્રનું અકસ્માતમાં મોત થયું અને બીજો મિત્ર સેવાનો ભેખ લઈ બેઠો. આપણે વાત કરવી છે હેલ્મેટ મેનની. હા બિહારનો એ અદનો આદમી અત્યાર સુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ મફતમાં વહેંચી ચૂક્યો છે. જેની કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે.

બિહારના કેમુર જિલ્લાના એક નાનકડા ગામ બગાઢીના રહેવાસી રાઘવેન્દ્ર કુમાર દેશભરમાં અત્યારસુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ ફ્રીમાં વહેંચી ચૂક્યા છે. 2014માં થયેલા એક બાઈક અકસ્માતમાં તેમણે પોતાના ખાસ મિત્રને ગુમાવ્યા. એ બાદ તેમણે ફ્રીમાં હેલ્મેટ વહેંચવાનું શરૂ કર્યું. તેમનો હેતુ છે કે તેમના મિત્રની જેમ અન્ય કોઈનું મોત હેલ્મેટને કારણે ન થવું જોઈએ.

રાઘવેન્દ્ર જણાવે છે કે ‘આ સફર એટલી સહેલી ન હતી. પોતાના મિશન માટે પહેલા તેમણે પોતાની નોકરી છોડવી પડી. થોડા સમય પછી જ્યારે હેલ્મેટ ખરીદવા માટે વધુ પૈસાની જરૂરિયાત ઊભી થઈ તો તેમણે પહેલા પોતાના પત્નીના ઘરેણાં અને પછી પોતાનું ઘર પણ વેચી દીધું.’

રાઘવેન્દ્રના કામ માટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી પણ તેમની પ્રશંસા કરી ચૂક્યા છે. તો રાઘવેન્દ્રના આ નિઃસ્વાર્થ કામથી પ્રભાવિત થઈને બિહાર સરકારે પણ તેમને સન્માનિત કર્યા છે અને ‘હેલ્મેટમેન’નું ટાઈટલ આપ્યું છે.

સામાન્ય પરિવારના રાઘવેન્દ્ર જણાવે છે કે ‘હું મારા 4 ભાઈમાં સૌથી નાનો છું. પિતા ખેતીવાડી કરીને ઘર ચલાવતા હતા, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેમ છતાં મને સ્કૂલમાં મોકલ્યો, પરંતુ 12મા પછી મુશ્કેલી વધી ગઈ. પરિવારની પાસે એટલા પૈસા ન હતા કે આગળ ભણાવી શકે. એવામાં મેં વારાણસી જવાનો નિર્ણય કર્યો. ત્યાં 5 વર્ષ સુધી મેં નાની-મોટી નોકરી કરી અને અભ્યાસ માટે પૈસા ભેગા કરવા લાગ્યો.’

રાઘવેન્દ્ર કહ્યું, ‘2009માં જ્યારે હું લૉનો અભ્યાસ કરવા દિલ્હી ગયો ત્યારે ત્યાં મારા કેટલાક મિત્રો બન્યા, જેમાંથી એક હતો કૃષ્ણ કુમાર ઠાકુર. કૃષ્ણ એન્જિનિયરિંગ કરતો હતો. અમારા ડિપાર્ટમેન્ટ અલગ હતા, પરંતુ હોસ્ટેલમાં અમે સાથે જ રહેતા હતા. 2014માં જ્યારે તે ગ્રેટર નોયડા એક્સપ્રેસ-વે પર હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો હતો ત્યારે એક અકસ્માતમાં માથામાં ઈજા થવાથી તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ મને હચમચાવી નાખ્યો.’ ‘હોસ્પિટલમાં કૃષ્ણ કુમારના મોત પછી ડોકટર સાથે મારી વાત થઈ, તો તેમણે કહ્યું કે જો તારા મિત્રએ હેલ્મેટ પહેરી હોત તો લગભગ બચી ગયો હોત. આ વાતે મને વિચારવા પર મજબૂર બનાવી દીધો. એ બાદ મેં નક્કી કર્યું કે હવે હું મારા મિત્રની જેમ કોઈ બીજાને મરવા નહીં દઉં. એ બાદ મેં એક માર્ગ સુરક્ષા અભિયાનનો પ્રારંભ કર્યો, જે અંતર્ગત હું કોઈપણ ચોક પર ઊભો રહીને ટૂ-વ્હીલર વાહનચાલકોને નિઃશુલ્ક હેલ્મેટ વહેંચતો હતો.’

રાઘવેન્દ્ર જણાવે છે કે ‘જ્યારે હું મારા મિત્રનાં માતા-પિતાને મળવા ગયો, તો તેનાં કેટલાંક પુસ્તકો મારી સાથે લઈ ગયો હતો. એ પુસ્તકો મેં એક જરૂરિયાતમંદને આપી દીધાં હતાં. એ પછી હું હેલ્મેટ વહેંચવાના કામમાં લાગી ગયો. 2017માં મને એક કોલ આવ્યો, આ કોલ તે છોકરાની માતાનો હતો, જેને મેં કૃષ્ણનાં પુસ્તકો આપ્યાં હતાં. તેમણે જણાવ્યું કે મારા દ્વારા આપવામાં આવેલાં પુસ્તકની મદદથી તેમનો પુત્ર ન માત્ર સારી રીતે ભણી શક્યો, પરંતુ તેને સ્કૂલમાં ટોપ પણ કર્યું. એ છોકરાની માતાની વાત સાંભળીને મારા દિલને ઘણી જ શાંતિ મળી.’ એ પછી રાઘવેન્દ્રએ નક્કી કરી લીધું કે જો દરેક જરૂરિયાતમંદને યોગ્ય સમયે પુસ્તકો મળતાં રહે તો તે વાત ચોક્કસ છે કે મોટો ફેકફાર લાવી શકાય છે. બાદમાં તેમણે પોતાના આ વિચારને એક મોટા અભિયાનનું સ્વરૂપ આપી દીધું અને સંકલ્પ કર્યો કે હવે તેઓ હેલ્મેટ મફતમાં નહીં, પરંતુ પુસ્તકોને બદલે આપશે. આ રીતે વર્ષ 2017માં તેમણે પોતાના આ અભિયાનને વધુ એક સારા કામ સાથે જોડી દીધું.

રાઘવેન્દ્ર જણાવે છે કે ‘જે પણ લોકો મને જૂનાં પુસ્તકો આપે છે હું બદલામાં તેમને હેલ્મેટ આપુ છું. એ પછી આ પુસ્તકને હું જરૂરિયાતમંદોને આપું છું. સૌથી સારી વાત એ છે કે હવે મારા આ અભિયાન સાથે સ્કૂલ-કોલેજના છાત્રો પણ જોડાવા લાગ્યા છે. આ ઉપરાંત અમે લગભગ 40થી વધુ શહેરોમાં ‘બુક ડોનેશન બોક્સ’ પણ લગાવ્યા છે, જે કોઈપણ શહેરમાં જરૂરિયાતવાળા લોકોની મદદ કરવા ઈચ્છે છે, તેઓ આ બોક્સમાં પુસ્તક મૂકી જાય છે.’આજે તેની સાથે અલગ-અલગ જગ્યાએ 200થી વધુ લોકો જોડાય ગયા છે અને આ અભિયાનમાં તેમને સાથ આપી રહ્યા છે. તેની મદદથી તેઓ અત્યારસુધીમાં 6 લાખ બાળકો સુધી નિઃશુલ્ક પુસ્તકો પહોંચાડી ચૂક્યાં છે.

રાઘવેન્દ્રનો કહે છે, ‘મારો પ્રયાસ છે કે એવો કોઈ નિયમ બને, જેથી હેલ્મેટ વગર કોઈપણ શખસ ટોલ પ્લાઝા પાર જ ન કરી શકે. જો આપણે સમગ્ર દેશમાં આવું કરી શકીએ તો નિશ્ચિત રૂપે લોકોની માનસિકતામાં બદલાવ આવશે. મારી અરજ છે કે ભલે 50 મીટર દૂર જાઓ કે 50 કિલોમીટર, હેલ્મેટ પહેરીને જ બાઈક ચલાવો. એક્સિડન્ટ ક્યારેય કોઈને આગોતરી જાણ કરીને નથી થતા. મારી ગાડીની પાછળ પણ મેસેજ લખ્યો છે કે યમરાજે મોકલ્યો છે બચાવવા માટે, ઉપર જગ્યા નથી જવા માટે.’

હેલમેટ સાથે વીમો પણ આપે છે

હવે પોતાના અભિયાનમાં એક ડગલું આગળ વધારતા રાઘવેન્દ્રએ હેલ્મેટની સાથે 5 લાખ રૂપિયાનો ફ્રી દૂર્ઘટના વીમો આપવાનું પણ શરૂ કર્યું છે. તેમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ કંપની તેમની મદદ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો