અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલા પર હાથ ઉપાડ્યો: માસ્કના દંડની રકઝકમાં વચ્ચે પડેલી યુવતીને બે લાફા ઝીંકી દીધા! વિડિયો વાઇરલ
માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બની રહ્યા છે. માસ્કના દંડના ટાર્ગેટ પૂરા કરવાને લઈ પોલીસ લોકો પાસે ગમે તે રીતે દંડ વસૂલી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ હવે કેવી ગુંડાગીરી પર ઊતરી આવી છે એનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી છતાં પણ તે યુવતીને લાફા મારે છે. વિડિયોમાં જે ગાડી દેખાય છે એના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું છે અને P 1238 લાલ કલરથી લખેલું છે.
પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે: ઝોન-1 ડીસીપી
યુવતીને માર મારવા અંગેનો વિડિયો વાઇરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે. વિડિયો મામલે ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વિડિયો નવરંગપુરા પોલીસનો હોવાનું ધ્યાને આવ્યું છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ: પોલીસકર્મીએ યુવતીને માર્યાં બે લાફા, આવી સત્તા કોણે આપી? pic.twitter.com/bBYS4MbYQx
— News18Gujarati (@News18Guj) January 15, 2021
વાઈરલ થયેલા વિડિયોમાં પોલીસ એક યુવકને પોલીસની જીપમાં બેસાડવા માટે પ્રયાસ કરતી દેખાય છે. યુવકને ગાડીમાં બેસતો બચાવવા તેની પાસે દુપટ્ટો બાંધેલી એક યુવતી દરમિયાનગીરી કરતી નજરે ચડે છે. યુવક ગાડીમાં બેસતો ન હોવાથી પોલીસકર્મી તેને લાફો મારે છે. એ જ સમયે દરમિયાનગીરી કરતી યુવતીને પણ લાફા મારતાં ગાડી પાસે કાળાં કપડાં પહેરેલી યુવતી ડરીને પાછી પડતી દેખાય છે. બાદમાં વિડિયોમાં પોલીસકર્મી પણ સામે વિડિયો ઉતારતો નજરે ચડે છે. વિડિયો ઉતારનારી વ્યક્તિ કોમેન્ટરી સાથે પોલીસકર્મી સામે આંગણી ચીંધતી દેખાય છે. જે યુવકને લઈને સમગ્ર ઘટનાક્રમ બની તે યુવક પણ ગાડીમાં બેઠેલો દેખાય છે. પોલીસકર્મી વિડિયો ઉતારીને તેના ખિસ્સામાં મોબાઈલ મૂકી દે છે. પીસીઆર ગાડી પી 1238માં યુવતીને લાફો મારનાર પોલીસકર્મી બેઠેલો દેખાય છે.
કોઈ વ્યક્તિએ કોમેન્ટરી સાથે વિડિયો ઉતારી લીધો
સોશિયલ મીડિયામાં એક જોરદાર વિડિયો વાઇરલ થયો છે. જે વિડિયોમાં એક યુવકને પોલીસ ગાડીમાં માસ્કના દંડ માટે બેસાડે છે ત્યારે તેની સાથેની એક યુવતી રકઝક કરે છે અને ત્યાં હાજર એક પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે. જાહેર રોડ પર બનેલી ઘટનાનો એક વ્યક્તિએ વિડિયો ઉતારી લીધો હતો. વિડિયોમાં માર મારનાર પોલીસકર્મીને પણ બતાવવામાં આવી રહ્યો છે. વિડિયો ઉતારનાર શખસ કહે છે કે આ ભાઈ હતા, જેમણે આ બહેન પર હાથ ઉપાડ્યો છે. મહિલા હેલ્પલાઈન પર ફોન કરવા જઈ રહ્યો છું. આ ભાઈ માસ્કનો દંડ ભરવા તૈયાર હતા છતાં પોલીસકર્મીએ આ બહેન પર હાથ ઉપાડ્યો છે. અમારી પાસે પુરાવા છે. લોકો વિડિયો ઉતારતાં અને બોલાચાલી થતાં પોલીસ ત્યાંથી ગાડી લઈ રવાના થઈ ગઈ હતી.
કાયદા મુજબ, પોલીસકર્મી કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડી શકતો નથી. ખાસ કરીને મહિલા પોલીસ વગર પુરુષ પોલીસકર્મી મહિલાને હાથ પણ અડાડી શકે નહીં છતાં પણ અમદાવાદના એક પોલીસકર્મીએ આ રીતે હાથ ઉપાડ્યા અંગેનો વિડિયો વાઇરલ થયો છે, એની તપાસ અમદાવાદ શહેર પોલીસકર્મી કરે એ જરૂરી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં પણ લોકો આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવો જોઈએ એવી માગ કરી રહ્યા છે.
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસને માસ્કનો દંડ વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં પણ દરેક પોલીસ સ્ટેશનોને માસ્કનો દંડ વસૂલવાના ટાર્ગેટ આપવામાં આવ્યા છે, જેને કારણે ઘણી વાર પોલીસ કર્મચારીઓ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલે છે ત્યારે તેમની અને નાગરિકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બને છે.
તાજેતરમાં જ મિત્રો સાથે વાહન પર પસાર થઈ રહેલા એક યુવકને શાહપુર પોલીસે રોક્યો હતો. માસ્કનો દંડ ભર્યો હોવા છતાં ખાનગી કપડામાં ઊભેલા પોલીસ કર્મચારીઓએ યુવકને ચોકીમાં લઈ જઈ બેરહેમીથી માર્યો હોવાની ઘટના બની હતી. અગાઉ પણ માસ્કનો દંડ ભરવા બદલ પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થતું હોવાની ઘટના બની છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

