રોડ પર રહેતા લોકોને ભોજન આપવા ગયેલી પોલીસને દંપતીએ કહ્યું – ‘મારું તો પેટ ભરેલું છે, બાજુ વાળાને આપો, તે લોકો ભૂખ્યા છે’

કોરોનાની મહામારીના લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાથે કોઇકને મદદરૂપ થવાનો પણ અમારો પ્રયાસ હોય છે. ગત શુક્રવારે સાંજે 5 વાગે હું પાણીગેટ વિસ્તારમાં નીકળ્યો હતો. ફૂટપાથ પર રહેતા લોકોને ફૂડ પેકેટ વિતરણ કરતો હતો. રોડના કિનારે એક વૃદ્ધ દંપતી બેઠેલું હતું. તેમની પાસે પહોંચ્યો તો તેઓ પ્રજ્ઞાચક્ષુ હતાં. બંને ભણેલા ગણેલા દેખાતા હતાં. માગીને ખાતા હોય એવું નહોતું લાગતું, કોઇ આપે તો લઇ લેતા હતાં. દંપતી ભિક્ષુક નહીં પણ મજબૂરી વશ આ સ્થિતિમાં જણાતું હતું. મેં બંનેને પૂછ્યું ભૂખ્યા છો તો તેમણે હા કહ્યું હતું. મારી પાસે બટાકા પૌઆનો નાસ્તો હતો એટલે મેં વૃૃદ્ધાને આપ્યો તો તેણે પતિ તરફ ઇશારો કર્યો હતો. પતિને આપવા ગયો તો તેણે પત્નીને આપી દો તેમ કહ્યું.

પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાએ રટણ ચાલુ જ રાખ્યું મારુ પેટ ભરેલું છે

બંને એકબીજાને ખો આપતા હતા એટલે હું અવાચક બની ઉભો રહ્યો પછી વૃદ્ધાએ કહ્યું કે સાહેબ મેં તો ખાધેલું છે. બપોરે કોઇ બિસ્કીટનું મોટુ પેકેટ આપી ગયું હતું. મારા ઘરવાળાને મેં ખાવાનું કહ્યું તો તેણે નહીં ખાઇ આખું પેકેટ મને ખવડાવી દીધું હતું. મારુ પેટ ભરેલું છે પણ એ ભૂખ્યો છે. મેં કહ્યું એના માટે પણ છે અને તમારા માટે પણ છે, તમે લઇ લો. વૃદ્ધાએ ફરી કહ્યું કે સાહેબ મારી બાજુમાં કોઇ બેઠેલું છે, એ લોકો પણ ભૂખ્યા લાગે છે, તમે એને આપી દો. મેં ફરી કહ્યું કે, એના માટે પણ છે અને તમારા માટે પણ છે. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાએ રટણ ચાલુ જ રાખ્યું મારુ પેટ ભરેલું છે, મને કોઇ ચિંતા નથી.

આ દંપતીની વાત મારી સાયકોલોજીની બહાર હતી

મેં કહ્યું કાંઇ વાંધો નહીં તમે રાત્રે ખાઇ લેજો. તેણે આગ્રહપૂર્વક કહ્યું કે, રાતે તો ઉપરવાળો આપી દેશે, મારે કઇં નથી જોઇતું. મારા પતિની ભૂખ ભાંગી જશેને એટલે મારી ભૂખ ભાંગી જશે. આ વાત સાંભળી ગરીબ પ્રજ્ઞાચક્ષુ દંપતી મારા આંખમાં વસી ગઇ. દુનિયા આખી બધુ ભરવા માટે દોડાદોડ કરી રહી છે ત્યારે આલોકોનો રાતની પણ ચિંતા નહોતી. હું બંનેને સમજી ન શક્યો, તેમના જ વિચારોમાં આગળ ચાલતો ચાલતો નીકળી ગયો. થોડીવાર પછી હું ફરીથી તેમને મળવા ગયો પણ બંને ત્યાં બેઠેલા ન હતાં. તેમને શોધવા માટે માણસો મોકલ્યા પણ બંને ન મળ્યા. હું રાત્રે ઘરે ગયો પણ તેમના જ વિચારોથી મને ઉંઘ ન આવી. સાયકોલોજી વિષયમાં માસ્ટર ડીગ્રી કરી છે, કેટલાય મુશ્કેલ કેસને લોકોની સાયકોલોજીથી ઉકેલ્યા છે પણ આ દંપતીની વાત મારી સાયકોલોજીની બહારની હતી. કોરોનાની ચેઇન તોડવા સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે વતન તરફ હિજરત કરતા લોકોની ભૂખ ભાંગવા સોશિયલ રીસ્પોન્સીબીલીટી પણ એટલી જ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો