આધાર સાથે પ્રોપર્ટીને કરાશે લિંક, દેશમાં પ્રથમવાર સંપત્તિ, માલિકીનું મોડલ કાયદો બનશે

સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો છે. પાંચ સભ્યોની તજજ્ઞ સમિતિ પણ બની ચૂકી છે. તે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન સાથે જોડાયેલા મામલા રાજ્યોના અધિકાર હેઠળ છે આથી કેન્દ્ર મોડલ કાયદો ઘડી રાજ્યોને આપશે. 19 રાજ્યોમાં એનડીએ સરકાર છે. શક્ય છે કે મોટાભાગના રાજ્યોમાં કાયદો લાગુ થઈ જશે. નવા કાયદાથી સંપત્તિના ખરીદ-વેચાણમાં થતી છેતરપિંડી અટકશે. બેનામી સંપત્તિનો પણ ખ્યાલ આવશે. જે વ્યક્તિ સ્થાવર સંપત્તિને આધાર સાથે લિંક કરાવશે તેની સંપત્તિ પર કબજો હશે તો તે છોડાવવાની જવાબદારી સરકારની રહેશે અથવા સરકાર વળતર આપશે. આધાર લિંક નહીં હોય તો સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.
નવા મોડલ કાયદાથી થનારા ફાયદા અંગે તમે જે કંઈ જાણવા માગો છો તે બધુ જ

માલિકીની પ્રક્રિયા શું હશે?

રજિસ્ટ્રાર ઓફિસ જઈ પ્લોટ નંબરને આધાર સાથે જોડી ટાઈટલ જનરેટ કરવાનું રહેશે. પછી તે આધાર સાથે લિંક કરવું પડશે.

અત્યારે શું વ્યવસ્થા છે?

જમીન સાથે જોડાયેલા કોઈ વિવાદ હોય તો પોતે જ માલિકી હક સાબિત કરવો પડે છે.
માત્ર દસ્તાવેજના આધારે નોંધણી થાય છે
ખરીદ-વેચાણ સમયે બંને પક્ષોમાં શું શરત નક્કી થઈ તે અંગે સરકાર કોઈ ગેરંટી લેતી નથી

આગળ શું વ્યવસ્થા હશે?

 • નોંધણીની માલિકી સ્થાપિત થયા પછી આ સરકાર જમીનની માલિકીની ગેરંટી લેશે
 • સરકાર ખરીદ-વેચાણ શરતોની તપાસ કરશે
 • સંપત્તિ પર કોઈનો કબજો હશે તો તેને ખાલી કરાવવા કે વળતરની જવાબદારી સરકારની રહેશે
 • જમીનનો રેકોર્ડ અપડેટ થશે, જો કોઈ અડધી સંપત્તિ વેચશે તો પણ નોંધણી થતાં રેકોર્ડ આપોઆપ અપડેટ થઈ જશે
 • બાયોમેટ્રિક દ્વારા ઘરબેઠા જ સંપત્તિ વેચી શકશો પરંતુ નોંધણીમાં એક મહિનાનો સમય લાગશે

નવો કાયદો કેવી રીતે લાગુ પડશે?

બે રીત છે. પ્રથમ – ઇન્ક્રીમેન્ટલ એટલે કે વેચતા સમયે કે ટ્રાન્સફર થતા સમયે આધાર લિંક થશે
બીજુ – જિલ્લાવાર લાગુ કરી શકાશે

પ્રોપર્ટી માલિકને શું ફાયદો થશે?

 • પ્રોપર્ટીની છેતરપિંડીને અવકાશ નહીં રહે.
 • પ્રોપર્ટી માલિકને ગેરકાયદે કબજા સામે સુરક્ષા મળશે.
 • લેન્ડ ટાઇટલ કરાવવા પર સરળતાથી લોન મળશે.
 • જમીન સંબંધી કાનૂની સહાય માટે સિંગલ વિન્ડો હશે.
 • ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લેનારા ઓળખાઇ જશે.

સરકારને કેવી રીતે ફાયદો થશે?

 • પ્રોપર્ટીની માહિતી પારદર્શક બનશે. પ્રોપર્ટી માલિક અને પ્રોપર્ટી સંબંધી માહિતી રિયલ ટાઇમ અપડેટ થશે.
 • પ્રોપર્ટી અંગેના કેસો ઘટશે, કેમ કે આધાર સાથે લિન્ક થયા બાદ તપાસ ઘણી સરળ બની જશે.
 • યોજના કે નીતિ ઘડવા ચોક્કસ આંકડા ઉપલબ્ધ હશે. સરકારની દખલ પણ ઘટશે.

પણ આમાં અમુક પડકારો પણ છે…

 • સરવે અને બિન-સરવે જમીનોનો રેકોર્ડ તૈયાર કરાવવામાં ઘણો સમય લાગી શકે છે.
 • હાલ વિવાદ વિનાની જમીનનું જ ટાઇટલ થઇ શકશે, વિવાદિત જમીનનું નહીં.
 • જમીન સાથે જોડાયેલા કુલ 8 કાયદામાં સુધારા કરાવવા પડશે.
 • ઘણા વિભાગોને એક ઓથોરિટી હેઠળ લાવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે.
 • સામુદાયિક માલિકીહકનું ટાઇટલ કેવી રીતે થશે તે હજુ સ્પષ્ટ નથી.

પ્રોપર્ટી અંગેના 1.30 કરોડ કેસ, જેમનો 5 વર્ષમાં નિકાલ લાવવા ટ્રિબ્યુનલ, હાઇકોર્ટમાં સ્પેશિયલ બેન્ચ બનશે

દેશભરમાં અદાલતોમાં પ્રોપર્ટી વિવાદના 1.30 કરોડ કેસ પડતર છે. તેથી કુલ જીડીપીનો અંદાજે 1.3% હિસ્સો પ્રોપર્ટીમાં લૉક છે. કેસનો જલદી નિકાલ આવે તે માટે ડ્રાફ્ટમાં કેટલીક જોગવાઇઓ કરાઇ છે. બધા કેસ અદાલતોમાંથી ટ્રિબ્યુનલ અને અપીલ ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરાશે. દરેક હાઇકોર્ટમાં એક સ્પેશિયલ બેન્ચ બનાવાશે. બધા કેસના નિકાલ માટે 5 વર્ષનો સમય નક્કી કરાયો છે. એક્સપર્ટ કમિટીના એક સભ્યએ જણાવ્યું કે આધાર લિન્ક કરાવવાનું વૈકલ્પિક હશે. જો લોકો ઇચ્છતા હોય કે સરકાર તેમની પ્રોપર્ટીની ગેરંટી લે તો આધાર લિન્ક કરાવવું જ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો