કોરોના વોરિયર્સની સુરક્ષા સાથે થઈ રહ્યા છે ચેડા: PPE કિટના નામે કોરોના વોરિયર્સને પહેરાવી પ્લાસ્કિટની કોથળીઓ

રાજ્ય સરકારની જીએમએસસીએલ (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ) રેઇનકોટને પણ સારા કહેવડાવે તેવા રદ્દી મટિરિયલના પીપીઇ કીટ ઉંચા ભાવે ખરીદીને રાજ્યના હેલ્થ વર્કર્સને સપ્લાય કરી રહી છે. આવી જ 12 હજારથી વધુ રદ્દી પ્રકારની પીપીઇ કીટ સુરત પાલિકાને પણ સપ્લાય કરાઇ છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના સામેની લડાઈ કરી રહેલા આ હેલ્થ વર્કર્સને જીએમએસીએલે મોતના મુખમાં ધકેલવાનું કામ કરી રહી છે. શહેરમાં અત્યારસુધી 25 જેટલા હેલ્થ વર્કર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાંથી કેટલાકને આવી રદ્દી કીટના કારણે જ સંક્રમણ લાગ્યું હોવાની શંકા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાની વાત કરી છે ત્યારે ગુજરાત સરકારની જીએમએસસીએલ ફરી હલકી ગુણવત્તાની પીપીઇ કીટ ખરીદી કરવા જઈ રહી છે. કંપનીનું જ કહેવું છે કે ભૂતકાળમાં જે કીટ આવી હતી તેમાં તબીબોએ વાંધો ઉઠાવ્યો હતો અને હવે જે ‌ 1 લાખ કીટ ખરીદ કરવાની તૈયારી છે તેમાં વેચનારને 25 હજાર કીટનો સરકારી હોસ્પિટલ-સંસ્થામાં વેચાણનો અનુભવ માગ્યો છે, જે કીટ રાજ્ય ભરના સરકારી હોસ્પિટલ્સ-હેલ્થ વર્કર્સને સપ્લાય કરવામાં આવી રહી છે તેમાં આઈસીએમઆરની ગાઇડલાઇનનો દેખીતી રીતે ભંગ પણ થયો છે.

કિટના નામે પ્લાસ્ટિકની બેગ

પીપીઈના પ્રકાર તેના ઉપયોગ મુજબ અલગ-અલગ હોય છે
મેડિકલ યુઝ માટે
મેડિકલ યુઝ માટેના પીપીઈ કીટમાં વધુમાં વધુ સુરક્ષા રાખવી ખૂબ જરૂરી છે. એટલે જ તેમાં ફેસ માસ્ક, એન-95 માસ્ક, ફેસ શિલ્ડ, સેફ્ટી ગોગલ્સ, ફૂલ બોડી કવર સૂટ, શૂ કવર, ગ્લોવ્ઝ વગેરે હોય છે. આ તમામ મટિરિયલને એક કેમિકલ યુક્ત કોટિંગ પણ કરેલું ખૂબ જરૂરી છે, નહીંતર હવાથી સાથે કોરોના વાઇરસ કીટની અંદર પણ જઈ શકે છે. આવી પીપીઇ કીટને મેડિકલની ભાષામાં ટાઇપ-એની કીટ પણ કહે છે. આ પ્રકારની કિટમાં પહેરનારની સુરક્ષા વધે છે અને સંક્રમણની શક્યતા નહીંવત રહે છે.

નોન મેડિકલ યુઝ માટે
નોન મેડિકલ યુઝ માટેની પીપીઇ કીટ વુવન અને નોન વુવન પણ હોઈ શકે છે. આ કીટમાં સીટ્રા (સાઉથ ઇન્ડિયા ટેક્સટાઇલ રીસર્ચ એસોસિએશન) તથા દેશની અન્ય ત્રણ લેબો.થી પ્રમાણિત હોવી જોઈએ. તેમાં 70 જીએસએમથી ઓછી જાડાઈનું ફેબ્રિક હોવાનું ન જોઈએ. ભૂલથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવી જવાય તેવા સંજોગો માટે આ કીટ સુરક્ષિત હોય છે, તેને ટાઇપ-બીની કીટ પણ કહે છે. સામાન્ય રીતે આ પ્રકારની કીટનો ઉપયોગ મેડિકલ સ્ટાફ માટે કરવામાં આવતો નથી.

સુરત પાલિકાને આવી 12 હજાર પીપીઈ કીટ જીએમએસસીએલે આપી છે
પાલિકાના ડે. હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરત પાલિકા પહેલા અન્ય ઇજારદારો પાસેથી પીપીઈ કીટ ખરીદતી હતી પણ છેલ્લા કેટલાક સમયથી હવે રાજ્ય સરકારની કંપની જીએમએસસીએલ કીટ સપ્લાય કરી રહી છે. અત્યાર સુધી પાલિકાને આવી 12 હજાર કીટ જીએમએસસીએલે આપી છે. ગુણવત્તા વગરની કીટ મળી હોવાનું પણ હેલ્થ વર્કર્સની બુમરાણ છે.

જીએમએસસીએલે આપેલી કીટ પહેરનારી નર્સ પોઝિટિવ આવી

નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા કાંતાબેન ચૌહાણને પણ જીએમએસસીએલ દ્વારા જ સપ્લાય કરવામાં આવેલી પીપીઇ કીટ આપવામાં આવી હતી. તેમણે આ કીટ પહેરી અને કોવિડ-19 હોસ્પિટલના વોર્ડમાં પોઝિટિવ દર્દીઓની સેવા કરી હતી. બે-ત્રણ દિવસમાં જ તેમની તબિયત લથડી અને ટેસ્ટ કરાવતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. આખરે તેમને દાખલ થવું પડ્યું. હાલ તેમને રજા આપી દેવામાં આવી છે. આ ઘટના જ સાબિત કરે છે કે જીએમએસસીએલ જે પ્રકારની રદ્દી કીટ સપ્લાય કરી રહી છે તે હેલ્થ વર્કર્સ માટે કેટલી જોખમી છે.

સુરતમાં 25થી વધુ હેલ્થ વર્કર્સ પોઝિટિવ

સુરતમાં અત્યારસુધી જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે તેમાંથી 25થી વધુ હેલ્થ વર્કર્સ છે. તેમને પીપીઇ કીટ વાપરતા આવડતી નથી એવું નથી પરંતુ તેમને જે કીટમાં જ ખામી હોવાના કારણે કેટલાક લોકો કોરોના પોઝિટિવ થઈ ગયા હોવાની શંકા છે. આવામાં જીએમસીએલ ફરીથી એવા જ લોકો પાસેથી 1 લાખ કીટ ખરીદવા જઈ રહી છે, જેમણે અગાઉ સરકારી હોસ્પિટલ-સંસ્થાને 25 હજાર જેટલી કીટ સપ્લાય કરી હોય તેમની પાસેથી જ વધુ કીટ ખરીદવાની તૈયારીઓ થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે પીપીઇ કીટ પહેરી હોવા છતાં સુરતમાં સ્વાસ્થ્ય કર્મીઓ સંક્રમીત થયા હતાં, એ પાછળ હલકી ગુણવતાવાળી કીટ શંકાની નજરે છે.

સરકારી પીપીઇ કીટ વાપરનારા હેલ્થ વર્કર્સ શું કહે છે?મટિરિયલ ખરાબ છે

લિંબાયત ઝોનમાં લેબ ઓફ વ્હીલમાં ફરજ બજાવતા અને સેમ્પલિંગનું કામ કરું છું. જે પીપીઇ કીટ અમને મળે છે તેનું મટિરિયલ ખૂબ જ ખરાબ છે. મને 6 કલાક આ કીટ પહેરીને કામ કરવું પડે છે, રોજ 50થી વધુ સેમ્પલિંગ લઉં છું. અડધા કલાકમાં તો મારા બધા જ કપડા ભીના થઈ જાય છે. સતત પાણી પીતા રહેવું પડે છે, નહીંતર શરીરમાં પાણી ઓછું થઈ જાય. – ડો. બ્રિજરાજ ગોહિલ, લિંબાયત ઝોન

શ્વાસ લેવામાં તકલીફ પડે
હું ઉધના ઝોનમાં ફરજ બજાવું છું. અમને જે કીટ મળે છે તે પહેરીને કામ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે, શ્વાસ પણ બરાબર લેવાતો નથી. અડધો કલાક જ કીટ પહેરીને કામ કરાય તેવી છે, છતાં હું દોઢ કલાક કીટ પહેરીને લેબોરેટરીમાં કામ કરું છું. ત્યારબાદ કીટ કાઢી નાખું છું અને પછી નવા સેમ્પલ આવે ત્યારે ફરીથી નવી કીટ પહેરીને કામ કરવું પડે છે. દરરોજ બે કીટ વાપરવી પડે છે. -અમૃતિકા ગાવિત, લેબ ટેક્નિશ્યન, ઉધના

જે એજન્સીને કામ અપાયું છે તેણે કોઇ ભૂલ કરી હશે: ડો. સુમન રતનમ, GMSCL, MD
સવાલ: તમે હલકી કક્ષાની પીપીઇ કીટ સપ્લાય કરી રહ્યા છો?
ડો. સુમન રતનમ: 
ના. અમે જે સેમ્પલ મંજૂર કર્યા હતા, તે સારી ક્વોલિટીના જ હતા.
સવાલ : સુરતમાં તમારી કંપનીએ જે સપ્લાય કર્યું છે તે રદ્દી ક્વોલિટીના છે, આવું કેમ થયું?
ડો. સુમન રતનમ:
 જે એજન્સીને સપ્લાયનું કામ આપ્યું છે તેણે કોઈ ભૂલ કરી હશે, હું ચેક કરાવી લઉં છું.
સવાલ : રદ્દી પીપીઈ કીટ પહેરવાથી હેલ્થ વર્કર્સને કંઈ થયું તો તેના માટે તમે જવાબદારી સ્વીકારો છો?
ડો. સુમન રતનમ: 
અમે જે કીટ મંજૂર કરી છે તે સારી જ હતી, છતાં હું હમણા જ ચેક કરાવું છું કે સુરતમાં કઈ ક્વોલિટીની કીટ મોકલાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો