ઘોર બેદરકારી: રાજકોટ સિવિલે કોરોનાગ્રસ્ત મહિલાનો મૃતદેહ આપ્યો પણ સોનાનો ચેઇન, માળા, નાકની ચૂક અને રોકડ રૂપિયા ન આપ્યા, પરિવારનો આક્ષેપ
સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, પ્રૌઢાએ પહેરેલા સોનાના દાગીના અને રોકડ સાથેનું તેનું પર્સ મૃતદેહની સાથે પરિવારજનોને આપવામાં આવ્યા નહોતા અને શોધી આપીશું તેવા જવાબો આપી પરિવારજનોને રવાના કરી દેવાયા હતા. આ મામલાને બે દિવસ વીતી જવા છતાં સોનાના દાગીના પરત નહીં મળતા અંતે મૃતકના પરિવારજનોએ પોલીસનું શરણું લીધું હતું.
હંસરાજનગરમાં રહેતા મીનાબેન જિતેન્દ્રભાઇ હાથી (ઉ.વ.67)ને ગત તા.2ના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કોરોનાગ્રસ્ત મીનાબેનની સ્થિતિ સારવાર દરમિયાન સારી હતી અને તેઓ પોતાની પાસે રહેલા મોબાઇલથી પરિવારજનો સાથે વીડિયો કોલમાં વાતચીત પણ કરતા હતા, પરંતુ તા.5ના તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઇ જતાં તેમનો મોબાઇલ બંધ કરી દેવામાં આવ્યો હતો, તા.7ના સવારે 11 વાગ્યે મીનાબેનનું મૃત્યુ થયાની હોસ્પિટલ સ્ટાફ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તા.8ના સવારે 4 વાગ્યે અંતિમવિધિ માટે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
મૃતક મીનાબેનના ભત્રીજા ગાયકવાડીમાં રહેતા ભાવિક પંકજભાઇ હાથીએ આક્ષેપ કર્યો હતો કે, તેના કાકી મીનાબેન હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે સોનાનો ચેઇન, મગમાળા, નાકની ચૂંક પહેરી હતી, તેમજ તેમની પાસે રોકડા રૂ.4 હજાર સાથેનું પર્સ હતું, હાથી પરિવારે મૃતદેહ સંભાળ્યો આ અંગે જેતે સમયે પૃચ્છા કરતાં કોવિડ કન્ટ્રોલરૂમના સ્ટાફે વોર્ડ ઇન્ચાર્જ વિજય વાઘેલા તપાસ કરીને આપી દેશે, હાલમાં અંતિમવિધિ કરાવી નાખો તેવો જવાબ મળ્યો હતો, હાથી પરિવારે મીનાબેનની અંતિમવિધિ કરી હતી અને બીજા દિવસે દાગીના અને રોકડ સાથેના પર્સની પૃચ્છા કરવા ગયા ત્યારે કોવિડ કન્ટ્રોલરૂમમાંથી યોગ્ય જવાબ મળ્યો નહોતો અને બે દિવસ ધક્કા ખાવા છતાં હાથી પરિવારને મૃતકના દાગીના મળ્યા નહોતા આ અંગે પોલીસમાં અરજી કરાઈ છે.
મૃતકના ભત્રીજા સિવિલ હોસ્પિટલના ધક્કા ખાય છે
મીનાબેન હાથી નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા 8 એપ્રિલે તેનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. ત્યારે મહિલા પહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા ગુમ હતા તેવો આક્ષેપ પરિવારે કર્યો છે. મીનાબેનનો ભત્રીજો છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલને રજુઆત કરવા માટે ધક્કા ખાય રહ્યો છે. પરંતુ કોઇ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહના રજીસ્ટ્રારમાં પણ સોનાના દાગીના ગુમ હોવાની એન્ટ્રી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
2 એપ્રિલે મીનાબેનને દાખલ કર્યા
મીનાબેનના ભત્રીજા ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલે અમે મીનાબેનને દાખલ કર્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતા 8 એપ્રિલના રોજ અમને સવારે આઠ વાગ્યાની આસપાસ ડેડબોડી સોંપી હતી. કંટ્રોલમાં રાહુભાઇ કરીને છે તેને પૂછ્યું હતું કે, મીનાબેન પાસે એક પાકીટ હતું. તે પાકીટમાં સોનાનો ચેઇન, સોનાની એક માળા, નાકની ચૂક, મોબાઇલ, ATM કાર્ડ અને આધારકાર્ડ પણ હતું. ત્યારે રાહુલભાઇ કહ્યું હતું કે, કાલે આવો તમારી જે વસ્તુઓ ગુમ છે તે મળી જશે.
પાંચ ધક્કા ખાધા પણ પાકીટ મળ્યું નહીં
બીજા દિવસે હું સિવિલ ગયો તો એવું કહ્યું કે, જે ભાઇ પાસે તમારી વસ્તુ છે તે આજે નથી આવ્યા. કાલે હું પાંચ ધક્કા ખાય ચૂક્યો છું. આજે પણ ત્રણ વખત આવ્યો હતો. અત્યારે પૂછ્યું તો સ્ટાફે કહ્યું 17 નંબરમાં ફરિયાદ આપી દ્યો. જો વસ્તુ મળશે તો આપીશું. આ અંગે હુ પોલીસ ફરિયાદ પણ કરવાનો છું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

