અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી મારી જતા 21 મુસાફરોના મોત, મોતની ચીચીયારીઓ ગુંજી

અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં.જ્યારે 55 જણને ઈજા પહોંચી હતી.જે પૈકી 20 જણને દાંતા અને 35 જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે .ઓવર સ્પીડને કારણે લકઝરી બસના ચાલકે બ્રેક મારતા જ ડ્રાઈવર સાઈડ પાછળનુ ટાયર ઊંચું થઈ જતાં પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે.રાતના 9 કલાક સુધી 21 માંથી 5 મૃતકોની જ ઓળખ થઈ શકી છે.

ઓળખાયેલા મૃતકો

1.ધ્રુવાકુમાર રાજેશભાઇ સોલંકી (ઉંમર વર્ષ-8) (રહે. ખડોલ, જિલ્લો આણંદ)

2.પંકજકુમાર પૂનમભાઈ પઢિયાર (ઉંમર વર્ષ-38)(પાહનવાડી,જિ.આણંદ )

3.સુરેશકુમાર કનુભાઇ ચૌહાણ (ઉંમર વર્ષ-38)( રહે કસુંબલ,તા.બોરસદ )

4.ધવલભાઇ રમેશભાઇ પટેલ (ઉંમર વર્ષ-25)(રહે.અકલારા)

5. ચેતનાબેન જયમીનભાઇ પટેલ (ઉંમર વર્ષ-38) (રહે.ઉનવા-મહુવા )
બાકીની યાદી તંત્ર આજે મંગળવારે જાહેર કરશે.

પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો

આણંદ તાલુકાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ સોમવારે સાંજે લકઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી.જેમાં 21ના મોત થયા છે. જેમાં 3 મહિલા 14 પુરુષો અને 4 બાળકોનો સમાવેશ થાય છે.દાંતા અને અંબાજીથી જેસીબી મંગાવી લક્ઝરી બસને ઉંચી કરવામાં આવી હતી અને એમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.55 જેટલા મુસાફરોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી 20 જણને દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે જ્યારે 35 જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા કલેકટર સંદિપ સાંગલે પણ તાત્કાલિક દાંતા પહોંચ્યા હતા.

મોતની ચીચીયારીઓ ગુંજી

ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી મારતાં ઘટનાસ્થળે જ 10થી વધારે લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે મુસાફરોની ચીચીયારીઓ ગુંજી હતી.

હાઈવે પર દોડધામ મચી હતી. ઘટનાને પગલે દાંતા પોલીસે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે બસમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે. ઘટનાસ્થળે 108 સહિતની એમ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો.

ઢાળ, રોડ પર લિસોટા, ઓવર સ્પીડ કારણભૂત

આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે.જેના કારણે ઢાળ,આ રોડ પર લિસોટા પડી ગયા છે.ઓવરસ્પીડ,વરસાદના કારણે ડ્રાઈવરે બ્રેક મારતાં જ તિવ્રતા વધી હોય આજ કારણસર બસ પલટી મારી ગઈ તેમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતુ.

બસને જેસીબીથી ઉપાડી, 5ની ઓળખ થઈ

બસમાં વધુ મુસાફર હોવાના કારણે તમામ લોકો બસ પલટી મારતાં જ દબાઈ ગયા હતા.મોઢા અને માથામાં ઈજા થવાના કારણે લોકોના મોત થયા હતા.બસને જેસીબીથી ઉંચકાતાં ખોફનાક દૃશ્ય હતુ. રાતના 9 કલાક સુધી 21 માંથી 5 મૃતકોની જ ઓળખ થઈ શકી છે.જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે 4 ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને અમદાવાદ રિફર કરાયા છે.અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે.ઓવર સ્પીડ અને વરસાદના કારણે ડ્રાઈવરે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હોવાનું કલેકટરે કહ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો