વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધારનાર યુવા લોક ગાયિકા પ્રીતિ વરસાણી વિષે જાણો સંપૂર્ણ વિગત

ભગવાન કલા કે કોઇ ખાસિયત દરેક વ્યક્તિને આપતો હોય છે, ઘણો લોકો માત્ર તેને શોખ તરીકે લઇને પોતાના નિજાંનદ માટે ઉપયોગ કરતા હોય છે, તો કેટલાક માત્ર લક્ષ્મી કમાવવાના ઉદ્દેશથી તે કલાને વાપરે છે, પણ ગણતરીના એવા કલાકારો હોય છે, જે પોતાની કલાને વેચવાને બદલે તેનાથી કોઇની મદદ થઇ શકે તેવા કાર્યો જીવનપર્યંત કરતા હોય છે. આવી જ ગાયિકા છે લંડન સ્થિત રહેનારી કચ્છના લેવા પટેલ સમાજની દીકરી પ્રીતિ વરસાણી.

પ્રીતિ કેવી રીતે ગુજરાતી લોકસંગીત અને ભજનની દુનિયામાં આવી, તેના વિશેની થોડી માહિતી

પિતાની ઇચ્છા પુરી કરવા સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું

– પ્રીતિએ જણાવ્યું હતું કે, મારા પિતાજીને મોઢાંનું કેન્સર હતું, તેમની ઈચ્છા હતી કે, હું સંગીતક્ષેત્રે મારું કેરિયર બનાવું. તેમની ઈચ્છાપૂર્તિ કરવા માટે મેં ગાયનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

– પ્રીતિએ જણાવ્યું હતું કે, જ્યારે ગાયનક્ષેત્રે હું પ્રવેશી ન હતી તે સમયે મુંબઈમાં મારી એક સહેલીએ 2001માં રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડની સાથે મુલાકાત કરાવી, મારો અવાજ સાંભળીને તેમણે મને બોલીવુડમાં ગાવા સજેસ્ટ કર્યું.

– બાદમાં હું લંડન પરત ફરી ત્યાં મારી મુલાકાત ફાલ્ગુની પાઠક સાથે થઈ, તેના કાર્યક્રમમાં 40 હજાર લોકોની હાજરીમાં મને સ્ટેજ પર બોલાવી, પરંતુ મને ગુજરાતી પણ આવડતું ન હતું કે, ગીત ગાતા પણ નહોતું આવડતું. આમ છતાં તેણે ગીત ગાયા અને મેં પણ તેની પાછળ ગીત લલકાર્યું.

– ગીત ગાવાનું પૂરું થયા બાદ તેણે કહ્યું કે, કાર્યક્રમ પૂરો થાય એટલે મને મળજે. કાર્યક્રમ પૂરો કરી મળી ત્યારે તેણે મને ગુજરાતી ભજન અને લોકગીતો ગાવા સૂચન કર્યું અને ગુજરાતના કલ્ચરને જાણવા અને સમજવા વાત કરી અને બોલીવુડમાં ઘણા ગાયકો છે, એના કરતાં નવો માર્ગ પસંદ કર, પછી મેં ગુજરાતી ગાયનક્ષેત્રે આવવા નક્કી કર્યું.

રાજકોટમાં લલિતા ઘોડાદ્રા પાસે શીખ્યું લોકસંગીત

– માતા-પિતા અને સ્નેહીઓના કહેવાથી હું રાજકોટ આવી, સંગીત શીખવાની શરૂઆત કરી. 2001માં મેં લલિતા ઘોડાદ્રા પાસે સંગીત શીખવા માટે આવી અને તેઓ અમારા પરિવારને ઓળખતા હતા એટલે તેમને પહેલાંથી કહી દેવાયું હતું, પરંતુ મને ગુજરાતી આવડતું ન હતું, એટલે ત્યાંથી મેં કક્કો-બારાખડી ભણી ગુજરાતી શીખી. – તેમની સાથે સંતવાણીના કાર્યક્રમોમાં જવાનું થતું, મને મંજીરાનો અવાજ સાંભળવો પણ નહોતો ગમતો, પરંતુ તેમની સાથે જૂનાગઢ મેળામાં જતાં દિલથી હું ભજનો ગાવા લાગી.

– હું લગ્નગીતો, સુગમ સંગીત અને બોલિવૂડ સોંગ ગાઈ લઉં છું. 26 જાન્યુઆરીએ ચેરિટી પ્રોગ્રામ કરતી રહું છું

– ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26 જાન્યુઆરીએ કરે છે, ત્યારે મારા ગીતોનો કાર્યક્રમ પણ લંડનમાં આ દિવસે રાખ્યો હતો.

– 2008માં પિતાને મોઢાંનું કેન્સર હતું, બોલી પણ નહોતા શકતા. આવી સ્થિતિમાં મારી મમ્મીને લખીને મારા કાર્યક્રમમાં આવવા કહેતા તેમનો કેન્સરનો છેલ્લો સ્ટેજ હતો, એટલે ડોક્ટરો પણ નહોતા રોકતા. કેમ કે, તેમની છેલ્લી ઇચ્છા પૂરી કરવાની હતી.

– મેં ત્યાં ગાયું તેમણે ચાલી શકે એવી પણ સ્થિતિમાં ન હોવા છતાં મારી સામે સ્ટેજની સાઈડમાં બેસીને મને સાંભળી હતી.

– તેના પિતાને યાદ કરીને પ્રીતિની આંખો ભરાઈ આવી હતી. પિતાનાં મૃત્યુ બાદ તેમની યાદમાં હું દર વર્ષે 26 જાન્યુઆરી આસપાસ આવતા શનિ-રવિ ચેરિટી પ્રોગ્રામ કરું છું.

છેલ્લાં ૧૦ વર્ષથી પોતાના કંઠના કામણ માત્ર ચેરિટી શો માટે પાથરીને કેન્સર કે અન્ય મોતના મુખ સુધી પહોંચનારા દર્દીઓ ફંડ એકઠું કરે છે. પિતાના કેન્સરમાં અવસાન બાદ કચ્છના મૂળ નારણપરની વતની ૩૦ વર્ષીય પ્રીતિએ જણાવ્યું હતું કે, પપ્પાને કેન્સરમાં જોયા બાદ આવા દર્દીઓ માટે કંઇક કરવાની પ્રેરણા મળી અને ત્યારથી બસ હું દર વર્ષે ૨૦ જેટલા ચેરિટી શો કરું છું, જે પણ આવક થાય છે તે આવા કે અન્ય દર્દીઓ માટે વાપરું છું.

રાજકોટમાં રહીને સંગીતનું શિક્ષણ મેળવ્યું છે, ત્યાર બાદ જાતે પણ લોકગાયકોને જોઇ જોઇને ઘણુ શીખી છું. ગુજરાતમાં માંગરોળ નજીક સાપુર ગામમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક વર્ષ સુધી રોકાઇ હતી, જીવનને નજીકથી જાણવા માટે ત્યારે ત્યાંના બાળકોમાં રહેલી કળાને જાણીને થયું કે, યોગ્ય પ્લેટફોર્મના અભાવે આવા બાળકો આગળ નથી આવી શકતા, તેથી બાળકો માટે પણ કંઇક કરવાની ઇચ્છા થઇ અને આ કાર્ય માટે મારી બે બહેનપણી જે લંડનમાં જ રહે છે.

જેમાં મૂળ ભુજની નૃત્યકાર મીરાં સલાટ તથા ઇન્ટિરિયર ડિઝાઇનર રીમા સિંઘે પણ આ ઇચ્છાને વધાવી લીધી અને અમે ત્રણ જણ સાથે મળીને કચ્છમાં એક આર્ટસ્કૂલ શરૂ કરવા માગીએ છીએ, જેમાં નિ:શુલ્ક એવા બાળકોની કળાને પોલિશ કરાય, જેઓ આર્થિ‌ક રીતે મોંઘી તાલીમ મેળવી શકતા ન હોય, જેમાં સંગીત, નૃત્ય, નાટક, પેઇન્ટિંગ જેવી કળાઓ શીખવાડાશે. આ કાર્ય જલદી શરૂ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. સરકાર પાસે જમીન માગવાની પણ ઇચ્છા છે, આ ઉપરાંત કોઇ સંસ્થા સહયોગ આપવા તૈયાર હોય, તો આ કાર્ય જલદી શરૂ થઇ શકે.

– વૃદ્ધાશ્રમ શરૂ કરવાની નેમ

બાળકો અને મોતના મુખમાં ધકેલતા રોગોમાં સબડતા દર્દી‍ઓ માટે કામ તો કરવું જ છે, પણ વૃદ્ધો માટે ખાસ વૃદ્ધાશ્રમ શરૂ કરવાની ઇચ્છા છે, જ્યાં તેઓને સ્નેહ અને હૂંફ સાથે યોગ્ય સગવડ મળી રહે.

– કિડની-કેન્સરના દર્દી માટે ચેરિટી શો કરવો છે

કચ્છમાં કિડની અને કેન્સરના દર્દી‍ઓને મદદ કરવા પ્રીતિને ચેરિટી શો કરવા છે. આ કાર્યમાં સેવાભાવી સંસ્થાઓ મદદ કરવા આગળ આવે તેવી અપીલ તેમણે કરી હતી, તેણીએ જણાવ્યું હતું કે, હું ગમે ત્યાં મારા શો કરવા તૈયાર છું, જે પણ ફંડ આવા દર્દી‍ઓ માટે એકઠું થાય. આ કાર્યના આયોજનમાં સેવાભાવી સંસ્થાઓ તથા અન્ય ગાયકો આગળ તેવો અનુરોધ તેમણે કર્યો છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!