વડોદરામાં ધારાસભ્યના પુત્રની એજન્સીના ગેસ રિફીલિંગ કૌભાંડમાં કાર્યવાહી કરતા પોલીસના હાથ ધ્રૂજ્યા, અગાઉની જેમ તેની સામે કોઈ કાર્યવાહી નહીં!

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બોટલનો જથ્થો લાવી કારેલીબાગની જલારામ નગર ઝૂંપડપટ્ટીમાં ન્યૂ સહયોગ નગર ખાતે ખાલી બોટલમાં ગેસ રિફીલિંગ કરવાના કૌભાંડનો એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેમ્પા ડ્રાઇવર અને હેલ્પર મળી 3 વિરુદ્ધ ગુનો નોંધી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. બીજી તરફ એજન્સીના સંચાલક સામે કોઇ કાર્યવાહી ન કરાતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સંચાલક સામે કાર્યવાહી ન કરતાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં

શુક્રવારે કારેલીબાગની જલારામ ઝૂંપડપટ્ટી ન્યૂ સહયોગ નગરના ભરવાડ વાસમાં રહેતા જયેશ ઝાલા ભરવાડને ત્યાં ચાલતા ગેસ રિફીલિંગ કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. પોલીસે બે ટેમ્પા, 100 બોટલ, વજન કાંટા, રિફીલિંગની 2 પાઈપ સહિત 3.23 લાખની મતા જપ્ત કરી ગોત્રી રોડ ગદાપુરાના હેમંત માળી, એરપોર્ટ નજીક ભરવાડ વાસના વિપુલ ભરવાડ અને ગદાપુરાના જીગ્નેશ માળીની અટકાયત કરી જયેશ ઝાલા ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો હતો. પૂછપરછમાં તેઓ નિઝામપુરા અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની હેપ્પી હોમ ગેસ એજન્સીના કોટંબી સ્થિત ગોડાઉનમાંથી ગેસના બોટલ લાવી પૂર્વે જયેશ ભરવાડના મકાનમાં ગેસ ચોરીનું કૌભાંડ કરતા હતા. પોલીસે બોટલનું વજન કરતાં 110.6 કિલો ગેસની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બીજી તરફ અગાઉની જેમ આ વખતે પણ પોલીસે હેપ્પી હોમ્સ ગેસ એજન્સીના સંચાલક સામે કાર્યવાહી ન કરતાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

MLAના પુત્રની ગેસ એજન્સીની તપાસ કરવાનો પુરવઠા વિભાગે ઇનકાર કર્યો!

ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની હેપ્પી હોમ્સ ગેસ એજન્સી સામેની તપાસમાં પુરવઠા વિભાગે હાથ અધ્ધર કરી દીધા છે. તોલમાપના અધિકારીએ જણાવ્યું કે, કેસ પોલીસે કર્યો છે અને તપાસ પોલીસ કરી રહી છે. જેથી પુરવઠા વિભાગનો કોઈ રોલ રહેતો નથી. પુરવઠા વિભાગે કૌભાંડ પકડ્યું હોત તો તપાસ કરાત.11 મહિના પહેલાં જીતુ સુખડિયાના પુત્રની એજન્સીમાં કૌભાંડ પકડાયું હતું, ત્યારે પુરવઠા વિભાગે માત્ર શો કોઝ નોટિસ ફટકારી ભીનું સંકેલી લીધું હતું. આ વખતે પોલીસે કેસ કર્યો હોવાનું કહી પુરવઠા વિભાગે તપાસ કરવાનો જ ઇનકાર કરી દીધો છે.

જરૂર પડશે તો MLAના પુત્રની પૂછપરછ કરાશે

એસઓજીના પીઆઇએ જણાવ્યું હતું કે, હાલમાં 3ની અટકાયત કરી તેઓની પૂછપરછ ચાલી રહી છે. આ ગુનામાં જો ગેસ એજન્સીના સંચાલકની ભૂમિકા જણાશે કે જરૂર પડશે તો તેમની પૂછપરછ કરાશે.

જયેશ 11 માસ અગાઉ પણ ઝડપાયો હતો

વોન્ટેડ જયેશ ભરવાડ 11 માસ પહેલાં સમામાં ગેસ ચોરી કૌભાંડમાં સામેલ હતો છતાં હેપ્પી હોમ્સ ગેસ એજન્સીમાં કામ કરતો હતો. ટેમ્પા ચાલક અગાઉ ઝડપાયેલો હોવા છતાં ગેસ એજન્સી સંચાલકે કેમ આરોપીને કામગીરી સોંપી હતી ?

કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે

ગેસ ચોરી કૌભાંડમાં કોંગ્રેસે ઝંપલાવ્યું છે. કોંગેસના પ્રમુખના જણાવ્યા અનુસાર ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીના માણસો દ્વારા ગેસની ચોરી કરાઈ છે. આ ગેસ ચોરી કરી આડકતરી રીતે જનતાને લૂંટવાનું કૌભાંડ ચલાવનાર ગેસ એજન્સીના માણસો વર્ષમાં બીજી વખત આ રીતે ચોરી કરતા પકડાય તો કલેક્ટર આવા વગદાર લોકો સામે કાર્યવાહી કરશે કે કોંગ્રેસના આંદોલનની રાહ જોશે.જો કાર્યવાહી નહીં થાય તો ગૃહિણીઓની પડખે રહી ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને પડશે.

આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવાની માગણી

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ પોલીસ કમિશનરને પત્ર લખી ગેસ રિફીલિંગમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ લેવાની સાથે તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેમ જણાવ્યું છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, શહેરમાં કેટલાંક માથાભારે તત્ત્વો ટેમ્પોચાલક સાથે મળી લાલચમાં અને ધાકધમકીથી ગેસ ચોરી કરાવી તોડબાજી કરે છે. આમ કરવાથી લોકોનાં નામ બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો