હેલ્મેટના નિયમમાં રાહત મળી, હવે શોભાના ગાંઠિયા સમાન PUC વિશે પણ કંઈક વિચારો. શું પીયુસીના કાયદાની કોઈ જરુર છે ખરી?

રુપાણી સરકારે જનાક્રોશને ધ્યાનમાં લઈ શહેરી વિસ્તારોમાંથી હેલ્મેટના કાયદાને દૂર કરી દીધો છે. એટલે કે, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રુપિયા દંડ ભરવો પડશે નહીં. આમ તો, હેલ્મેટનો કાયદો લોકોની જ સુરક્ષા માટે છે, પરંતુ થોડા દિવસો પહેલા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાની જાહેરાત કરનારી સરકાર અચાનક કેમ બેકફુટ પર આવી ગઈ તે પણ વિચાર માગી લેતો મુદ્દો છે.

આમ તો ગુજરાત માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુમાં ચિંતા ઉપજાવે તેવો રેકોર્ડ ધરાવે છે. વળી, હેલ્મેટ પહેર્યું ન હોવાના કારણે થતાં મોતનું પ્રમાણ રાજ્યમાં ખૂબ જ ઉંચું છે. તેમ છતાંય સરકારે હેલ્મેટના કાયદામાં છૂટ આપી છે. જો કે જે કાયદાનો ભાગ્યે જ કશોય અર્થ સરે છે તેવા PUCની બલામાંથી પ્રજાને કોઈ રાહત નથી મળી. નવાઈની વાત એ છે કે, હેલ્મેટ કરતાં પીયુસી ન હોય તો ડબલ એટલે કે એક હજાર રુપિયા દંડ આપવો પડે છે, પરંતુ પીયુસી ફરજિયાત હોવા છતાં પ્રદૂષણ ઘટે છે કે કેમ તે એક મોટો સવાલ છે.

શિયાળો આવતા જ પ્રદૂષણની સમસ્યા વધુ વકરે છે. સમાચારોમાં ભલે દિલ્હીના પ્રદૂષણની જ વાતો વધારે થયા કરે, પરંતુ અમદાવાદ સહિતના ગુજરાતના ઘણા શહેર પ્રદૂષણના મામલે દિલ્હીથી ખાસ પાછળ નથી. તેમાંય આ વર્ષે તો શહેરના બોપલ વિસ્તારમાં કચરાનો ડુંગર આવેલો છે તેવા પિરાણા વિસ્તાર જેટલું જ પ્રદૂષણ હોવાના આંકડા ખરેખર ચિંતા ઉપજાવનારા અને ત્વરિત ઉકેલ માગી લે તેવા છે, પરંતુ પીયુસી તેનો ઓપ્શન ભાગ્યે જ હોઈ શકે.

અમદાવાદના રસ્તા પર આજેય જાણે મચ્છર મારવાની દવાનો છંટકાવ કરતી હોય તેવો ધૂમાડો કાઢતી સીએનજી રિક્ષાને જોઈને કોઈપણ અમદાવાદી એ વિચારે છે કે સાલું પ્રદૂષણ ઘટાડવા સીએનજી રિક્ષાઓ ફરજિયાત કરાઈ, અને જો આ રિક્ષા જ આટલું પ્રદૂષણ ફેલાવતી હોય તો પછી સીએનજીનો મતલબ શું છે? બેફામ ધૂમાડા કાઢતી સીએનજી રિક્ષાનું પીયુસી હશે કે કેમ તે સવાલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય માણસને કાયદાનો દંડો બતાવતી ટ્રાફિક પોલીસે આજ સુધી ડુપ્લિકેટ ઓઈલને કારણે પ્રદૂષણ ફેલાવતી રિક્ષાઓ અને આવું ઓઈલ ફુટપાથ પર વેચનારા લોકો પર ઘોંસ બોલાવી હોય તેવો કોઈ કેસ હજુ સુધી તો ધ્યાને નથી આવ્યો.

બીજી એક મહત્વની વાત, પીયુસી સેન્ટર પર તમે ગમે તેવું વાહન લઈને જાઓ, તે વધુ પ્રદૂષણ કરે છે તેથી તેને પીયુસી ન આપી શકાય તેવું કહેનારો તમને કોઈ ભાગ્યે જ મળશે. ટૂંકમાં, પીયુસીથી ખરેખર તેના વિશે જે અનુમાન કરવામાં આવે છે તેવો અર્થ સરે છે કે કેમ તે અંગે વિગતવાર અભ્યાસ કરાવીને સરકાર આ કાયદામાંથી પણ પ્રજાને જો શક્ય હોય તો મુક્તિ આપે તો કદાચ વધારે સારું રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો