હાથની મહેંદીનો રંગ ઉતરે તે પહેલા જ મોત, ટ્રક ચાલકે પ્રિયંકાને કચડી નાખી

રાજકોટ: શહેરની ભક્તિનગર સોસાયટીમાં રહેતા ખોયાણી પરિવારે રવિવારે સાંજે લાડકવાયી પુત્રીને તેના સાસરે વળાવી હતી, પુત્રી સાસરે સુખી રહે, સાંસારિક જીવનના તમામ સુખ તેને પ્રાપ્ત થાય તેવા અનેક આશીર્વાદ પરિવારના વડીલોએ આપી ભીની આંખે તેને વળાવી હતી, પરંતુ યુવતીના સાંસારિક જીવનના કલાકો જ વિત્યા હતા ત્યાં કુદરત જાણે ક્રૂર બન્યો હતો.

150 ફૂટ રિંગ રોડ પર ટ્રકચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવ્યું, પતિને ઇજા

મંગળવારે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર પતિના સ્કૂટર પાછળ બેસીને જતી હતી ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે સ્કૂટરને ઠોકર મારી હતી. રસ્તા પર પટકાયેલી નવવધૂ પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હતા અને તેનું પતિની નજર સામે જ સ્થળ પર જ મોત નીપજ્યું હતુું. મૃતકના પતિને પણ ઇજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મહેંદી પણ સુકાઇ નો’તી ત્યાં આ જોડી ખંડિત

ભક્તિનગર સોસાયટીમાં રહેતા બોરવેલના ધંધાર્થી બાબુભાઇ કરશનભાઇ ખોયાણીને સંતાનમાં એક પુત્ર અને એક પ્રિયંકા નામે લાડકવાયી હતી. પ્રિયંકાને રાજકોટમાં જ સાસરું મળે તો કાયમ નજર સામે રહે તેવી ખોયાણી પરિવારની ઇચ્છા પૂરી થઇ હતી અને મોટામવામાં રહેતા જય ધીરૂભાઇ ઠુમ્મર (ઉ.વ.24) સાથે સગપણ કરી ગત રવિવારે સાંજે લગ્ન યોજવામાં આવ્યા હતા. એકની એક પુત્રીના ધામધૂમથી લગ્ન કરવામાં ખોયાણી પરિવારે સહેજ પણ પાછી પાની કરી નહોતી.

જાનનું આગમન થયું ત્યારે તેનો અેવો ભવ્ય આવકાર કર્યો કે જાનૈયાઓ પણ યાદગાર લગ્નના આનંદમાં ખોવાઇ ગયા હતા. સાંજે લગ્નની વિધિ પૂર્ણ થતાં ખોયાણી પરિવારે ભીની આંખો સાથે વહાલસોયી પુત્રીને સાસરે વળાવી હતી.

પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે સ્કૂટરને ઠોકર મારી

પુત્રીને પરણાવીને સાસરે વિદાય કર્યાની જવાબદારીનો હજુ બાબુભાઇ ખોયાણીને અહેસાસ થાય તે પહેલાં જ તેમના પર જાણે આભ ફાટ્યું હતું. પુત્રીના આકસ્મિક મોતના સમાચારે ખોયાણી પરિવારને બેબાકળો બનાવી દીધો હતો. વરરાજા જય અને નવવધૂ પ્રિયંકા મંગળવારે સાંજે તેમના ફઇના પુત્ર અનિલભાઇ વેકરિયાના ઘરે ચા પીવા જવા સ્કૂટર પર નીકળ્યા હતા અને નવા 150 ફૂટ રિંગ રોડ પર કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે સ્કૂટરને ઠોકર મારી હતી.

સ્કૂટર પરથી નવદંપતી નીચે પટકાયું હતું તે સાથે જ પ્રિયંકા પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હતા. અકસ્માતમાં પ્રિયંકાએ હંમેશાં માટે વિદાય લઇ લીધી હતી, જ્યારે ઘવાયેલા જય ઠુમ્મરને પણ તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

કાળ તને આ શું સૂઝ્યું ?

ભક્તિનગર સોસાયટીના ખોયાણી પરિવારની લાડકવાઇ દીકરી પ્રિયંકાને હજુ તો રવિવારે જ ભારે હૈયે તેમના પિતાએ વિદાય આપી હતી. પિતાને એમ હતું કે દીકરી સાસરે જઇ રહી છે. પરંતુ કાળને તે મંજૂર ન હોય તેમ પ્રિયંકાની મંગળવારે કાયમી વિદાય જ થઇ ગઇ. નવા રિંગરોડના અકસ્માતના સ્થળે મૃત પ્રિયંકાના મહેંદી રંગેલા હાથ જોઇને કઠણ હૈયાના લોકોને પણ અરેરાટી થઇ ગઇ હતી.

લગ્નના બે દિવસ બાદ જ કોડભરી પ્રિયંકાની જિંદગી ટૂ઼ંકાવી દેનાર ટ્રકના ચાલકની શોધખોળ પોલીસ કરી રહી છે. ચાલક ઘટનાસ્થળે જ ટ્રક મૂકીને નાસી ગયો હતો. રેતી ભરેલી ટ્રકમાં નંબર પ્લેટ નહોતી, ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ જ્યારે ટ્રક તરફ નજર કરી ત્યારે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટ્રકમાં નંબર પ્લેટ લગાવાઇ નહોતી, પરંતુ ‘પોલીસ’ અને જમાદાર જીવણભાઇ પટેલનું નામ અને તેમના મોબાઇલ નંબર લખ્યા હતા.

ટ્રકમાં પોલીસ અને જમાદારનું નામ લખીને શું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા હતા. વાહનોમાં જુદા-જુદા ચિતરામણ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે તો ટ્રકમાં જમાદારનું નામ અને તેના મોબાઇલ નંબર પોલીસને ધ્યાને આવ્યા નહીં હોય, ખુદ જમાદારનો પોતાનું નામ ટ્રકમાં લખવા પાછળનો ઇરાદો શું ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો